________________
(૩) ચિત્તશુદ્ધિની સામગ્રીઓ
૨૮૫ એવું સાંભળેલું નહીં ?
કેટલાકનું ચિત્તભ્રમ થઈ ગયું હોય પાછું ! આ કેટલાક રોડ ઉપર આમ આમ ચાલતા હોય છે ને, એ એનું નામ-બામ બધું ભૂલી ગયા હોય. આ કાળની વિચિત્રતા હોય. કર્મોના પુષ્કળ બોજા, પાર વગરના બોજા ! ખીચોખીચ કર્મો ભરેલાં છે અને નર્યો મોહ વધારે છે. બહુ મોહ એટલે બળતરા ય વધારે, પુષ્કળ બળતરા ને !
પ્રશ્નકર્તા : એક બાજુ જેટલો મોહ, એટલી જ બળતરા ને ?
દાદાશ્રી : એટલી જ બળતરા, તોય આમાં જે ઊંચો ભાવ હતો ને, તે જ લોકો આ જ્ઞાન પામ્યા છે. બાકી બીજા નથી પામ્યા. બીજા પામે નહીં. આપણે ત્યાં બધો ઊંચો ઊંચો માલ ખેંચાઈને આવે છે. આ જેવો તેવો માલ નથી આવતો.
પરિણામો, ચિત્તતી ગેરહાજરીમાં
ચિત્તને ચરવાતાં ગોચરો. અહીં બેઠો હોય તે ખોવાઈ જાય તો જાણવું કે ચિત્ત ભટકવા ગયું છે. એવું ચિત્ત ભટકતું હોય તો પછી માણસ જ કેમ કહેવાય ? આ તો અહીં બેઠો હોય ને ચિત્ત ઘેર જાય અને વાઈફ જોડે વાતો કરે, ‘આજ શું શાક કરો છો ?” “અલ્યા અહીં બેસન, પાંસરો મરને મૂઆ !” કોઈ અવતાર પાંસરો મર્યો નથી આ. ભટક ભટક ભટક કર્યા કરે છે, અનંત અવતારથી.
આપણે અહીં બેન્ડવાજાં વાગે તોય જાનૈયા તન્મયાકાર નથી થતા. પછી એ અવાજ સહજ થઈ જાય. એ સંગીત તો ગમે એવી વસ્ત છે, કાનને પ્રિય લાગે એવી વસ્તુ છે. છતાં લોક તો તે ઘડીએ વેપારમાં હોય ને ક્યાંના ક્યાં પડ્યા હોય ? વેપારમાં હોય કે ના હોય ?
હજુ તમારું ચિત્ત અહીં બેઠા હો તોય જતું રહે. વેપારીઓનું ચિત્ત કેવું હોય કે લપટું પડી ગયેલું હોય !
અહીં માળા ફેરવતો હોય અને મૂઓ વિકારોમાં ખોવાયેલો હોય ! માળા તો એનું નામ કહેવાય કે માળા હાથમાં ઝાલી કે ચિત્ત આઘુંપાછું ના થાય. તો માળા હાથમાં ઝાલવી, નહીં તો માળા ઝાલવી એ જોખમ છે. તો તમે શું ફેરવો છો, માળા ના ફેરવી ત્યારે ?
પ્રશ્નકર્તા : એમ ને એમ દર્શન કરું છું.