________________
(૧) અહંકારનું સ્વરૂપ
૩૮૧
૩૮૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
કસાઈને પૂછોને તો એ કહે, “સાહેબ, મારો વેપાર જ છે આ. મારા બાપ-દાદાથી ચાલી આવેલો વેપાર છે.”
પ્રશ્નકર્તા: અહંકાર કરતો હોય તો જ પુણ્ય શબ્દ વપરાય અને અહંકાર કરતો હોય તો જ પાપ શબ્દ વપરાય ?
દાદાશ્રી : એ બરોબર છે. અહંકાર કરતો હોય તો જ પાપપુણ્ય શબ્દ વપરાય. પણ અહંકાર છે તે અહંકાર કરતો હોય તો આમાં થોડોક ચેન્જ મારે, બીજું કંઈ લાંબું આમાં ચેન્જ મારે નહીં. એ તો બની ગયેલી વસ્તુ છે, એ ઇટ હેપન્સ છે અને નવું પાછું થઈ રહ્યું છે. નવી ફિલ્મ થઈ રહી છે અને આ તો જૂની ફિલ્મ ઊકલે છે.
પ્રશ્નકર્તા : બધું થઈ રહ્યું છે તો નવું કરવાનું ક્યાં રહ્યું ?
દાદાશ્રી : નવું કરવાનું તો, જગત એ નવું જ કર્યા કરે છેને ? જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી નવું ચીતર્યા વગર રહે જ નહીંને ! આપણે ગમે તેટલું સમજણ પાડીએ પણ નવું ચીતર્યા વગર રહે જ નહીંને ! અહંકાર શું ન કરે ? અહંકારથી જ આ બધું ઊભું થયું છે. જો અહંકાર વિલય થાય એટલે મુક્તિ છે.
આ રાજા શું કહે છે કે, મેં લાખો માણસોને મારી નાખ્યા. રાજા તો ખાલી અહંકાર જ કરે છે, ગર્વરસ લે છે. એ તો જે લડાઈ ઉપર હતા, તેમણે માર્યા. રાજા વગર કામની જોખમદારી લે છે ! માર્યા હોય, પેલા લડવૈયાએ પણ રાજા કહે કે મેં માર્યા. ગાંડું જ બોલે છે. એ લોકોને ફળ કેવું મળે છે ? આનાથી મારનાર છે એ છૂટી જાય. નિયમ શું છે કે જે અહંકાર વહોરી લે, તેના માથે જોખમદારી થાય. મેં માર્યું ત્યારે કહે કે લે. હવે આખું ગુપ્ત તત્વ લોકો સમજે નહીં?
પ્રશ્નકર્તા : ને જોખમદારી તો વિચારે જ નહીં.
દાદાશ્રી : ભાન જ ન હોયને ? આ તો એમ જ જાણે કે ઓહોહો ! આ દુનિયામાં મારી આબરૂ વધી ગઈ. હા, એક બાજુ આબરૂ વધી ગઈ, પણ એનું ફળ આવશે, તે તારે એકલાને જ
ભોગવવાનું. અહંકાર જે કરે તેને એનું ફળ મળે. થતું હોય એની મેળે, કર્મના ઉદયે રાજા બનાવ્યા એમને. પણ એ અહંકાર કરે, “કર્યું !' કે માર પડ્યો.
બંધાય કર્મ, ક્રિયા થકી ! પ્રશ્નકર્તા : કર્મ બાંધ્યા વગર લગભગ તો ના ચાલે. દાદાશ્રી : શાથી કર્મ બાંધવા પડે ?
પ્રશ્નકર્તા : ક્રિયા વગર તો રહીએ જ નહીંને ? કંઈ ને કંઈ તો કરીએ જ છીએને ?
દાદાશ્રી : ક્રિયા એ કર્મ નથી. ક્રિયા એ અમુક અપેક્ષાએ કર્મ છે અને અમુક અપેક્ષાએ ક્રિયા એ કર્મ નથી. જો ક્રિયા એ કર્મ હોયને તો ભગવાન મહાવીર જ્યાં જ્યાં વિચર્યા એ બધુંય એમને કર્મ બંધાય. ભગવાન અનાર્ય દેશમાં વિચર્યા'તા, તો તે એ બધાં એમનેય કર્મ બંધાય પણ એવું નથી. એમને કર્મ બંધાયા નહીં. મહાવીરના જન્મ પછી એકય કર્મ બંધાયેલું નહીં. છતાં એ પૈણેલા હતા, છોડી થઈ હતી, બધુંય હતું. ત્યારે એવું તે શું કર્યું કે એમને કર્મ બંધાતાં નહોતાં ને આ લોકો એવું શું કરે છે કે એમને કર્મ બંધાય ?
પ્રશ્નકર્તા : હા, ખરેખર પ્રશ્ન છે એ ?
દાદાશ્રી : આ ભાઈ વકીલાત કરે છે, તોય કર્મ બંધાતા નથી, એની અમે ગેરેન્ટી આપીએ છીએ. અને લોકો ઊંઘે છે ઘસઘસાટ તોય કર્મ બંધાય છે અને આ ક્રિયા કરે છે છતાંય કર્મ બંધાતા નથી. એવું તે શું છે ? એવો ક્યો પ્રયોગ છે ? એ પ્રયોગ જગતને લક્ષમાં નહીં હોવાથી આજે જગત આખું માર ખાય છે. જયાં સુધી અહંકાર છે ત્યાં સુધી કર્મ બંધાશે. અહંકાર નહીં હોય તો કર્મ બંધાશે નહીં. પછી શરીરની ક્રિયાઓ બધી ચાલતી હોય તેથી કંઈ કર્મ બંધાય નહીં. તો અહંકાર કાઢીને આવજો કાલે. કેમ બોલ્યા નહીં ? ના નીકળે, નહીં ? નીકળે નહીં જાતે ?