________________
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૨) બુદ્ધિનું સ્વરૂપ
પ્રશ્નકર્તા : આ સેન્સિટિવ એ જ ઈમોશનલ ?
દાદાશ્રી : એ ઈમોશનલ બધું. બધા એના જ પર્યાયો છે. પણ શબ્દ જુદા છે ને, એટલે એના પર્યાયમાં થોડો ફેર હોય પણ મૂળ ત્યાં જ જાય. સ્થૂળ અર્થમાં ત્યાં જ જાય અને સેન્સિટિવ સ્વભાવ કોઈ દહાડો સ્થિર ના થવા દે. અકળામણમાં ને અકળામણમાં રાખે. મોક્ષમાં ના જવા દે અને બુદ્ધિ જેમ જેમ ઓછી થાય તેમ નિરાકુળતા આવતી જાય, અકળામણ ઓછી થતી જાય.
એ નથી આત્માનું અંગ ! પ્રશ્નકર્તા : આ ખાલી સમજવા જ પૂછું છું, કે આ બુદ્ધિ ને આ બધું જે છે, એ આત્માનું જ એક અંગ નથી ?
દાદાશ્રી : ન હોય, આત્માનું અંગ નથી. બુદ્ધિ અને આત્મા, બે જુદી વસ્તુ છે. બુદ્ધિ હંમેશાં ઈગોઈઝમ (અહંકાર) વાળી હોય અને જ્ઞાન નિર્અહંકારી હોય.
પ્રશ્નકર્તા : પણ બુદ્ધિ અને જ્ઞાન વચ્ચે સંવાદ ના થાય ?
દાદાશ્રી : જ્યાં બુદ્ધિ હોય ત્યાં જ્ઞાન હોતું જ નથી. બુદ્ધિ ને જ્ઞાનમાં કંઈ ભેદ હશે ખરો ?
પ્રશ્નકર્તા : ખરો. શબ્દમાં તો ફેર છે જ.
દાદાશ્રી : શબ્દમાં તો ફેર ઉઘાડો જ દેખાય છે. એ તો બધા સમજી ગયા. પણ આમાં મૂળ શું ભેદ હશે ? હવે બુદ્ધિ એ ઇન્ડિરેક્ટ નોલેજ (પરોક્ષ જ્ઞાન) છે, ઇન્ડિરેક્ટ લાઈટ છે અને જ્ઞાન એ આત્માનો ડિરેક્ટ લાઈટ (પ્રત્યક્ષ પ્રકાશ) છે. એટલે જગત ઈન્ડિરેક્ટ પ્રકાશથી જ જીવે છે અને અમારે ડિરેક્ટ પ્રકાશ હોય. અને તમારે જ્ઞાનનો પ્રકાશ નથી, બુદ્ધિનો પ્રકાશ છે એટલે તમને ભેદ હોય કે આ આટલું અમારું ને આ એમનું. અને તમે તમારી જગ્યામાં બરોબર બેસી ગયા હોય તોય તમે પેલાને કહેશો કે, ‘ભઈ, આ જગ્યા મારી છે.' તમને સમજાયું ને ?
ડિરેક્ટ અને ઈડિરેક્ટ પ્રકાશ... જ્ઞાનનો પ્રકાશ અને બુદ્ધિનો પ્રકાશ એમાં ફેર શું હશે ? બુદ્ધિ અને જ્ઞાન એનો ડિફરન્સ (તફાવત) હવે હું આપું. બુદ્ધિ અને જ્ઞાનનો ડિફરન્સ અત્યાર સુધી અપાયો જ નથી, કોઈ વખતેય. કોઈ શાસ્ત્રમાં, કોઈ શબ્દમાં અપાયો જ નથી. બુદ્ધિ અને જ્ઞાન જુદાં છે, એવુંય કોઈએ કહ્યું નથી. એવું છે, બુદ્ધિ અને જ્ઞાનમાં ફેર ખરો કે નહીં ?
પ્રશ્નકર્તા: હા, ફેર.
દાદાશ્રી : એ ફેર તને શી રીતે સમજાય છે ? કેટલો ફેર હશે? આમાં ડિફરન્સ કેટલો ? બુદ્ધિ બાર આની હશે ને જ્ઞાન સોળ આની હશે, ચાર આનાનો ડિફરન્સ હશે ?
પ્રશ્નકર્તા : બુદ્ધિ તો જ્ઞાનની કક્ષાએ ન પહોંચી શકે ને ?
દાદાશ્રી : એવું છે ને, કે બુદ્ધિ શું છે એ તને સમજાવું. જ્ઞાન અને બુદ્ધિ બેના સ્વભાવમાં જ ડિફરન્સ છે. જેમ સોનું અને પિત્તળ, બે જુદું હોય ને ? પિત્તળ છે તે સોના જેવું દેખાય પણ છતાં ગધર્મમાં ફેર હોય. બુદ્ધિની વ્યાખ્યા તેં સાંભળી જ નહીં હોય કોઈ દહાડોય ! કેટલા ભાગને બુદ્ધિ કહેવી અને કેટલા ભાગને જ્ઞાન કહેવું તેની વ્યાખ્યા આપું. જ્યાં કંઈ પણ બુદ્ધિ છે ત્યાં તમને ‘ડાર્કનેસ' (અંધારું) લાગે. કારણ કે એ ઈન્ડિરેક્ટ પ્રકાશ છે.
પ્રશ્નકર્તા : એટલે બુદ્ધિ તો ખાડામાં નાખે ?
દાદાશ્રી : હા, ખાડામાં નાખે. કારણ કે એ ઈન્ડિરેક્ટ પ્રકાશ છે ને સાચો પ્રકાશ નથી. બુદ્ધિ એ પ્રકાશ છે. એ કંઈ ગયું નથી. બુદ્ધિના પ્રકાશથી જ તો બધું જગત ચાલી રહ્યું છે. જ્ઞાન પ્રકાશથી જગત ચલાવવાની જરૂર હોય નહીં. બે પ્રકાશમાં ફેર છે.
પ્રશ્નકર્તા : બુદ્ધિ અને જ્ઞાન પ્રકાશ એ બેમાં શો ફેર છે ?
દાદાશ્રી : બહુ ફેર, બુદ્ધિ એ ડિરેક્ટ પ્રકાશ નથી અને જ્ઞાન પ્રકાશ એ ડિરેક્ટ પ્રકાશ છે, તો ક્યું સારું ?