________________
વિચરે તો વિચાર
વિચાર કરતાં કરતાં કો'ક દહાડો ઝીણું વિચરતાં વિચરતાં કો'ક દહાડો તાલ ખાશે. પણ તું તો થઈ ગયો આત્મા, પાછો આમાં શું કામ પેસે છે ? અને ક્રમિક માર્ગમાં ‘કર વિચાર તો પામ’ એટલે વિચાર કરીને સાર-અસારને જોઈને પછી આગળ ચાલે.
૧૪૧
પ્રશ્નકર્તા : ક્રમિક માર્ગમાં આખી પ્રક્રિયા એ જ પ્રકારની છે કે વિચાર કરી કરીને ઉપર જાવ.
દાદાશ્રી : કૃપાળુદેવ કહે છે, ‘કર વિચાર તો પામ.’ એટલે તું આમાં વિચર, કહે છે.
પ્રશ્નકર્તા : એ કોને વિચરવાનું કહે છે ?
દાદાશ્રી : એ અહંકારને. મનના જે પરમાણુ ફૂટે છે, તેની મહીં વિચર, કહે છે. કર વિચાર તો પામ, એની પર ખૂબ વિચર વિચર કર્યા કર, એટલે તને મહીં કંઈ સમજાશે.
પ્રશ્નકર્તા : પણ એ વિચરે એટલે બંધ પડે ને પાછો ?
દાદાશ્રી : બંધ તો પડે જ ને ! એ ક્રમિક માર્ગ ઠેઠ સુધી બંધવાળો જ છે. સમકિત થયા પછીય બંધ પડવાના.
પ્રશ્નકર્તા : એટલો ઓછો બંધ ?
દાદાશ્રી : હા, એટલો ઓછો બંધ, બસ ! એંસી ટકાના જ્ઞાનીને વીસ ટકાનો બંધ પડે. કારણ કે એટલો કર્તાભાવ રહેવાનો કે મારે હજુ આ કરવાનું છે.
પ્રશ્નકર્તા : એ બંધ પડતો જ જાય તો એ છૂટે ક્યારે પાછો ? દાદાશ્રી : એ સમકિત વધતું જાય અને આ ઘટતું જાય. ક્રોધ-માન-માયા-લોભનાં જે પરમાણુ છે, એ અહંકારમાં ભળેલાં છે, તે અહંકારને શુદ્ધ કરવાનો છે ફક્ત. એમાંથી કાઢી કાઢીને, વિચાર કરીને કઢાય. એમ ને એમ ના કઢાય. મારી-ઠોકીને ના કઢાય.
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : વિચારની વાત જો આપ કરો તો એમાં પાછો અહંકાર ભેળવવો પડે ને પાછો ?
૧૪૨
દાદાશ્રી : એ અહંકાર છે, તો વિચાર છે. નહીં તો આ બધા પરમાણુઓ નીકળે છે.
પ્રશ્નકર્તા : પણ અહંકારની જરૂર તો ખરીને આમાં ?
દાદાશ્રી : ઠેઠ સુધી. એ અહંકાર ફક્ત શુદ્ધ થાય છે. ધીમે ધીમે શુદ્ધ થતો થતો, અહંકાર સંપૂર્ણ શુદ્ધ થાય છે. જેમાં ક્રોધ-માન-માયાલોભનું પરમાણુ નથી રહેતું, એ અહંકારમાં સંસારનું એકેય પરમાણુ નથી રહેતું, એવો નિર્મળ અહંકાર થાય છે. ત્યારે શુદ્ધાત્મા એકાકાર થઈ જાય છે, ‘હું' ‘હું’માં બેસી જાય છે.
પ્રશ્નકર્તા : તો મનથી, વિચારથી કેવળજ્ઞાન થાય છે એ વિશે સમજાવો.
દાદાશ્રી : ના થાય. ખોટું છે, બધું ગપ્પે છે. વિચાર હોય ત્યાં કેવળજ્ઞાન, આ જ્ઞાન જ ના હોય. વિચાર કરતાં કરતાં તો જ્ઞાન ભણી જવાનું છે. વિચાર તો જડ પ્રવૃત્તિ છે. સમકિત તરફ જવાય. તમને કોણે કહ્યું હતું, કેવળજ્ઞાન માટે આવું કરજો ? કેવળજ્ઞાનનું નામ જ ના દેવાય કોઈથી. સમક્તિની વાત કરવી પણ સમક્તિય આ રીતે થાય નહીં. આ તો અહીંયા આવજો. આ જ્ઞાન લેવું પડે, આત્મા શું છે એ જાણવું પડે,
ત્યારે સમકિત થાય.
પ્રશ્નકર્તા : શ્રીમદ્ રાજચંદ્રે એમ કહ્યું છે કે આખું મોહનીય કર્મ વિચારથી ઊડાડી શકાય એમ છે.
દાદાશ્રી : હા, પણ તે વિચાર ‘જ્ઞાની પુરુષ’ પાસેથી હોવા જોઈએ, પોતાના વિચારથી નહીં.
વિચારો બે પ્રકારનાં : એક, સ્વચ્છંદી વિચારો અને એક, જ્ઞાની પુરુષની પાસે વિચારોને વારેઘડીએ દેખાડવા કે આવાં વિચાર આવે છે.