________________
૪૪૪
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મન કા ચલતા તન ચલે...
૪૪૫
પણ મનનો સ્વભાવ જ છે એ.
હવે એ શાથી મન કૂદાકૂદ કરે છે. મનને કોઈ કામ આપ્યું નથી. મનને કામ આપવું જોઈએ. મન નવરું પડે ને તો ‘ઝટ કરો, ઝટ કરો’ કહેશે. ક્યાં ઝટ કરો ? ત્યારે કહીએ, “મોક્ષમાં'. ત્યારે મૂઆ, અત્યાર સુધી આ બાજુ ‘ઝટ કરો, ઝટ કરો” કહેતું હતું ને !
એટલે મન વિરોધાભાસી છે. એમાં એક પ્રકારનું નથી. અને જે બાજુ મોઢું ફેરવી આપોને તો એ બાજુ ચાલવા જ માંડે. તમને ફેરવી આપતાં આવડવું જોઈએ. એને મારી-ઠોકીને કહીએ, ‘તું ફર, તું ફર.” ત્યારે એ નહીં ફરે. તમે એને ફેરવી આપો ને ! મનનો સ્વભાવ છે એવો. મનનો સ્વભાવ એવો છે, એને ઓળખીને કામ લેવું પડે. એના સામાં થવામાં ફાયદો નહીં.
મન બહુ રીસાયું હોય તો એને ફાવતી બે ટિકિટ આપી દેવી, ખુશ થઈ જાય અગર શીખંડ ભાવતો હોય તો ખવડાવી દેવો. એને એવું નથી કે કાયમને માટે છે મહેમાન. એક તપુરતી જ ફક્ત એને ગોળી ખવડાવી દો તો ચાલ્યું. નહીં તો અટકે તે ઘડીએ દમ કાઢી નાખે. એટલે કંઈ કામ આપી દેવાનું, બસ. નહીં તો આપણને ગોદા માર માર કર્યા કરે. ઝટ કરો, ઝટ કરો. અરે, પણ શેમાં ઝટ કરો ? આ કંઈ ખીચડી કરીએ તોય ત્યાં એ ઉતાવળ કરે. ના મૂકી હોય ત્યાં સુધી કશું નહીં પડેલી. મૂક્યા પછી કહેશે, “ખીચડી મૂકી તે થઈ ગઈ ?” થઈ ગઈ છે ?” અરે, પણ હમણાં મૂકી છે ને ! શું તમે તોફાન માંડ્યું છે તે ?
જ્યાં જાય ત્યાં એને ઉતાવળ. સંડાસ જવાની ઉતાવળ, પેશાબ જવાની ઉતાવળ, જાવામાં ઉતાવળ, ખાવામાં ઉતાવળ, ઊઠવામાં ઉતાવળ, ગાડીમાં બેસવામાં ઉતાવળ, ઉતરવામાં ઉતાવળ, જ્યાં ને ત્યાં ઉતાવળ, ઉતાવળ ને ઉતાવળ. એવો મનનો સ્વભાવ નથી લાગતો તમને ?
મનને ખોરાક આપવો જોઈએ, કલાક-દોઢ કલાક. મન નિરંતર, ક્ષણવાર બીજા કામમાં ના રહે એવો ખોરાક આપી દેવાનો. અમારે
ધંધો અને આમાં બે જ જગ્યાએ મન રહેતું. ધંધામાં વગર કામના ફાંફા મારે નહીં, એવું કરવાનું.
પ્રશ્નકર્તા : જ્ઞાનીનું મન તો વશમાં હોય ને ? દાદાશ્રી : બિલકુલ વશ હોય, સમજણપૂર્વકનું. પ્રશ્નકર્તા : તો પછી એને ખોરાક શા માટે ?
દાદાશ્રી : ખોરાક તો દેહ ખાય. અમારે લેવાદેવા નહીં. દેહને કશું ના કરીએ તો દેહ તો ખાય. અમે ફક્ત જાણીએ અને જે હોય મન, એ ડિસ્ચાર્જ મન હોય. મહીં ચાર્જ કરનારું નહીં, ડિસ્ચાર્જ મન. એ હવે જે માલ ભરેલો તે નિકાલ થઈ જાય.
નિત્યક્રમ, અનિત્યક્રમે.... પ્રશ્નકર્તા (મહાત્મા) : મારો એક સવાલ હતો કે ચરણ વિધિ છે, નવ કલમો છે, પછી આ નમસ્કાર વિધિ છે, એ દરરોજ થતી નથી. આમ દાદા નિરંતર યાદ રહે છે અને આજ્ઞામાં રહેવાની ભાવના રહે, એ બધું રહે પણ આ બધું દરરોજ નથી થતું. કો'કવાર થાય ને કો'કવાર ના થાય તો શું કરવું ?
દાદાશ્રી : એવું છે ને, થાય-ના થાય એનો સવાલ જ નથી. આ કરવું જોઈએ એનો અર્થ એ કે મન બીજે નવરું પડ્યું એટલે આમાં ઘાલવું. અને ધંધામાં હોય પછી એ વાંધો નહીં. આ તો ધંધામાં ના હોય અને પછી નવરું પડ્યું હોય તો મનને નવરું ના રહેવા દેવું. અને ખાસ કરવા જેવું શું છે ? પેલી જે આત્માની ચરણવિધિ છે ને, એ એકલી કરવા જેવી છે. ના બને તો દાદાની માફી માગી લેવાની. તો આપણો ગુનો નહીં કોઈ જાતનો.
પ્રશ્નકર્તા : આખો દિવસ અંદર રટણ થાય છે કે ‘હું શુદ્ધાત્મા છું', કાનને સંભળાય એવું બોલે તો સારું ?
દાદાશ્રી : વાંધો નહીં. એની મેળે જ રહ્યા કરે છે ને ?