________________
(૧) અહંકારનું સ્વરૂપ
“અલ્યા, નાકને લીધે જીવતો'તો ? તે શાના લીધે જીવતો'તો ?' એ કહે ને ? તારામાં કઈ શક્તિ છે ? કેટલું જીવું છું ? આ નાક દબાવીએ તો ચૂપ, ખલાસ ! તરફડીને ખલાસ થઈ જાય ! અને સત્તા હોત તો આ લોકો સાતસો-સાતસો, હજાર વર્ષ જીવન કાઢે એવા છે. લાઈફ ફરી ચાર્જ કરાવી લે, સત્તા હોય તો. માણસનું ગજું નહીં ને ! પોતાની સ્વસત્તા છે પણ તેનું ભાન નથી એને !
૩૬૭
આ તો કર્મના ઉદયને આધીન જીવડાં છે. પ્રાણીઓ કહેવાય છે આને. જે પ્રાણના આધારે જીવે છે, પોતાના આધારે જીવતાં નથી. પોતાના સ્વરૂપનું ભાન થાય ત્યારે પોતે પોતાના આધારે જીવે છે. આ દેહના પ્રાણ જુદા છે અને આત્માના પ્રાણ જુદા છે. પોતાના આત્મસ્વરૂપનું ભાન થાય ત્યારે પોતાના પ્રાણથી જીવે.
ભમરડો ફરે, હિસાબો પ્રમાણે !
પોતાના સ્વરૂપનું ભાન નથી અને કહે છે, ‘હું છું’, તે તું શેમાં છું ? માટે વાત સમજને કે કેટલી સત્તા આપણી છે અને કેટલી સત્તા પરાઈ છે ?
આ લોકો મને પૂછે છે કે ‘અમે શું છીએ ?” મેં કહ્યું, ‘ભમરડા છો ! ટી-ઓ-પી-એસ, ટોપ્સ !' જ્યારે પોતાની સત્તા ઉત્પન્ન થાય ત્યારે એ સત્તાધીશ થયો કહેવાય. આ તો પરસત્તામાં તો ભમરડા ! આ હુંય અહીં આવ્યો તે ભમરડા છાપમાં અને ઘેર જઈશ તોય ભમરડા છાપમાં, પોતાની સત્તા નહીં. આ સત્તા અમારા હાથમાં નથી. ‘અમે’ અમારી સત્તામાં રહીએ, એક ક્ષણવાર આ સત્તામાં રહીએ નહીં.
એક મહારાજ કહેતા’તા, ‘હું કરીશ તો થશે ને !” મેં કહ્યું, ‘ત્યારે કરતા કેમ નથી ?” ત્યારે એ કહે, ‘મારી ભાવના છે, હું કરીશ.' કરી નાખોને, બા ! અનંત અવતારથી આટલી ચોવીસીઓ વટાવી ખાધી, તોય અહીંના અહીં ભટક ભટક કર્યા કરો છો, તો કરનાર હો તો કરી નાખો ને ? અલ્યા, ઝાડે ફરવાની (સંડાસ જવાની) સત્તા નથી, તો શું કરવાનો તે ? વગર કામનો શું કામ ઈગોઈઝમ કરે છે તે ?”
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
આ જેટલું બોલે છે, એને અહંકાર કહેવાય છે. ‘મેં કંઈ કર્યું ને હું કરીશ' એવું બોલે છે, એ ડબલ અહંકાર કહેવાય. કોઈ જીવ કર્તા જ નથી. ‘આ હું છું, આ મેં ત્યાગ્યું, હું આચાર્ય છું, હું આમ છું, હું તેમ છું' એ બધું ભ્રાંતિ છે.
કરો છો કે ‘ઈટ હેપન્સ' ?
આ જગત ચાલી રહ્યું છે કે ચલાવીએ છીએ ?
પ્રશ્નકર્તા : આપણે ક્યાં ચલાવી શકવાના છીએ ?
દાદાશ્રી : તો તો આ બધાય એમ કહે છે ને મેં આ કર્યું ને મેં તે કર્યું.’
પ્રશ્નકર્તા : વિરોધાભાસ થયો ને એ તો ?
૩૬૮
દાદાશ્રી : એવું છે ને, હકીકતમાં તો બધાય મનમાં સમજે છે
કે આપણાથી કશું થાય એવું નથી અને ખરેખર હકીકતમાં તમે કશું કરતા નથી આના, ચાલી જ રહ્યું છે.
પ્રશ્નકર્તા : મનુષ્યોનો અહંકાર જ આ બધું કરાવે છે ? દાદાશ્રી : આ બધો અહંકાર જ છે. આ દેખાય છે, ખુલ્લો અહંકાર દેખાય છે. ‘હું કંઈક છું ને મેં આ કર્યું' અને પાંચ લાખ
કમાયો તે ઘડીએ આમ આમ છાતી કાઢીને ફરે અને પછી ખોટ જાય ત્યારે કહીએ, ‘કેમ શેઠ આમ થયું ?” ત્યારે કહેશે, ‘મારા ગ્રહો રૂચા છે, ભગવાન રૂઠ્યો છે.’ ના બોલે એવું ?
પ્રશ્નકર્તા : બોલે.
દાદાશ્રી : શું થાય ? શી રીતે શાંતિ થાય પછી ? પ્રશ્નકર્તા : તો કર્તા કોને માનવા ?
દાદાશ્રી : મિકેનિકલને, મશીનરીને. મશીનરી કરે છે, તે આત્મા જાણે છે ફક્ત. બસ આ જ છે. મિકેનિકલમાં રહેવું હોય તો ‘કરો’ અને ‘જાણવું’ હોય તો આત્મામાં આવો.