________________
૫૭૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા : હા, દાદા.
દાદાશ્રી : દેહ દેહનો ધર્મ બજાવે. એ દેહ કંઈ આત્મરમણતા કરે ? મન મનનો ધર્મ બજાવે અને અહંકાર આત્મરમણતા કરે. એ જે પહેલાં સંસારમાં અહંકાર કરતો હતો, તેને બદલે હવે આત્મા ભણી રમણતા કરે. એટલે આત્મરમણતા ઊભી થઈ, એ નિરંતર હોય. કારણ કે બીજું બધું પોતપોતાના ધર્મમાં છે દેહ દેહના ધર્મમાં છે. દેહ ધર્મ બજાવે ખરોને ? સંડાસ ના થાય તો દવા લેવડાવે, રાગે આવી જાયને !
આ તો લોકોએ ભ્રાંતિથી બધા ધર્મને ‘હું કરું છું' એમ માને, મારો ધર્મ છે. સંડાસ જવું એ મારો ધર્મ, ખાવું-પીવું તે મારો ધર્મ, પેટમાં દુખ્યું તેય મારો ધર્મ. પેટમાં દુખ્યું એ કંઈ આત્માનો ધર્મ હોતો હશે ? એ દેહનો ધર્મ જ છે.
પ્રશ્નકર્તા : આ આત્માને ઈગોઈઝમથી છૂટો પાડી દે, તો પછી દેહમાં પણ મોક્ષનો અનુભવ થાયને ?
દાદાશ્રી : છૂટું એને જ થવાનું છે. જે ઈગોઈઝમ ઉત્પન્ન થયો છે, તે ઈગોઈઝમ નાશ થઈ જાય એટલે આત્મા છૂટો જ છે.
અહંકાર - કર્તાપણાતો, ભોક્તાપણાતો !
પ્રશ્નકર્તા : આ જ્ઞાન લીધા પછી ચરણવિધિમાં આપણે બોલીએ છીએ ને કે ‘હું શુદ્ધાત્મા છું', એમાં બે વસ્તુ આવે છે. એક વ્યવહારનું આવે છે, કે આપના સર્વોત્કૃષ્ટ સદ્ગુણો મારામાં ઉત્કૃષ્ટપણે સ્ફુરાયમાન થાવ અને ‘હું શુદ્ધાત્મા છું' એવા વાક્ય પણ આવે છે.
દાદાશ્રી : એનો એ જ ‘હું’ પણ અમલ ક્યાં કર્યો તે ? વ્યવહાર એટલે અમલ કરેલી વસ્તુ, ‘હું શુદ્ધાત્મા’ તે સાચું અને પેલું બધું ‘હું’ જ્યાં વાપર્યો તે વિકલ્પ કહેવાય. એટલે જે બંધાયેલો છે તે છૂટવા માટે આ બધાં ફાંફાં મારે છે.
પ્રશ્નકર્તા : એટલે અહંકાર બંધાયેલો છે ?
(૭) વિજ્ઞાન, અહંકારના જન્મનું !
દાદાશ્રી : ત્યારે બીજું કોણ ? ચંદુભાઈ, અહંકાર, પ્રતિષ્ઠિત આત્મા, જે ગણો તે, એ બંધાયેલો છે, દુઃખેય એને જ છે. જેને દુઃખ છે એ મોક્ષમાં જવા માટે ફાંફા મારી રહ્યો છે. દુ:ખમાંથી મુક્ત થવું એ મોક્ષ. દુ:ખ જેને પડતું હોય તે સુખ ખોળે. બંધાયેલો હોય તે છૂટો થવા ફરે છે. આ બધું બંધાયેલા માટે છે. આમાં શુદ્ધાત્મા માટે કશું નથી.
૫૭૩
પ્રશ્નકર્તા : જો ચંદુભાઈને છૂટવું હોય અને ચંદુભાઈ બોલતો હોય તો ‘હું શુદ્ધાત્મા છું', એ વાક્ય કેવી રીતના આવે ?
દાદાશ્રી : એય બોલાય જ ને !
પ્રશ્નકર્તા : તો ચંદુભાઈ કેવી રીતના બોલી શકે, ‘હું શુદ્ધાત્મા છું' એમ ?
દાદાશ્રી : બોલે જને ! પણ એ તો ટેપરેકર્ડ છેને ! એ ચંદુભાઈ હતા તે દહાડાની વાત છેને ? અને આપણે અત્યારે તો ‘હું’ આ થયા છે, રિયલી સ્પિકીંગ ‘હું શુદ્ધાત્મા છું’, રિલેટિવલી સ્પિકીંગ ‘ચંદુભાઈ’, એમાં શું વાંધો છે ? કયા વ્યૂ પોઈન્ટથી હું આ બોલું છું ?
પ્રશ્નકર્તા : એટલે આમાં બેઉ વ્યૂ પોઈન્ટ આવે છે.
દાદાશ્રી : વ્યૂ પોઈન્ટ બધાય. કેટલા બધા વ્યૂ પોઈન્ટ છે ! પણ આમાં મુખ્ય બે જ. વ્યૂ પોઈન્ટ તો ત્રણસો સાઠ ડિગ્રીનો. આ ડિગ્રીએ હું આનો સસરો થઉં, આ ડિગ્રીએ હું આનો ફાધર થઉં, આ ડિગ્રીએ
આનો મામો થઉં.
પ્રશ્નકર્તા : ‘હું શુદ્ધાત્મા છું’ કહીએ એટલે અહંકાર પૂરો ખલાસ થઈ જાયને ?
દાદાશ્રી : ખલાસ થઈ ગયો છે. ફક્ત ભોગવવાનો અહંકાર રહ્યો છે. કર્તાપદનો અહંકાર ઊડી ગયો છે અને ભોક્તાપદનો અહંકાર રહ્યો છે. અહંકાર વગર જીવે નહીં. હાથ-પગ હલાવે નહીં. પણ એ ડિસ્ચાર્જ છે, એમાં જીવ નથી અને પેલામાં જીવ છે, એમાં પાવર છે.