________________
(૫) અહંકારનો ભોગવટો
૪૫૭
૪૫૮
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
રહેલો તેથી. નહીં તો મારો અહંકાર હતો ત્યારે છે તે એક દીવાસળી સળગાવી ને મારો અંગૂઠો આમ ઉપર મૂકેલો. મેં કહ્યું, ‘અહીં ધર.' તે બે દીવાસળી સળગતી રહી ત્યાં સુધી રહેવા દીધું હતું. અહંકાર શું ના કરે ? અહંકાર બધું જ કરી શકે અને આ સહજતા ના કરી શકે.
પ્રશ્નકર્તા : ઘણા સંત પુરુષના જીવનમાં આવે છે કે એમના હાથ કાપી નાખ્યા, પગ કાપી નાખ્યા, તોય પણ એમને અસર ના થઈ. એને ને આત્માને કશું લેવાદેવા નહીં ?
દાદાશ્રી : એ તો અહંકારીઓ બધા. એને ને આત્માને કશું લેવાદેવા નહીં. આ પેલા લામાઓ બળી મરેલાને, તે શરીર જરાય નહોતું હાલ્યું. એટલે બધા લોક કહે છે, “કેટલી બધી આ ઊંચી વસ્તુ !” મેં કહ્યું, ‘ન હોય મૂઆ, આ તો અહંકારીઓ છે.’ લોકોને પરીક્ષા હોય નહીં, તે લોક આ રોટલી ખાવામાં સમજે એટલું જ. તે વખતે કાચી હોય તોય ખબર ના પડે. ત્યાં સુધીની છે, આપણા લોકની પ્રગતિ (!)
પ્રશ્નકર્તા : એટલે જ્ઞાનીને શરીર પરની અસર બીજાના જેવી જ નોર્મલ હોય પણ એ એને જોઈ શકે એટલો જ ફરક હોય. બાકી અસર તો બન્નેની સરખી જ રહે ?
દાદાશ્રી : ના, હોય નહીં કોઈ દહાડોય. બન્નેની સરખી અસર હોતી હશે ? અજ્ઞાની છે તે રડીને ભોગવે અને જ્ઞાની હસીને ભોગવે. તમને રસ્તામાં ગજવું કપાય તો તમે રડો નહીં. તમે જાણો કે આ ‘વ્યવસ્થિત'ને લીધે છે બધું આ. હસીને તમે વાતો કરો. અને અજ્ઞાની તો ત્યાં રડાકૂટ કરી મૂકે.
મહાવીરેય પાડેલી વેદનામાં ચીસ !
દાદાશ્રી : તે તો નીકળેને, આંખમાંથી પાણી નીકળે, ચીસ પાડે તેમાં સારું ઊલટું. ચીસ ના પડે, પાણી ના નીકળે તો લોક કહે કે આ આત્મધર્મમાં નથી, દેહધર્મમાં છે, કારણ કે એ અહંકાર ધર્મ કહેવાય. પાણી ના નીકળવા દે. ચીસેય ના પડવા દે. ભગવાન મહાવીરનેય પેલું કાનમાંથી બરુ કાઢ્યા હતા, તે ચીસ કરીને રડ્યા ! તે આંખમાંથી પાણી નીકળી જાયને, ત્યારે લોક શું કહે કે ન હોય આ ભગવાન ! પણ ખરા ભગવાન જ આ કહેવાય. રડે નહિ અને બૂમ ના પાડે તો જાણવું કે આ ભગવાન ન હોય, એ અહંકારે કરીને રડે નહીં.
આ દેહને જે વર્તતું હોય તેય વાંધો નહીં આપણને, હસતો હોય તોય વાંધો નહીં. આપણને રાગ-દ્વેષ ના થવા જોઈએ. બીજું બધુંય આપણને નડે નહીં કશુંય.
પ્રશ્નકર્તા : આપ જે કહો છો કે દુઃખનો અનુભવ આપને કંઈ થયો નથી છેલ્લા છવ્વીસ વર્ષથી, તો એ અશાતા વેદનીય કર્મનો ઉદય નથીને, શાતા વેદનીય કર્મનો ઉદય ચાલે છે અને આગળ જતાં અશાતા વેદનીયનો ઉદય કદાચ થાય પણ ખરો, એમ બની શકે ખરું ?
દાદાશ્રી : અશાતા વેદનીયનેય હું જાણું છું. બાકી, અશાતા વેદનીય ઊભી નથી થઈ. આ પગે ફ્રેક્ટર થયું તોય ડૉક્ટરો બધા ભેગા થયા અને જોવા માંડ્યા, મને કહે છે કે આ તમને મોઢા પર આનંદ છે, કેમ તમને દુઃખ નથી થતું ? તમે બહુ સહન કરો છે ! મેં કહ્યું, સહનશીલતા મારામાં અંશ ના હોય. સહનશીલતા એ ઇગોઇઝમનો ગુણ છે. અમારામાં અંશ ઇગોઇઝમ ના હોય. અમારે આ નિર્જીવ ઇગોઇઝમ કામ કરી રહ્યો છે, સજીવ ઇગોઇઝમ નહીં. નિર્જીવ ઇગોઇઝમથી આ ખાવાનું-પીવાનું, દરેક કાર્ય થયા કરે.
વેદે તે નહિ “હું ! જેને કંઈ પણ વેદના થાય તે આપણે ન હોય અને આપણે છીએ, તેને વેદના ના થાય. કંઈ પણ વેદના થાય તે આપણો ભાગ ન હોય અને આપણા ભાગમાં વેદના નામનો ગુણ જ નથી.
પ્રશ્નકર્તા : દાદાને આપણે યાદ કરીએ ત્યારે દાદા આપણી સામે જ છે એવું રહે, ‘હું ચંદુભાઈ નથી’ એમ પણ રાખું, પણ પેટમાં પાક્યું હતું ત્યારે પેલું પસ કાઢેને, તે ઘડીએ ચીસ પડાઈ જાય, આંખમાંથી પાણી નીકળી જાય.