________________
અંતઃકરણની કાર્યપદ્ધતિ
૧૫
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
હવે મનની ઉપર નિયંત્રણ કોનું છે, એ જાણવાનું છે. તમારા મનની ઉપર કોનું નિયંત્રણ છે ?
પ્રશ્નકર્તા : બુદ્ધિનું. દાદાશ્રી : બુદ્ધિ શું કરે છે ? પ્રશ્નકર્તા : સારાસારનો ભેદ બતાવે છે. દાદાશ્રી : હા, તે બુદ્ધિના ધાર્યા પ્રમાણે થાય છે ? પ્રશ્નકર્તા : નથી થતું. દાદાશ્રી : તે બુદ્ધિની ઉપર કોનું નિયંત્રણ છે ? પ્રશ્નકર્તા : બુદ્ધિ ઉપર કોઈ છે પણ ખબર નથી પડતી. દાદાશ્રી : અહંકારનું, બીજા કોનું ?
પ્રશ્નકર્તા : પણ પાછું આ મનોવૈજ્ઞાનિક વેપારી જે છે, બોલવું, ચાલવું, વિચારવું, વર્તન કરવું, એ કોણ ઉત્પન્ન કરે છે ?
દાદાશ્રી : એ તો અહંકાર બધું કરે છે. આવું બધું પૃથક્કરણ સમજાયું તમને એમાં ? જે બધી આ ક્રિયા થાય છે તે એક જ વસ્તુમાં થાય છે, એને અંતઃકરણ કહીએ છીએ આપણે. અંતઃકરણમાં આ બધી ક્રિયાઓ થઈ રહી છે. દરેક વખતે એક-એક, મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર, પોતપોતાના ફંકશનમાં (કાર્યમાં) હોય. હવે જ્યાં સુધી આ ફંક્શનમાં આપણે કામ કર્યે રાખીએ, ત્યાં સુધી ‘આપણે કોણ છીએ', એ આપણને જડે નહીં. આ ફંક્શનની બહાર જઈએ ત્યારે ‘આપણે કોણ છીએ' એવું જડે. પણ તે ફંક્શનની બહાર જવા જ ના દે. એ ફંક્શન એવું છે. ઘડીવારેય, અંતઃકરણની બહાર કોઈનેય જવા જ દે નહીં, એ મનેય એવું છે, બુદ્ધિય એવી છે, ચિત્તેય એવું છે ને અહંકારેય એવો છે.
મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર, ચાર અંતઃકરણના ભાગ. એ ચાર જણનું
નિયંત્રણ છે આ શરીર પર અને આ ચાર જણાનું નિયંત્રણ છે, માટે આ ભ્રાંતિ ઊભી રહી છે. પોતાના હાથમાં નિયંત્રણ આવે તો પછી આ કડાકૂટો રહે નહીં, પુરુષાર્થ ઉત્પન્ન થાય.
પ્રશ્નકર્તા : એ પુરુષાર્થ હાથમાં આવે એના માટે શું કરવું ? દાદાશ્રી : એ બધું અમે અહીં કરી આપીએ છીએ. પ્રશ્નકર્તા : જેની પાસે તમે ના હોવ એ શું કરે ?
દાદાશ્રી : એ તો એને જે આવડે, સમજણ પડે એ કર્યા કરે. આ તો તમારી જે ભાવના છે કે આમ થાય તો સારું, એવું અમે કરી આપીએ છીએ. આ બધાંને કરી આપ્યું છે ને ! કારણ કે તમને કહું તો તમારાથી થાય એવું નથી. આજના કળિયુગના મનુષ્યોને એટલી શક્તિ નથી. કળિયુગના મનુષ્યો એ પ્રમાણે કરી શકે નહીં. માટે જ લપસી પડ્યા છે અત્યારે. લપસતાં લપસતાં અત્યારે કળિયુગમાં આવ્યા છે. હવે જે લપસ્યા તે ચઢાય એવું છે જ નહીં એમનાથી. ઘણાંય રસ્તા દેખાડીએ તોય નથી ચઢાય એવું. એ તો બીજી હેલ્પ આપવી પડે.
એટલે છૂટેલાં હોય, બંધનમુક્ત થયેલાં હોય, તે જ આપણને બંધનમુક્ત કરી શકે, નહીં તો કોઈ કરી શકે નહીં. મુક્તપુરુષ થયા હોય, તે જ આપણને મુક્ત કરી શકે. પોતે બંધાયેલો હોય, તે આપણને શી રીતે મુક્ત કરી શકે ?
અંતઃકરણના ચારેય ભાગ પોતપોતાના એમાં આવી ગયા, મર્યાદામાં, પછી રહ્યું નહીં ને ! વાત જ ખાલી સમજી લેવાની કે આ મશીનરીનો કયો ભાગ ને આ મશીનરીનો કયો ભાગ. હવે આ મશીનરી ચાલુ કરી હતી, તે તો ટેવ હતી આપણને, કટેવ પડી હતી. પણ હવે એની મેળે બંધ પડી જવું જોઈએ. આપણે સ્ટોપ થઈ જાવ. મશીનમાં તો માલ થઈ રહેશે એટલે ખલાસ થઈ જાય.
એન્જિનમાં બેસીને ડ્રાઈવર ચલાવે છે, નહીં ? એની અંદર જ બેસે છે ને ? ને ચલાવે છે પાછો ! છતાં એન્જિન જુદું ને ડ્રાયવર