________________
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૨) બુદ્ધિનું સ્વરૂપ
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : પછી મીણબત્તીની જરૂર નહીં. એમ અમારે છે તે અંદર ડિરેક્ટ પ્રકાશ મળેલો એટલે અમારે બુદ્ધિ ના હોય, ઈન્ડિરેક્ટ પ્રકાશ ના હોય.
પ્રશ્નકર્તા : આ સૂર્યનારાયણ પ્રકાશ આપે છે, એ પોતાને આપે છે કે બીજાને આપે છે ?
દાદાશ્રી : એ બીજા લોકોને પ્રકાશ આપે છે. અને આત્માનો પ્રકાશ તો સ્વ-પર પ્રકાશક છે, પોતાને પણ પ્રકાશિત કરે છે અને પારકાનેય પણ પ્રકાશિત કરે છે. એટલે આત્માનો પ્રકાશ બે જાતનો અને બુદ્ધિનો પ્રકાશ એક જ પ્રકારનો, પરને જ પ્રકાશિત કરે છે. આ સૂર્યનો પ્રકાશ પણ પરને પ્રકાશિત કરે છે. પોતાને પ્રકાશિત નથી કરતો. આત્મા તો પોતાને પણ પ્રકાશિત કરે અને પરને પણ પ્રકાશિત કરે.
બુદ્ધિ એ પર પ્રકાશક છે. એટલે આપણે સ્વરૂપને જોવું હોય તો ના જોવા દે. પણ બીજું દેખાડે એટલે પારકી વસ્તુને દેખાડે. પોતાની કોઈ વસ્તુને ના દેખાડે અને જ્ઞાનપ્રકાશ એટલે શું ? એ સ્વ-પર પ્રકાશક છે. એટલે પોતાને અને પરને, પરનું પણ જ્ઞાન અને પોતાનું પણ જ્ઞાન બન્નેને પ્રકાશિત કરે છે. એ સાચું જ્ઞાન એ વિજ્ઞાન કહેવાય. એ ચેતનવંતુ હોય.
ગમ્યું તમને, આ છેલ્લું ફાઈનલ ? ફર્સ્ટ એન્ડ ફાઈનલ (પહેલો અને અંતિમ), આ છેલ્લામાં છેલ્લો જવાબ અને જ્ઞાન એ ડિરેક્ટ પ્રકાશ અને સ્વ-પર પ્રકાશક છે. પોતાનેય દેખાડે અને પારકુંય દેખાય. શેયને દેખાડે અને જ્ઞાતાનેય દેખાડે.
એ છે સંયોગી દ્રવ્ય ! જ્ઞાન એ મૂળ દ્રવ્ય છે અને બુદ્ધિ એ સંયોગી દ્રવ્ય છે. સંયોગ ભેગો થાય, ના ય થાય અગર તો સંયોગ ખસી જાય. એટલે બુદ્ધિ એ સંયોગી દ્રવ્ય છે.
પ્રશ્નકર્તા : સંયોગના આધારે બુદ્ધિ તીવ્ર થતી જાય ?
દાદાશ્રી : પણ બુદ્ધિ પોતે જ સંયોગ છે. એ ભેગી થયેલી વસ્તુ છે. જ્ઞાન એ સંયોગ નથી, જ્ઞાન એ દ્રવ્ય છે અને બુદ્ધિ એ સંયોગ છે.
પ્રશ્નકર્તા : એટલે બધાને એક જ જાતના સંયોગ હોય, પણ એકને લાઈટ ઓછું હોય તો એના પ્રમાણમાં બુદ્ધિની તીવ્રતા ઓછી રહે, એવું ?
દાદાશ્રી : એ ઓછું લાઈટ તો ઓછી બુદ્ધિ હોય અને લાઈટ વધારે એટલે બુદ્ધિ વધારે. બુદ્ધિ એટલે એક પ્રકારનું લાઈટ. તે પરપ્રકાશ, સંયોગી પ્રકાશ, એ ક્યાં સુધી રહે કે પોતે સંયોગી હોય ત્યાં સુધી. ‘ચંદુભાઈ’ જોડે સંયોગ હોય ત્યાં સુધી અને આત્મા જોડે સંયોગ થયો એટલે અસંયોગી કહેવાય.
બધી સંયોગી વસ્તુ છે એટલે બધી રિલેટિવ છે અને વિનાશી છે. એટલે મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. બુદ્ધિ પરપ્રકાશ છે. રિલેટિવ પ્રકાશ છે, રિયલ પ્રકાશ નથી. જ્ઞાન એ રિયલ પ્રકાશ છે.
બુદ્ધિતા ચએ અહંકાર દેખતો ! દરેકની બુદ્ધિ કંઈ ખરાબ હોતી નથી. બુદ્ધિની વિપરીતતા દરેક જગ્યાએ હોતી નથી. એવી જે બુદ્ધિ, તે તો લોકોને અજવાળું આપે, પ્રકાશ આપે, કંઈક ઠંડકેય કરે.
પ્રશ્નકર્તા : તો બુદ્ધિ સામાન્ય ભાવે ઠીક છે ?
દાદાશ્રી : એટલે બુદ્ધિ કંઈ ખોટી વસ્તુ નથી પણ એને અહંકારે કરીને પોઈઝનસ કરી નાખી છે અને જે બાબતમાં અહંકાર હોય તે બાબતમાં પ્રકાશ બિલકુલ હોય નહીં, ત્યાં આંધળો હોય. જે ખૂણામાં અહંકાર વધી ગયેલો હોય, ત્યાં આંધળો હોય. એ અહંકાર તો, નોર્મલ અહંકાર હોય તો તે ખૂણામાં પ્રકાશ પડે.