________________
૨૭)
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૩) ચિત્તશુદ્ધિની સામગ્રીઓ
૨૬૯ પ્રશ્નકર્તા : એ જ પૂછું છું, કઈ રીતે થઈ શકે ?
દાદાશ્રી : જેની શુદ્ધિ થઈ ગયેલી હોય છે, તે આપણને શુદ્ધિ કરી આપે. જે લોકોની અશુદ્ધિ હોય, એ આપણને ચિત્તશુદ્ધિ કરી આપે ? ચિત્તશુદ્ધિ તો અહંકાર બહુ જૂજ રહે ને ત્યારે કંઈક ચિત્તશુદ્ધિ થયેલી હોય. ક્રોધ-માન-માયા-લોભ થોડાં થોડાં રહ્યાં હોય ત્યારે ત્યાં ચિત્તશુદ્ધિ થયેલી હોય. આ જગતમાં ચિત્તની શુદ્ધિ કરવા જેવી છે.
પ્રશ્નકર્તા : એનો રસ્તો કોણ બતાવે ?
દાદાશ્રી : જ્ઞાની પુરુષ સિવાય આ વર્લ્ડમાં કોઈ કરી શકે નહીં આ. એ મોટામાં મોટા નિમિત્ત હોય એના. તોય પણ એ નિમિત્ત છે. બીજા આ લોકો કંઈ કારીગરો બધા કરી શકે નહીં. એટલે જેને કર્તાભાવ છે, તેને શું કહેવાય આપણે ? કારીગરો કહેવા પડે. અને ર્તાભાવ નથી એને કારીગર કેમ કહેવાય ?
જગત આખું શું જાણે કે મનને વશ કરવું એ ધર્મ છે. એટલે મન વશ કરવાની પાછળ પડ્યા છે લોકો. જ્યારે જ્ઞાની પુરુષને પૂછે કે ભઈ, ખરેખર શું છે ? મન વશ થાય ? ત્યારે કહે કે, મન વશ તો મોટા યોગીઓ કરે. હા, એ તો એવું જ ને ! એકાગ્રતા કરે. નહીં તો ત્રાટક કરીનેય કરે મૂઓ ! પણ ચિત્તની શુદ્ધિ થઈ શકે નહીં. ચિત્તની શુદ્ધિ એકલી જ મોક્ષે લઈ જાય છે આ દુનિયામાં. સંસારમાં કરવા જેવો પુરુષાર્થ હોય તો આ ચિત્તની શુદ્ધિ કરવી. તેથી અમે કહીએ ને કે અમારી પાસે બેસી રહેજે ને, એટલે ચિત્તશુદ્ધિ થયા કરશે એમ ને એમ. હું આમ બેસી રહ્યો હોઉં ને એ આમ હાથ અડાડીને બેસી રહ્યો હોય અમને, તોય ચિત્તશુદ્ધિ થયા કરે. એનો છેલ્લો ઉપાય જ્ઞાની પાસે હોય, બધોય.
પ્રશ્નકર્તા : ચિત્ત-બુદ્ધિ-મન અને અહંકાર, આમાં જો ચિત્તશુદ્ધિ થાય તો આ બધા અંદર ચિત્તમાં ઓગળી જાય કે નહીં ?
દાદાશ્રી : આ ચિત્તશુદ્ધિ થતી જ નથી ને ? ચિત્ત અશુદ્ધ થયું
ને, તેને લીધે આ બધાં ઊભાં થયાં છે અને ચિત્તશુદ્ધિ થાય એટલે પેલાં વિલય થઈ જાય. બીજું કોઈ કારણ નથી.
કોઈ કહે, ‘ચિત્તશુદ્ધિ માટેનો શો ઉપાય ?” ત્યારે કહે, ‘જ્ઞાની પુરુષ પાસે કૃપા પ્રાપ્ત થવી જોઈએ.’ એટલે તમારે જ્ઞાનીને કહેવું જોઈએ કે મારી ઉપર કૃપા વરસાવો. કોની કૃપા ? ત્યારે કહે, ‘ભગવાનની કૃપા વરસાવજો !” ત્યારે ચિત્તશુદ્ધિ થઈ જાય. પછી મોક્ષનો માર્ગ નજીક થઈ ગયો, આત્યંતિક કલ્યાણ થઈ ગયું.
એટલે અમે સ્વરૂપનું સુખ દેખાડી દઈએ અને ચિત્તની શુદ્ધિ કરી આપીએ. બધી રીતે આત્મા-અનાત્મા જુદા પાડી આપીએ અને પછી દિવ્યચક્ષુ આપીએ. આ ચામડાની આંખથી સાચી વસ્તુ દેખાય નહીં. આ કોણ આવ્યું ? ત્યારે કહે, “મારા સાળા આવ્યા.’ આ કોણ આવ્યું ? ત્યારે કહે, “મારા સસરા આવ્યા.” આ કોણ આવ્યું ? ત્યારે કહે, “મારા મામા આવ્યા.’ એવાં કેટલાં છે તમારે ? કેટલાં લફરાં છે આવાં ? લફરાંમાંથી જ નવરો ન થાય ને !
પ્રશ્નકર્તા : આ લફરાંમાંથી છૂટવા માટે સ્વરૂપનું જ્ઞાન જોઈએ ને?
દાદાશ્રી : હા, તે અમે આપીશું. અમે જ્યારે તમને ભેગા થઈશું, ત્યારે બધી રીતે સર્વસ્વ રીતે છોડાવીશું.
બિતા ચિત્તશુદ્ધિ, નહિ મોક્ષમાર્ગ.. પ્રશ્નકર્તા : આપે આત્માને જ્ઞાન સ્વરૂપ કહ્યો, પ્રકાશ સ્વરૂપ કહ્યો, તો પછી ચેતન સ્વરૂપ કેમ કહ્યો ?
દાદાશ્રી : ચેતનનો અર્થ એ થાય કે જાણવું અને જોવું. બન્ને સાથે થાય ત્યારે એ ચેતન ગણાય છે, ત્યારે ચિત્ત ગણાય છે. અને ચિત્ત એટલે ચેતન, એ જ્ઞાન-દર્શન અશુદ્ધ થયેલું છે. અમે “હું ચંદુભાઈ છું’ એ ભાન કાઢી નાખીએ અને ‘તમે આત્મા છો’ એ ભાન કરાવીએ. એટલે ચિત્તની શુદ્ધિ કરી નાખીએ. ચિત્તની અશુદ્ધિ થઈ તે એવું બધું દેખાય. અને પેલો આત્મા દેખાય ! આપણા જ્ઞાન આપ્યા પછી ચિત્તશુદ્ધિ જ થઈ જાય.