________________
૨૬૮
આપ્તવાણી-૧૧
આપ્તવાણી-૧૧
તથી એકાંતે કશું !
પ્રશ્નકર્તા : આપે જે કંઈ સાધના કરેલી કે આગલા જન્મે, એનાં ફળ સ્વરૂપે એ દિવસે થયું ?
દાદાશ્રી : તેથી આ મેં કહ્યું કે “ધીસ ઈઝ બટ નેચરલ'. લોકો અમને કહે છે, કેવી રીતે ? ત્યારે મેં કહ્યું, નકલ કરવા જેવી ચીજ નથી આ. હું તને કહું કે આ રીતે થયું, તું નકલ કરવા માડું, તો એવું નથી. આ ધીસ ઈઝ બટ નેચરલ. કેટલાય અવતારોના બધા સંજોગો બધાં ભેગાં થયા છે.
પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન કોઈને ઓચિંતું નથી થઈ જતું ?
દાદાશ્રી : ઓચિંતું તો આ દુનિયામાં કોઈ ચીજ થતી જ નથી. એક્સિડન્ટ આ દુનિયામાં હોતો જ નથી. આ તો ભ્રાંતિથી એક્સિડન્ટ દેખાય છે. એક્સિડન્ટ એટલે શું ? ‘એન ઇન્સિડન્ટ હેઝ સો મેની કોઝીઝ, એનું એક્સિડન્ટ હેઝ ટુ મેની કોઝીઝ'. (બનાવ ઘણાં કારણોથી થાય, અકસ્માત ઘણાં ઘણાં કારણોથી થાય) એક્સિડન્ટ જેવી વસ્તુ જ નથી. આ તો આ લોકોને એમ લાગે, ઓચિંતું ! ઓચિંતું કોઈ વસ્તુ બને જ નહીં આ દુનિયામાં.
પ્રશ્નકર્તા : એક વસ્તુ કાર્યકારણથી થાય છે અને બીજું સાહજીક થઈ જાય છે.
દાદાશ્રી : કારણ વગર સાહજીક કશું થાય એવું જ નથી. એ બધું કારણ વગર કોઈ પણ કાર્ય થઈ જતું નથી. કારણ-કાર્ય સિવાય આ જગતમાં કોઈ ચીજ બનતી નથી.
પ્રશ્નકર્તા : તો એ આપની પાસે આવવું અથવા તો જે લોકો આવે તે નિશ્ચિત હતું, માટે આવે છે ને બીજા લોકો નથી આવતા.
દાદાશ્રી : હા નિશ્ચિત હતું, નક્કી હતું, એમ ને એમ તો અવાય એવું છે જ ક્યાં ? ગપ્યું નથી આ. નક્કી હતું ને પાછું પ્રોજેકટ થયેલું હતું. આ એમ ને એમ નથી. નક્કી આખું પ્રોજેકટ થયેલું હતું. તેથી આજે રૂપકમાં આવે છે. હા. એટલે આ ક્રમબદ્ધ પર્યાય નથી આ !
પ્રશ્નકર્તા તમને ક્રમબદ્ધ પર્યાયની જાણકારી હોય તો પછી પાંચમો આરો, છઠ્ઠો આરો એ આપણને બરાબર ખ્યાલ આવે અને આપણને એમાં મદદરૂપ થાય છે.
દાદાશ્રી : ના, પણ એ જરૂર નથી આપણે. પાંચમા આરો ને છો આરો, આપણે શી જરૂર ? આપણે મોક્ષે જવા સાથે કામ છે કે બીજું કામ છે ? બધું જગત જ આખું ક્રમબદ્ધ છે. ચોથા આરા પછી પાંચમો આવશે, પાંચમા આરા પછી છઠ્ઠો આવશે. ક્રમબદ્ધ મોક્ષને માટે કોઈ હેલ્પ કરતું નથી. ક્રમબદ્ધને જો મોક્ષને માટે લઈ જવું હોય તો શું થાય છે ? એ પછી છે તે નિયતિમાં જતો રહે છે. એકલી જ નિયતિ થઈ ગઈ. પ્રારબ્ધ, પુરુષાર્થ બધું ઉડી ગયું. ભગવાનના કહેલા બધા શબ્દો ઉડી જાય છે. એકલું જ ક્રમબદ્ધ પર્યાય હોય તો તો પછી તીર્થકરોનાં પાંચ સમવાય કારણ બધું ઉડી જાય છે. બધું શાસ્ત્ર જ ઉડી જાય છે. બધું નિયતિ જ થઈ ગયું !!
આ તો કહેશે, ક્રમબદ્ધ પર્યાય છે બધું ! પછી રહ્યું જ શું ત્યાં આગળ ! ક્રમબદ્ધ પર્યાય હોય તો વાંચવાની શી જરૂર ? તમારે ત્યાં શા હારૂ આવીએ ? તમારા દર્શન કરવાની જરૂર શું અમને ?! પણ માણસને ખબર પડે નહીંને !!
અનાદિકાળથી માર્ગ જ પામ્યો નથી અને માર્ગ સરળ છે, છતાં સરળની પ્રાપ્તિ નથી. એ તો જે જ્ઞાની પુરુષ ડુંગર ઉપર રહીને ડુંગરનું વર્ણન કરે છે, તે જ્ઞાની પુરુષના બધા દાખલા તમને વ્યવહારમાં કામ લાગે અને તે દવા ચાલે તમારી. બાકી શબ્દોની લખેલી કોઈ દવા ચાલે નહીં. શાસ્ત્રની દવા એ છે તે શબ્દોની લખેલી. અગર તો નીચેથી ડુંગરનું, અધવચ્ચે ડુંગરનું વર્ણન કરવામાં આવેલું, પણ એ ફળ આપે નહીં.