________________
૧૭૮
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૫) ખપે હૃદયમાર્ગ, નહીં કે બુદ્ધિમાર્ગ !
૧૭૭ કરીએ. તમારી વાતને અમે એક્સેપ્ટ કરીએ છીએ. હવે પછી એથી વધારે અમારી પાસે શું કહેવડાવવા માગો છો એ કહો. અને તે તમને ખુશ કરવા માટે અમે દરેક વસ્તુ ‘હા’ પાડીએ છીએ. કારણ કે તમને દુઃખી કરીને મારે ક્યાં જવું ? કોઈને દુઃખી કરવું એ અમારો ધર્મ નથી.
પ્રશ્નકર્તા : આપ મને ગમે તેટલું કહો. સો ગાળો આપો તોય દુ:ખ નથી.
દાદાશ્રી : પણ એવું મારે કહેવાનું કારણ જ શું ? મને એવી નવરાશ છે નહીં.
જાત જાતની દુકાનો ! હવે એમ માનોને કે કોઈ મોટા સંત છે. તે મને લોક અભિપ્રાય પૂછવા આવે કે, આ સંત તો જાત જાતની વસ્તુઓ દેખાડે છે, ચમત્કાર કરે છે. ત્યારે મેં કહ્યું કે, ‘એમને તોડી પાડશો નહીં.’ એ ચમત્કાર કોને માટે છે ? જેને બુદ્ધિ ઓછી છે, એને માટે એ દવાખાનું છે. બુદ્ધિશાળી તો ત્યાં બેસે જ નહીં ને ! ઊઠીને જતો રહે, એટલે જેને બુદ્ધિ ઓછી હોયને, એને આ લોકો સ્થિર કરે છે. એટલે એ ખોટું નથી કરતા. લોકોને મનની અકળામણ થાય છે, તે સ્થિર કરી આપે છે ને પોતે આવું ઘડિયાળ દેખાડે, ફલાણું દેખાડે તે લોકો આશ્ચર્ય પામે. હવે એ ઘડિયાળ ક્યાંથી લાવે છે ? એ તો કોઈ યક્ષની કે દેવની સાધના હોય, તો ઘડિયાળ એક જગ્યાએથી ઓછું થયું હોય ને અહીં આવે. એટલે એ સાધના હોય છે. અને એમાં એમનો ઈરાદો ખરાબ નથી હોતો. અને એ લોકો પૈસા સરપ્લસ વધે તે બધું સારા કામમાં વાપરે છે. હું તો લોકોને કહું છું કે ભઈ, ત્યાં આગળ તમને પોષાય તો જજો અને બુદ્ધિશાળી હોય ને ના પોષાય તો પાછા આવતા રહેજો. બુદ્ધિશાળી ટકે જ નહીં કોઈ જગ્યાએ.
વાંક લાકડાં, વાંકી કરવતીઓ ! પ્રશ્નકર્તા : તો પછી એનો અર્થ એવો થયો કે જ્ઞાનનો માર્ગ એ બુદ્ધિશાળીઓનો જ ઈજારો છે ?
દાદાશ્રી : ના, બુદ્ધિશાળીઓ તો પાછા બુદ્ધિ વધી ગઈ એટલે થયો બુદ્ધ. બુદ્ધિની લિમિટ હોવી જોઈએ. બાકી આઉટ ઓફ લિમિટ થયા એટલે બુદ્ધ થઈ જાય.
સ્ત્રીઓને કશી ભાંજગડ નહીં આવી તેવી. પુરુષો બુદ્ધિથી આ બધા જેમાં ને તેમાં જાણવામાં પેસી ગયેલા હોય, જ્યાં જ્યાં જાળાં દીઠાં તેમાં પેઠેલા હોય. આપણે તપાસ કરીએ કે, ‘ભઈ, આ જાળાંમાંથી સાહેબ નીકળે છે કે નથી નીકળતા ?’ સાહેબેય જાળામાં જ ફરતા હોય ને આપણેય જાળમાં ફરીએ. બાકી આ તો ખાલી બુદ્ધિની વિભ્રમતા છે બધી, બુદ્ધિવાદની વિષમતા. પણ એક જાતની સ્થિરતા ખરી. એ બાબતને પકડી શકે. પણ એ સ્થિરતા શું થાય ? લોકોને એ વાત આકર્ષણ રૂપ લાગે. બુદ્ધિવાળાને ઘણી આકર્ષણરૂપ લાગે. એને એમ જ લાગે કે આજ ધરાઈને ખાધું. પણ પાછો હતો તેવો ને તેવો ! ઘેર જઈને વઢવાડ કરે પાછો. અરે ! ઘેર જવાનું નામ દે, તેય વઢવાડ કર્યા વગર રહે નહીં. એટલે સાંભળતી ઘડીએ એને એટલું લાગે કે આજ ધરાઈને ખાધું ! પણ આટલો વખત ગયા પણ ઘેર શું લાવ્યા ? ઘેર કશું લાવવાનું ના હોય. છતાંય બહાર જરૂર છે આ. અને લોકો તો એમના માથા પર તાળી દે એવા છે, હાથતાળી આપે એવા છે. પબ્લિક કંઈ જેવી તેવી ચીજ નથી. એટલે ગુરુઓનો દોષ નથી.
એક જણ મને કહે છે, “આ ગુરુઓ આવા વાંકા કેમ ?” મેં કહ્યું, ‘આ લાકડાં વાંકા છે ત્યાં સુધી કરવતી વાંકી જ જોઈએ. આ લાકડાં જ વાંકાં છે.” ત્યારે એ કહે, ‘હવે એ ક્યારે સીધા થશે ?” મેં કહ્યું, આ લાકડાં સીધાં થશે એની મેળે. આ બફારો આવ્યો છે ને ?” તે હવે સીધાં થશે એવો બફારો આવ્યો છે. તે ગમે તેવું લાકડું વાંકું હશે તો પોતે સીધું થઈ જશે. આડાઇઓ બધું નીકળી જશે, માર ખાઈ ખાઈને અને પછી ગુરુ એવા સારા આવશે. જો જો તો ખરા ! ખરેખરા ગુરુ આવશે ! તાજા તમતમાટ ! જૂનો માલ નહિ, કચરો માલ નહિ. ગાદી પર માલ એનો એ આવે, તે નહીં ચાલે. હવે નવો માલ હોવો જોઈએ.