________________
૧૧૦
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) પ્રશ્નકર્તા : એવા પ્રખર બુદ્ધિશાળી કેટલા હશે ? લાખમાં એકાદ હોય ?
દાદાશ્રી : હા, એવું એક-બે હોય, બસ ! એટલે બુદ્ધિશાળી તો ઘરમાં મતભેદ બધું સાફ કરી નાખે એટલે એ ‘હાઉ ટુ એડજસ્ટ’ એની શોધખોળ કરે અને આ બીજા લોકો તો ચીડાવાની જગ્યાએ ચીડાઈ ઊઠે. હસવાની જગ્યાએ હસી ઊઠે, રડવાની જગ્યાએ રડી ઊઠે, એ બુદ્ધિશાળી ના કરે. બુદ્ધિશાળી હસેય નહીં. બધા હસે પણ એ ના હસે. એ સાધારણ ઉપલક જ મોટું જરા એ કરે એટલું જ, તેય બનાવટ.
બુદ્ધિશાળી તો પ્રધાનેય ના થાય. એ તો પાંચ-સાત-દસ હજાર પગાર આપતા હોય ત્યાં જાય પણ પ્રધાન ના થાય, ‘એમાં શું મળવાનું?” કહેશે.
પ્રશ્નકર્તા: આજકાલના કાળમાં તો પ્રધાનોને તો ઘણું મળી શકે એવું હોય છે ?
દાદાશ્રી : એ બુદ્ધિશાળી માણસો છે તે ઘણાખરા ખોટો પૈસો ના લે, ત્યારે બુદ્ધિ આટલી બધી ફેલાય. એ બહુ નિયમવાળા હોય. પ્રમાણિકપણું ને નિષ્ઠા બહુ સારી હોય છે. આમ છે તે એને પગારેય બહુ સારો મળે પણ પ્રધાન થઈને લુંટી લઉં, એવું એને નહીં. એટલે બુદ્ધિશાળી ત્યાં હોય નહીં. એક બુદ્ધિશાળી હોય તો આ બધામાં એ માર્યો જાય બિચારો. એટલે બુદ્ધિશાળીને તો એ ગમે જ નહીં.
પ્રશ્નકર્તા ઃ એનો અર્થ એવો થયો કે ટ્રીકો કરે, જૂઠું બોલે તો બુદ્ધિ ડેવલપ જ ના થાય ?
દાદાશ્રી : આ લુચ્ચાઈ કરે, જૂઠું બોલે એ તો બધી બુદ્ધિ ખલાસ થઈ ગયેલી હોય તે જ કરે. બુદ્ધિવાળો તો બધું ક્લિયર કરી નાખે. મનની પાતળામાં પાતળી ધાર ખોળી કાઢે ત્યાં સુધી વિચારી નાખે પણ શોધખોળ કર્યા વગર રહે નહીં. ત્યારે એનો ઈગોઈઝમ બહુ વધેલો હોય, ઈગોઈઝમ પુષ્કળ હોય, એની બળતરા ય મહીં હોય. પણ બીજી (બુદ્ધિના ડખાની) બળતરા ઊભી નહીં થવાની ને બહાર મતભેદ કે કશું નહીં ને !
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
૧૧૧ પ્રશ્નકર્તા : બુદ્ધિશાળીઓને આપના જેવા જ્ઞાની પુરુષ મળી જાય એટલે કલ્યાણ થઈ જાય પછી.
દાદાશ્રી : પણ એ સીધા રહે નહીં ને ? પ્રશ્નકર્તા : તો પછી ખોટ ગઈ એમને ?
દાદાશ્રી : નરી ખોટ ને ! એ બુદ્ધિશાળીઓને હૃદય ખલાસ થઈ ગયેલું હોય.
પ્રશ્નકર્તા : હૃદય કેમ ખલાસ થઈ ગયું હોય ? દાદાશ્રી : બુદ્ધિને અને હૃદયને મેળ પડે નહીંને ! પ્રશ્નકર્તા : બુદ્ધિશાળી બહુ ઈમોશનલ ના થાય ?
દાદાશ્રી : ઈમોશનલ ખરા પણ તે ઈમોશનલપણું થતાં પહેલાં બુદ્ધિથી કાઢી નાખે બધું. એક-બે વખત ઈમોશનલ થયા હોય કે તરત જ એને વિચાર કરીને કાઢી નાખે કે આનાથી ભૂલ થાય છે. બહુ જબરી પ્રજા છે એ તો ! પણ બહુ ઓછા હોય એવા !!
અંતરાયેલી બુદ્ધિના ચાળા ! અંતરાયેલી બુદ્ધિ કળા ખોળી કાઢે. અંતરાયેલી બુદ્ધિ શું કરે ? તોફાન માંડે કે ના માંડે ? આ તો જ્ઞાન મળ્યું. તે હવે એ રાગે પડી ગયું.
પ્રશ્નકર્તા : આપને માટે એવું કહો છો ને, આપ એવા જ તોફાની હતા?
દાદાશ્રી : તે એ દહાડે બુદ્ધિ અંતરાયેલી હતી ને ! તે સળીઓ કરે. બુદ્ધિ અંતરાયને ત્યારે કંઈ મઝા ના આવતી હોય તો સળી કરે કે ‘હવે મઝા આવી” કહે. સળી એટલે શું કે અહીં પોતે બેઠો હોય ને ટેટો પણે ફૂટે, એનું નામ સળી ! તે આ બધી બુદ્ધિ ઊંધી-છત્તી થયા જ કરે ને ! એટલે લોક જાણે કે આ સળીયાખોર છે અને અમેય કહીએ ખરા કે, ‘ભાઈ, સળીયાખોર જ હતા.'