________________
૫૫૦
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૭) વિજ્ઞાન, અહંકારના જન્મનું !
૫૫૧
અમલ બધોય ભૂતનો જ. ઊંઘે તેય ભૂત. એટલે પછી મારે ત્યારે વાગેય એને. ભૂવો મારે એટલે કહે, ‘હું નીકળું છું.” ત્યારે કહે, “કોણ છે તું?” ત્યારે એ કહે, “આઈ એમ ચંચલ.’ તે કાશી અંગ્રેજી ભણેલી ન હતી તોય અંગ્રેજી બોલતી હતી. એનું શું કારણ ? ચંચળનો અમલ છે. એટલે આ બધું થયું એમાં વાગ્યું કોને ? ચંચળને બધુંય થયું. વાગ્યું ચંચળને, પણ સોળાં એકલાં રહ્યાં કાશીને ! એવું આપણે આ બધુંય થાય છે, આખો સંસાર થાય છે પણ વાગે છે તે અહંકારને જ વાગ વાગ થાય છે. અહંકારને તોડીએ છીએ ત્યારે સોળાં રહી જાય છે. એના દવાદારૂ, પાટાપીંડી કરવા પડે.
આ જ્ઞાન આપ્યા પછી શાનો ડખો રહે છે ? સોળાં રહી જાય છે. તે આ ચોપડે, તે ચોપડે, આમ ચડે, તેમ સૂઈ જાય પાછો. તેથી તો અમે કહીએ છીએ કે આ મન-વચન-કાયાનાં ત્રણ ભૂત વળગ્યાં છે, તેના ઉપરથી આ કાશીનું દૃષ્ટાંત નીકળેલું. આ બધો સાંધો જડે તો તો કામ નીકળી જાયને ?
આ દારૂડિયા માણસને આપણે મારીએ તો વાગે કોને ? અમલ હોય તેને. પેલાને કશું વાગે નહિ. દારૂ ઊતરી ગયો પછી સોળાં એને રહી જાય છે. એટલે પેલાને પછી લહાય બળ્યા કરે. એવું થતું હશે ? દારૂનો અમલ એના જેવો આ ભૂતનો અમલ. ભોગવે જ એ બધું, અમલ જેનો હોય તે.
આ અહંકાર ભોગવી લે છે બધુંય. દુ:ખેય અહંકારને પડે છે ને સુખેય અહંકારને પડે છે. જેનો અમલ હોય તેને જ લાગુ થાય. અહંકારનો અમલ હોય, ભૂતનો અમલ હોય, દારૂનો અમલ હોય. દારૂનો અમલ હોય ત્યારે કહેશે કે, “સયાજીરાવ મહારાજ છું'. એટલે આપણે ના સમજીએ કે એને પોતાનો અમલ નથી રહ્યો આમાં !
એ ડામ આપે પેલી ચંચળને, એ તો ચંચળને સહન ના થાય, તે બૂમ પાડે કે હું નીકળી જઉં છું. પછી સોળાં રહે પેલી કાશી બિચારીને.
આજનો જે અહંકાર છે એ ડિસ્ચાર્જ અહંકાર છે અને નવો
અહંકાર, ચાર્જ અહંકાર શરૂ થઈ રહ્યો છે મહીં. ચાર્જ અહંકાર, એ તો જ્ઞાની પુરુષ કાઢી આપે. જેનો અહંકાર લય થઈ ગયો છે તે કાઢી આપે. બીજો કોઈ કાઢી શકે નહીં. અને જૂનો અહંકાર, જે કારણો સેવેલાં તેનું આજે ફળ ભોગવીએ છીએ. એ આપણે કાઢવો હોય તોય જાય નહીં.
અહંકારતી મૂળ ઉત્પત્તિ ! પ્રશ્નકર્તા : અહંકાર, પછી ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ એ બધા પોતાના ગુણો બતાવે છેને ? તો એમાં ચેતન જેવું કંઈક હોવું જોઈએ. તે સિવાય કેમ બતાવે ? જડ વસ્તુ તો બતાવે નહીં.
દાદાશ્રી : પણ તે આ ભમરડા જેવું ચેતન. ભમરડામાં જે ચેતન દેખાય છેને ફરતાં ફરતાં, એમાં એનું કશું નથી.
પ્રશ્નકર્તા : તો કોનું છે ?
દાદાશ્રી : એ આત્માની બાજુમાં આવવાથી સામીપ્યભાવની શક્તિ ઉત્પન્ન થઈ છે. પોતે પોતાનું સ્વરૂપ નહીં જાણતો હોવાથી જ આ ‘હું છું’ એમ એની કલ્પનાથી બધી શક્તિ આમાં ઉત્પન્ન થાય છે. પણ વિનાશી છે એ. એ ટકે નહીં.
પ્રશ્નકર્તા : એટલે પછી અહંકાર જ આવ્યોને ? તમે આમથી આમ ફેરવો, એ અહંકાર જ છેને ?
દાદાશ્રી : અરે, છે જ નહીં, ત્યાં બીજું છે જ નહીં. આ વિશેષભાવ ઉત્પન્ન થાય છે તે છે.
પ્રશ્નકર્તા : આપણે આ ઇવોલ્યુશનની થીયરી છે. ઇવોલ્યુશન કહે છે તે બધો, વિશેષભાવ જ છેને ? આ જેની કંઈ પણ પ્રગતિ થઈ રહી છે તે વિશેષભાવની જ પ્રગતિ છેને ? આ જે કંઈ ઉત્ક્રાંતિ થઈ, માણસમાં આવ્યો, આ બધું વિભાવનું જ થયું તે, વિભાવથી જ છેને?
દાદાશ્રી : એ બધું વિભાવ જ ને. વિભાવને લઈને આ બધું. જે છે તે વિભાવથી.