________________
ખંડ - ૫ અહંકાર
(૧)
અહંકારનું સ્વરૂપ
આરોપિત ભાવ એ અહંકાર ! પ્રશ્નકર્તા : અહંકારની સાચી વ્યાખ્યા શું છે ?
દાદાશ્રી : અહંકારની સાચી વ્યાખ્યા જગત સમક્યું નથી. લોકો સમજ્યા છે એ પ્રમાણ નથી. પોતાની ભાષામાં જ સમજે છે કે આ આને અહંકાર કહેવાય. આ પ્રમાણ નથી. દરેકની પોતપોતાની ભાષા જુદી હોય ને ? જ્યાં ને ત્યાં પોતે કહેશે કે હું સમજું છું, પણ એ ભગવાનની ભાષામાં નહીં ચાલે. જ્યાં આગળ ટેસ્ટ લેવાનો છે, ત્યાં એ કામ લાગે નહીં.
પ્રશ્નકર્તા ઃ ઈગોઈઝમ (અહંકાર) છે, એમ શેના પર મનાય ? મારામાં અહમ્ હોય તો હું માનું કે મારે તમારી પાસે સમજવાની જરૂર નથી. ઈગોઈઝમ હોય તો જ એવું થાય ને ?
દાદાશ્રી : ઈગોઈઝમ કોને કહે છે, એ તમે સમજ્યા નથી તેથી આવું કહો છો. હું તમને સમજાવું. ઈગોઈઝમ એટલે શું ? આ તો લોકભાષાનો ઈગોઈઝમ તમે સમજયા. હું અહંકારને ઈગોઈઝમ કહું છું. તે અહંકાર તો દરેક જીવમાં હોય જ. ઈગોઈઝમ તમારામાં ખરો
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) ને ? તમે એને ઓળખો ને ?
પ્રશ્નકર્તા: ઈગોઈઝમ છે કે નહીં એ જ માણસ જાણી શકતો નથી. જાણે તો પછી ઉપાય કરી નાખે.
દાદાશ્રી : ઈગોઈઝમને લીધે જ અંધારું પડે છે. ઊલટો કંઈક પ્રકાશ હોય ને, તે ઈગોઈઝમને લીધે ખલાસ થઈ જાય છે. ઈગોઈઝમ છે એવું જાણે ત્યાર પછી તો એનો કંઈક ઉકેલ આવવા માંડે. પક્ષ સોલ્વ થતું જાય. તમને ઈગોઈઝમ નહિ હોય એમ મને લાગે છે.
પ્રશ્નકર્તા : છે.
દાદાશ્રી : તમારે હઉ ઈગોઈઝમ છે ? એ તો ક્યારે ખબર પડે ? વાઈફ જોડે લઢવાડ થાય તે ઘડીએ. એટલે અહંકાર શેને કહેવાય, એને જાણવો જોઈએ. અહંકાર એટલે શું ? એની ડેફિનેશન (વ્યાખ્યા) જાણવી જોઈએ. અહંકાર એટલે પોતે જે હોય તે પોતાને ખબર નહીં હોવાથી બીજા લોકોએ કહ્યું કે તમે આમ છો, તે આપણે માની લેવું. એ આરોપિત ભાવ એને અહંકાર કહેવાય. ચંદુભાઈ તમે નથી છતાં તમે આરોપ કરો છો કે ‘હું ચંદુભાઈ છું'. જેમ મોરારજીભાઈ જેવો કોઈ માણસ હોય અને અત્યારે એના જેવાં કપડાં પહેરીને એ કહે કે, “હું મોરારજીભાઈ છું', તો એનો ગુનો લાગુ પડે કે ના લાગુ પડે ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : ચંદુભાઈ તમે કહો છો તે એવા ગુનામાં સપડાયા છો, એની જવાબદારી શું આવે ? રાત્રે તમે ચંદુભાઈના નામથી સૂઈ જાવ છો તે વખત, અને ઊઠો છો તે વખતે, આખો દહાડો ને આખી રાત તમારી ઉપર આરોપનામું ઘડાયા કરે છે ! પછી કહેશે, મેં ગુનો કર્યો ?
આતેય કહેવાય અહંકાર ! ‘હું ચંદુભાઈ છું' એ અહંકાર. પછી આ એક જ અહંકાર નથી. અહંકાર કેટલા બધા છે તે દેખાડું. પછી કહેશે, આ બેનનો ફાધર થવું એ બીજો અહંકાર. પછી આ બઈનો ધણી થાઉં એ ત્રીજો અહંકાર,