________________
અહંકાર કઈ શક્તિથી કામ કરે છે ? ભ્રાંતિની શક્તિથી. ભ્રાંતિને ગવર્ન (ચાલન) કોણ કરે છે ? એનાં કર્મ.
અણસમજણને લઈને ઊભો થયો અહંકાર.
આત્મા કેવળજ્ઞાન સ્વરૂપ જ છે ! વિજ્ઞાનથી અહંકાર ખડો થયો, જેમ સૂર્યની હાજરીથી લોકો કાર્યાન્વિત બને છે ને ? એમ આત્માની હાજરીથી પુદ્ગલ કાર્યાન્વિત બને.
દરિયાની હવા ને લોખંડના સંયોગથી, વિશેષ પરિણામમાં જેમ કાટ ઉત્પન્ન થાય છે, તેમ ચેતન અને જડના સંયોગથી વિશેષ પરિણામ ઊભું થાય છે. એ વિશેષ પરિણામ અન્ય કોઈ નહીં પણ એ છે અહંકાર. અહંકાર એ નથી આત્માનો ગુણ કે નથી જડનો ગુણ. બન્નેના સંયોગથી થયેલો, એ તો છે વ્યતિરેક ગુણ.
જેમ દારૂ પીધેલા શેઠને દારૂનો અમલ વર્તે ને પોતે બોલે ‘હું મહારાણા પ્રતાપ છું', તેમ મોહનીયનો દારૂ બોલાવે, ‘હું શુદ્ધાત્મા છું’ ને બદલે ‘હું ચંદુલાલ છું’.
ભૂવો કાશીને મારે ને વાગે ચંચળને (ભૂતને), પણ સોળાં રહી જાય કાશીને. તેમ અહંકારને સોળાં રહી જાય, જ્ઞાન થયા પછી.
કરાવે છે ઉદયકર્મ ને માને કે મેં કર્યું”, એનું નામ અહંકાર. ખરેખર કોઈ જ કશું કરતું નથી, ‘ઈટ હેપન્સ’ (બની રહ્યું છે) !
રોંગ બિલીફથી અહંકાર ઉત્પન્ન થાય છે ને અહંકારમાંથી રોંગ બિલીફ ઉત્પન્ન થાય છે. આમાં નથી કોઈ પહેલું કે છેલ્લું. અહંકાર રોંગ બિલીફમાં રહીને રોંગ બિલીફ કરે છે.
મૂળ અહં ઉદ્ભવસ્થાને પરમાણુ નથી. વ્યવહારમાં આવેલો, કર્તાભોક્તાપદમાં આવેલો અહંકાર, સ્થૂળ અહંકાર એ છે પરમાણુ રૂપે.
ક્રોધ-માન-માયા-લોભ એ વ્યતિરેક ગુણ છે. ક્રોધ-માન એ અહંકાર‘હું’, માયા-લોભ એ મમતા-‘મારું’.
આમાં માત્ર રોંગ બિલીફ જ મૂળમાં છે. જેમ માંકડું ચણાની લ્હાયે હાથ માટલામાં નાખી આખું બંધાઈ જાય છે. ચકલી અરીસામાં પોતે જ છું' ની ભ્રાંતિમાં ભાન ભૂલે છે. પોપટ બીડાતાં પોયણાને પડવાની ભ્રાંતિમાં ઊડવાનું ભૂલી જાય છે ને પોયણાને પકડી ફસાય છે, તેમ આ જીવ
43
માત્રની ફસામણ થઈ છે. જ્ઞાની આ ભ્રાંતિની આંટી છોડાવે, પછી મુક્ત પંખીડા ઊડી ઊડી જાય.
મનુષ્યગતિમાં જ ચાર્જ અહંકાર હોય, બીજી બધી જ ગતિઓમાં ડિસ્ચાર્જ અહંકાર હોય. સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ પછી અહંકાર ડિસ્ચાર્જ સ્વરૂપે રહે છે.
સમકિત પછી સાદિસાંતના ભાંગામાં પ્રવેશે છે.
પોતે પરમાત્મા ને પુરાયો પુદ્ગલમાં. કરે છે વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવાઓ ને પોતે માને છે કે ‘મેં કર્યું’! પોતે એક પુરાવા રૂપે જ છે. વન ઑફ ધી એવિડન્સ રૂપે જ છે, છતાં એ પોતે હૉલ એન્ડ સૉલ કર્તા માને છે, જેમ પરપોટા માને કે હું જ ધોધ છું !
અહંકારથી જ જગત ખડું થયું, અહંકારથી જ કર્મ બંધાય છે. સમકિત પછીના ડિસ્ચાર્જ અહંકારથી કર્મ છૂટે છે ને સંસાર વિરમે છે.
જાગૃતિને એક જ બાજુ ફોક્સ કરવી, એનું નામ ઉપયોગ. વિનાશી વસ્તુમાં ફોકસ કરી તે પર ઉપયોગ કહેવાય. આત્મા ભણી ફોકસ કરી
એ સ્વ ઉપયોગ કહેવાય.
હવે આમાં ઉપયોગ કોનો ? અહંકારીનો ઉપયોગ હોય બધો. ત્યાંય અહંકાર જ છે.
ધ્યાતા, ધ્યાન ને ધ્યેયમાં ધ્યાતા કોણ ? ‘પોતે’. ‘પોતે’ પહેલાં મિથ્યા દૃષ્ટિવાળો હતો. હવે સમ્યક દૃષ્ટિવાળો થયો. આમાં દૃષ્ટિ અહંકારની છે, મિથ્યા દૃષ્ટિ કે સમ્યક દૃષ્ટિ. સમ્યક દૃષ્ટિવાળો અહંકાર ધ્યાતા થયો. પછી ધ્યેય આત્મા જ બંધાય. પછી નિરંતર ધ્યાનેય આત્માનું જ રહે. એને જ કહ્યું શુકલધ્યાન. આત્મજ્ઞાન કોને થાય છે ? અહંકારને. એ અહંકારને સમ્યક્ દૃષ્ટિ થાય છે ને અંતે શુદ્ધ અહંકાર શુદ્ધાત્મા જોડે ઓગળી જાય છે, જેમ સાકરની પૂતળી પાણીમાં ઓગળે.
મૂળ આત્મા નિરંતર સ્વભાવમાં રહે છે. વિભાવમાં આવે છે એ છે વ્યવહાર આત્મા. અને વ્યવહાર આત્મા એ જ અહંકાર.
આત્મરમણતા કોણ કરે છે ? દેહ કંઈ આત્મરમણતા કરે ? સહુ સહુની રમણતામાં છે. માત્ર અહંકાર જ ‘અહીં’થી ‘તહીં’ ને ‘તહીં’થી ‘અહીં’ રમણતા કરે છે. પહેલાં હતી રમણતા સંસારમાં, જ્ઞાન પછી થાય છે આત્મામાં.
44