________________
મન, મનના ધર્મમાં..
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
(પગથિયે-પગથિયે) સમજાવું છું કે આ કાન શું ધર્મ આદરે છે. તમે કાનને કહો કે “તું ના સાંભળીશ, એ તારે ના સાંભળવું જોઈએ.’ તે કાન તો સાંભળ્યા વગર રહેશે જ નહીં. અને આંખ આંખના ધર્મમાં છે, આપણે ના જોવું હોય તોય એ છાનીમાની જોઈ લે. નાક નાકના ધર્મમાં છે. આપણે ગંધ ના જોઈએ તો આમ નાક દાબી દઈએ તોય સોડી લે. જીભ જીભના ધર્મમાં છે, ઈન્દ્રિયો ઈન્દ્રિયોના ધર્મમાં છે. કર્મેન્દ્રિયો કર્મેન્દ્રિયોના ધર્મમાં છે, મન મનના ધર્મમાં છે. મનને શું કરવા વગોવે છે લોકો, વગર કામનો ? મન એનાં ધર્મમાં છે બિચારું. ચિત્ત ચિત્તના ધર્મમાં છે, બુદ્ધિ બુદ્ધિના ધર્મમાં છે, અહંકાર અહંકારના ધર્મમાં છે. ફક્ત આત્મા એકલો જ એના ધર્મમાં નથી. આત્માનો ધર્મ શું ? જાણવું ને જોવું. આ પ્રતિષ્ઠિત આત્માનો સાક્ષીરૂપ ધર્મ છે અને મૂળ આત્માનો જાણવા-જોવાનો ધર્મ છે. તે પ્રતિષ્ઠિત આત્મા એનો સાક્ષીરૂપ ધર્મ પાળતો નથી. મનમાં શું વિચાર આવ્યો તેના સાક્ષી રહેવાનું છે, તેને બદલે પોતે સાક્ષી નથી રહેતો ને ઇન્દ્રિયોને બાઝી પડે છે. તેનું આ બધું ઊભું થયું. બીજાના ધર્મને એ પોતે ખઈ જાય કે ‘મેં સાંભળ્યું, મેં જોયું, મેં ચાખ્યું.” ઓહોહો ! બોલને ભઈ કે કાને સાંભળ્યું, આંખે જોયું. પણ આ તો ખઈ જાયને બધું અહંકારે કરીને. મને વિચાર આવ્યા, કહેશે. અલ્યા, મનને વિચાર આવે. આ બધું સમજવું ના જોઈએ ? આવું ભાન કોણ કરાવડાવે ?
એવી રીતે મન છે ને, તે મનોધર્મ બજાવે છે. જેમ આ ઇન્દ્રિયો છે, તે ઇન્દ્રિયો પોતાના ધર્મો બજાવે છે, તેમ આ મન પોતાનો ધર્મ બજાવે છે. તેમાં તમારે શું કરવું, એ તમારે જોવાનું.
મત છે માતા ધર્મમાં !
અહંકાર પણ એના પોતાના સ્વભાવમાં જ છે. આ તો કહેશે, ‘હું બહેરો છું.” “અલ્યા, તું તો આત્મા છું, ‘ચંદુ બહેરો છે.” આત્મા બહેરો હોય ? આત્મા તો પરમાત્મા છે અને દરેક આત્મા પરમાત્મા છે.
વિચાર એ તો મનનો સ્વભાવ છે. ધર્મ જ છે મનનો ! હવે એ કો'કનો ધર્મ આપણે અપનાવીએ, કાનનો સાંભળવાનો ધર્મ છે એને આપણે સાંભળવાનું બંધ કરી દઈએ ? આપણને લોકો ગાળો ભાંડતા હોય, તો બહેરા થઈ જઈએ આપણે ? તો તો વ્યવહાર બગડી જાય બધો.
આમાં મનનો ધર્મ તો કંઈ એક ધર્મ છે ? દેહના ધર્મ, ઇન્દ્રિયના ધર્મ, કર્મેન્દ્રિયના ધર્મ, જ્ઞાનેન્દ્રિયના ધર્મ, મનનો ધર્મ, બુદ્ધિનો ધર્મ, ચિત્તનો ધર્મ, અહંકારનો ધર્મ, આ બધા ધર્મો અને આત્માનો ધર્મ, બધા પોતપોતાના ધર્મમાં આવી જાય, એનું નામ જ્ઞાન. અને એકના ધર્મ પર આપણે દબાણ કરીએ એટલે થયું અજ્ઞાન.
કો'કના ધર્મને આપણે લઈ લઈએ, મનનો ધર્મ જ પોતે લઈ લે છે કે ‘હું જ કરું છું. આ મને જ વિચાર આવે છે.” એટલે જ છે તે આ સંસાર ઊભો થાય છે. સંકલ્પ-વિકલ્પ ઊભાં થાય છે. આત્માનો સ્વભાવ શું ? મનના ધર્મને જોયા કરે, બુદ્ધિના ધર્મને જોયા કરે, બધાના ધર્મને જોવું. કોણ કયો ધર્મ કેવી રીતે બજાવી રહ્યું છે એ જોવું, એનું નામ આત્માનો ધર્મ.
પ્રશ્નકર્તા: મનને કંઈક ચારો આપી દેવાનો એટલે પછી હેરાન ના કરે.
દાદાશ્રી : એ ધંધો પાછો ક્યાં માંડીએ ? એ પાછું (ચારો) આપીને શું કરવાનું ? એને કોણ દોહવા જાય ? ક્યાંથી લાવ્યો આ નવું ?
પ્રશ્નકર્તા : મનને ચારો આપીએ તો દોહવા જવું પડે ? દાદાશ્રી : ખવડાવીએ એટલે દોહવું જ પડે ને ! ચારો આપીએ
બધા પોતપોતાના સ્વભાવમાં જ છે. આત્મા એકલો જ સ્વભાવમાં નહોતો. એ આત્માને જ્યાં સુધી જાણે નહીં, ત્યાં સુધી આત્મજ્ઞાન થાય નહીં ને ત્યાં સુધી આત્મા સ્વભાવમાં આવી શકે નહીં. તેને લીધે આ સંસારમાં ભટક્યા કરે છે. બાકી, પોતપોતાના સ્વભાવમાં જ છે બધું.