________________
શુદ્ધિ, અંતઃકરણની એને જીવ કહેવાય.
પ્રશ્નકર્તા : એટલે એ અંતઃકરણ જ થયું ને ?
દાદાશ્રી : ના. અંતઃકરણનોય માલિક જીવ. તેને કૃપાળુદેવે શું કહ્યું, કે “અંતર્દાહ નિરંતર બળ્યા જ કરે.” એ જીવ બળે છે. અને જ્ઞાન લીધા પછી અંતર્દાહ મટી જાય, તો એ જ્ઞાન કહેવાય. નહીં તો જ્ઞાન જ ના કહેવાય ને !
પ્રશ્નકર્તા: બધાં પુસ્તકોમાં મન અને ચિત્ત કરતાં જીવને વધારે મહત્ત્વ આપ્યું છે.
દાદાશ્રી : એવું છે ને, જીવ જ છે પોતે. આ બધું ભેગું કરે, એનું નામ જીવ. એટલે જીવને જ બધા કહે કહે કરે ને !
પછી બહુ વિચારો આવે ત્યારે કહેશે, “મારું મન ખરાબ વિચાર કરે છે. મને મનમાં ખરાબ વિચારો આવે છે પણ મારું મન છે એવું કહે છે ! એટલે એને પોતાનો ભાગ હોયને એવી રીતે વર્તે છે. આ જ્ઞાન લીધા પછી હવે મન ગળ્યા કરશે. અહંકાર તો તે દહાડે જ તમે વહોરાવી દીધો'તો. હવે મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર આમાં બુદ્ધિ એકલી જ તમને હેરાન કરે. તે ત્યારે સાચવવાનું, ચિત્ત શુદ્ધ થઈ ગયું અને જેટલી અશુદ્ધિ રહી હોય, તેને જોયા કરવાની.
(૮) અંતઃકરણ સામે જાગૃતિ
ખાનારો, જાણતારો તે જાણતારાને જાણતારો
પ્રશ્નકર્તા: આ ખોરાક જે લેવાય છે, એમાં અંતઃકરણનો કયો ભાગ ખોરાકના સ્વાદને બધા ફેઝીઝથી (પર્યાયોથી) જાણે, સ્વાદ લેનારને જાણે, સ્વાદ કયો આવ્યો એને જાણે ?
દાદાશ્રી : આત્મા એ જાણે કે કડવું છે કે મીઠું છે, ખાટું છે કે મોળું ? મહીં જાણે. જાણપણાનું જ કામ.
પ્રશ્નકર્તા : આત્માનું ?
દાદાશ્રી : હા. કઢી સારી થઈ છે કે ખરાબ છે એવું બધું જાણે. સારી-ખોટી અભિપ્રાય ના આપે. અભિપ્રાય વગર જાણે, એ આત્મા.
પ્રશ્નકર્તા: આ કાજુ છે, ખારા છે, તીખાં છે, એ બધું આત્મા જાણે કે બુદ્ધિ જાણે ?
દાદાશ્રી : બુદ્ધિ જાણે. જાણનારનેય આત્મા જાણે. બુદ્ધિ જાણે છે એવું એ આત્મા જાણે.
પ્રશ્નકર્તા: કારણ કે અજ્ઞાની પણ જાણી શકે છે કે આ બહુ ખારા છે, તીખાં છે.