________________
અંતઃકરણની કાર્યપદ્ધતિ
૧૩
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
આ મન અને ચિત્ત, બે જણ રહ્યા. એ બેમાંથી એકના પક્ષમાં ભળે આ બુદ્ધિ. પોતાને ઠીક લાગે તો મનના પક્ષમાં ભળે તો ચિત્તને ઊડાડી મારે અને ચિત્તના પક્ષમાં પડે તો મનનું ઊડાડી મારે, તે પેલા બે ઓચિંતા ભળી જાય. જ્યાં બુદ્ધિ ભળે ત્યાં અહંકાર જોડે જ મૂઓ હોય. એટલે વોટીંગ વધી જાય ને પેલું ? એક બાજુ એક જણ અને એક બાજુ ત્રણ, જયાં આગળ ત્રણ થઈ જાય તેનું કાર્ય થવાનું નહીં. આ પ્રમાણે થયા કરવાનું.
બુદ્ધિ પ્રકાશવાળી છે અને બુદ્ધિ જ્યાં દોડે છે ને, ત્યાં અહંકાર તરત પહોંચી જાય છે. કારણ કે અહંકાર એ પોતે આંધળો છે એટલે બુદ્ધિ વગર એને ચાલે એવું નથી. એ બુદ્ધિની આંખે જ જોયા કરે છે. ખાલી પ્રેસિડન્ટ કહેવાય એટલું જ, બાકી સત્તા પેલીના હાથમાં બધી. અને મન-બન કશાનું ના ચાલે. બુદ્ધિ હોય ને, ત્યાં કોઈનું ના ચાલે.
પ્રશ્નકર્તા : એવું બને ને કે જે વસ્તુ પર અહંકારની સહી ના થઈ પણ બુદ્ધિએ ડિસિઝન લીધું, પછી એ કાગળિયાંનું શું ?
દાદાશ્રી : ના. ડિસિઝન લીધું ને, તેના પર અહંકારની સહી થઈ જ જાય. એટલે એ કાર્ય થઈ ગયું. અને અહંકાર તો છૂટો પડી ગયો ને બુદ્ધિ એકલી રહી ગઈ, તે વિધવા સ્થિતિમાં. પ્રેસિડેન્ટ ના હોય તો વિધવા જેવું જ ને !
કોઈ વાર મન ના કહેતું હોય, તો કોઈ વાર ચિત્ત ના કહેતું હોય. બાકી અહંકાર તો બુદ્ધિ જોડે જ હંમેશાં, એક્લો ના હોય. એકલો અહંકાર બુદ્ધિથી છૂટો પડે નહીં. બુદ્ધિ અને અહંકાર એ બે બનતાં સુધી જુદા ના પડે. કો'ક ફેરા જુદા પડે. બુદ્ધિ જોડે તો અહંકારે સહી કરેલી હોય છે. હવે એ સહી જુદી પાડે, એનું નામ પુરુષાર્થ.
પ્રશ્નકર્તા : બુદ્ધિ અને અહંકારને છૂટાં પાડે એ પુરુષાર્થ ? દાદાશ્રી : એ પુરુષાર્થ. એ વ્યવહારિક પુરુષાર્થ છે.
અંદરનું પૃથક્કરણ... પ્રશ્નકર્તા: ઇચ્છા અને મનની વચ્ચે શું ફરક ?
દાદાશ્રી : મનમાં જે વિચાર આવે ત્યાર પછી બુદ્ધિ નિરીક્ષણ કરે કે આમાં ખરું કર્યું ? ખોટું કર્યું ? ત્યાર પછી ઇચ્છાની શરૂઆત થાય. બુદ્ધિ એનું પૃથક્કરણ કરે, કે સાચું કયું ? સારું ક્યું ? પછી ઇચ્છા પ્રગટ કરે.
આ હલવાઈની દુકાને આપણે બધું જોયું તે ઘડીએ મન વિચારે ચઢે કે આ લઈશું ને તે લઈશું, તે લઈશું. પછી બુદ્ધિ છે તે ડિસિઝન લે કે આટલા જ પૈસા છે. એ બધું અનુસંધાન કરી અને પછી લેવાનું નક્કી કરે. ત્યારે ઇચ્છા ઉત્પન્ન થાય કે આ લો. એટલે અંદર બધું સંચાલન અંતઃકરણમાં ચાલ્યા કરે અને બાહ્યકરણમાં પાછું એ પ્રમાણે બધું થાય.
કોણ કોનું ઉપરી ? પ્રશ્નકર્તા : શરીર અને મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર, આ બધા વચ્ચે શો સંબંધ છે ?
- દાદાશ્રી : શરીર જે છે, એની જોડે પાંચ ઇન્દ્રિયો છે; એ બધાનું નિયંત્રણ મનના હાથમાં છે. એ મન એમ કહે આંખને, જોવા જેવું છે. તો આંખ તરત જોઈ લે. અને મન ના કહે તો આંખ જોતી હોય તોય બંધ થઈ જાય.
પ્રશ્નકર્તા: ઘણી વખત મન અંદરથી કહે કે નથી જોવું છતાંય જોવાય.
દાદાશ્રી : જોવાઈ જાય એ તો મૂળ ઇન્દ્રિયોનો સ્વભાવ છે. પણ તેથી કરીને મને કહે કે નથી જોવું એટલે ફરી ન જ જુએ. એ તો ઇન્દ્રિયોનો સ્વભાવ છે. ઇન્દ્રિયો તો લપકા માર્યા જ કરે. પણ મન ના કહે તો આંખો ફરી ના જ જુએ.