________________
(૨) પ્રયાણ, અહંકારમુક્તિ તરફ
૪૫ પ્રશ્નકર્તા : વિરાટનું દર્શન થાય એટલે અહંકાર જાય ?
દાદાશ્રી : અહંકાર જાય તો જ વિરાટ સ્વરૂપના દર્શન થયાં કહેવાયને !
પ્રશ્નકર્તા : વિરાટનું દર્શન થવું એટલે જ્ઞાન થવું ?
દાદાશ્રી : વિરાટનું દર્શન એટલે જ્ઞાની પુરુષને ઓળખવા. ખરી રીતે વિરાટ કોને કહેવાય કે જે આપણા અહંકારને પણ ખાઈ જાય. આપણા અહંકારનેય ભક્ષણ કરી જાય, એનું નામ વિરાટ ! અને તેનું ફળ શું આવે ? આપણને વિરાટ બનાવે. વિરાટ સ્વરૂપ વગર કોઈ નમે જ નહીંને ! એવું કૃષ્ણ ભગવાને અર્જુનને વિરાટ સ્વરૂપ બતાડ્યું ત્યારે નમેલોને, નહીં તો નમે નહીં.
લાખો અવતારેય આ અહંકાર જાય એવી વસ્તુ નથી. ત્યારે એક જણ મને કહે છે, ‘તમે અહંકાર તો મારો લઈ લીધો ! ત્યારે એ જ વિરાટ પુરુષ ! ત્યાં પુસ્તકોનો વિરાટ પુરુષ ખોળવા જાવ છો ? જે આપણો અહંકાર લઈ લે, એ વિરાટ પુરુષ, બીજો વિરાટ પુરુષ દુનિયામાં કેવો હોય ? સાદી ને સીધી વાત ! લોક મને કહે છે, ‘તમારે વિરાટ પુરુષ થવાનો શોખ છે ?” મેં કહ્યું કે આ વિશેષણ પાછું ક્યાં વળગાડ હું મહીં ? એ.બી.સી.ડી., એમ.બી.બી.એસ... ફલાણું ને આમતેમ. આ હું તો કંઈ વિશેષણવાળો છું ? (જ્ઞાની પુરુષ તો નિર્વિશેષ કહેવાય.)
વિરાટ સ્વરૂપ કોનું નામ કહેવાય કે જેનામાં સહેજ પણ બુદ્ધિ ના હોય, છાંટોય બુદ્ધિ ના હોય. આમ ગોદા મારી મારીને અહંકાર જ કાઢી નાખે, ટાયરમાંથી હવા જ કાઢી નાખે. એટલે જેનો અહંકાર સંપૂર્ણ ગયેલો હોય તે જ લઈ શકે. જેનો પોતાનો અહંકાર ખલાસ થયો એ આત્મજ્ઞાની, બીજાનો અહંકાર લઈ જે લે એ વિરાટ પુરુષ !
(3) અહંકાર મુક્તિ પછીની શ્રેણીઓ
એક જ છે ઉપાય ! પ્રશ્નકર્તા: આ જ્ઞાન પછી નિરંતર અહંકાર રહિત કેવી રીતે થઈ શકાય ?
દાદાશ્રી : એ દશા જ થયેલી છે તમારી.
પ્રશ્નકર્તા : ફાઈલ નંબર એકનું સતત નિરીક્ષણ કરવાથી અહંકાર રહિત થઈ શકાય ?
દાદાશ્રી : ‘હું ચંદુભાઈ છું' એ ડ્રામેટિક (નાટકીય) એટલે નામને જાણવા ખાતર અને ‘હું ખરેખર ચંદુભાઈ નથી ને હું શુદ્ધાત્મા છું’ એ જ અહંકાર રહિત. પહેલાં તો ‘હું ખરેખર ચંદુભાઈ જ બોલતા'તા, એનું નામ જ અહંકાર અને ‘હું શુદ્ધાત્મા છું' એવું ભાન થાય, તે પછી અહંકાર નહીં.
પ્રશ્નકર્તા : રોંગ બિલીફ આપણે કહીએ છીએ, એ અને અહમ્ભાવ એ એક જ ?
દાદાશ્રી : રોંગ બિલીફ (અવળી માન્યતા) એ જ અહંકાર છે અને રાઈટ બિલીફ (સવળી માન્યતા) એ શુદ્ધાત્મા છે. મૂળ જગ્યાએ ‘' હતું ને તે આરોપિત જગ્યાએ બેસે એનું નામ અહંકાર. કલ્પિત જગ્યાએ, જ્યાં નથી ત્યાં આગળ હું બોલવામાં આવે એ જ ઇગોઇઝમ અને મૂળ સ્વરૂપ બેસે, ‘હું શુદ્ધાત્મા છું', એને ઇગોઇઝમ ના કહેવાય.