________________
૫૧૦
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૬) અહંકારનો વ્યવહારમાં આવિષ્કાર
૫૦૯ પ્રશ્નકર્તા : નથી તો કેવી રીતે કહેવાય ?
દાદાશ્રી : ત્યારે એમાં અસર નથી થતી ક્લેક્ટરમાં, અને આમાં કેમ અસર થાય છે ? તમે અંદર માની બેઠા છો કે હું કંઈક છું, અક્કલવાળો.
પ્રશ્નકર્તા : તેમાં અહંકાર ઘવાય છે.
દાદાશ્રી : અહંકાર મહીં ઘવાય છે ને હું કંઈક અક્કલવાળો છું. અક્કલનો કોથળો બજારમાં વેચવા જાય તો ચાર આનાય ના આવે. કોઈ લે નહીં. કારણ કે બધા અક્કલના કોથળા, કોણ લે ? તમારે કોઈ કંઈક બોલી ગયો હોય તો તરત થાય કે હું કંઈક છું. હું તો પહેલેથી અક્કલવાળો છું એવું માને. શું કહો છો ? તમારે એવું માને છે ?
પ્રશ્નકર્તા : હા, બરાબર. પહેલેથી જ પોતે માને કે હું અક્કલવાળો છું, આમ જ છું બધું. મને કોઈ શું કહી જાય !
દાદાશ્રી : એવું તો કો'ક દહાડો જ હોયને ?
પ્રશ્નકર્તા : આ દાદાનું જ્ઞાન નહોતું લીધું ત્યારે હતું કે મને કોઈ શું કહી જાય, અહંકાર એવો હતો પણ હવે બધું એડજસ્ટ કરી લઉં.
દાદાશ્રી : ‘હું હોશિયાર છું’ એવું રહે ? પ્રશ્નકર્તા : હા, રહે. દાદાશ્રી : એ રોગ બહુ મોટામાં મોટો. પ્રશ્નકર્તા : પણ હવે બિલકુલ રહેતું નથી. દાદાશ્રી : એમ નહીં, કોઈક વખત રહે છે એવું ?
પ્રશ્નકર્તા: ‘હું હોશિયાર છું’ એવું તો નથી રહેતું કોઈ દિવસ, પણ મને કોઈ કહી ના જાય, બસ એની સાવચેતી રાખેલી.
દાદાશ્રી : કોઈના દબાણમાં ન આવું, એવું કશુંક હતુંને ?
પ્રશ્નકર્તા : હા, એવું ખરું.
દાદાશ્રી : ‘હું કંઈક છું’ એ હતુંને, એ જ રોગ. અને એ જ રોગથી અથડાય છે. જ્ઞાન મળે તોય આ રોગ ના જાય. એટલે આ રોગ હજુ રહ્યો હોય તો કાઢી નાખવો. ! બાકી, આ જ્ઞાન મળ્યા પછી પણ આ રોગ રહ્યા કરે છે. પછી આપણે ‘એને’ કહીએને, તો સમજી જઈને ધીમે ધીમે આ રોગ કાઢે છે. પણ કહ્યું ના હોય તો અંદર રહી જાયને. એ રોગ નીકળી જવો જોઈએ.
પ્રશ્નકર્તા : ‘હું કંઈક છું’ એવા રોગનાં લક્ષણો શું ?
દાદાશ્રી : એના બહુ લક્ષણ હોય બધાં, અજ્ઞાની જેવા જ લક્ષણ હોય બધાં. પોતાનું ધાર્યું કરે, ફલાણું કરે, માન આપે તો પછી મીઠું લાગે. ઘણાખરા આવા રોગ, બધા બહુ લક્ષણ હોય. માન આપે ને કડવું ના લાગે તો એ જ્ઞાન રહે નહીં એને. માન જો આપતા હોયને તો જ્ઞાનવાળો માણસ તો કંટાળી જાય કે આ માન કોને જાય છે ? ચંદુલાલને માન જાય છે, ચંદુલાલનું શું કરવું ? એટલે આ રોગથી તો બહુ સાચવવા જેવું છે.
પ્રશ્નકર્તા : દાદાના મળતાં પહેલાં જે અહંકાર હતો કે હું કંઈક છું, ધાર્યું કરવું હોય તો કરાતું, હવે નથી કરાતું.
દાદાશ્રી : ધાર્યું ના થાય, એટલે કરતા નથી હવે. આ કરાતું જ નથી આપણાથી. એ ધાર્યું જે કરાતું હતું, એ આપણને ઊંધે રસ્તે લઈ જતું'તું.
પ્રશ્નકર્તા : પણ ઘણીવાર અંદરથી એવું લાગે કે એ શક્તિ જતી રહેલી છે.
દાદાશ્રી : એ, ખોટી શક્તિ જો જતી રહે આમાંથી, એટલે સાચી શક્તિ આવે. એ શક્તિ તારા કામની નહોતી, એ ઊંધી શક્તિ ભરાયેલી, એ તો જ્યારે ત્યારે મારી નાખે.
પ્રશ્નકર્તા : પણ એ શક્તિ ઘણીવાર આપણાથી સદુપયોગમાં વપરાયને ?