________________
૪૩૨
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : ધ્યેય પ્રમાણે હોય તો એ રીતે વહેવા દેવું એને ?
દાદાશ્રી : વહેવા દેવું.
પ્રશ્નકર્તા : અને ધ્યેયની વિરુદ્ધ હોય તો એને વાળવું ?
દાદાશ્રી : અને આત્મા તરીકે મનમાં પેસવું નહીં. જો ને ! આ આત્મા તરીકે એના મનમાં પેસી ગયો છે, તે મુંઝાઈ ગયો છે ને ! પ્રશ્નકર્તા : એટલે શું ?
દાદાશ્રી : મૂંજી થઈ જાય. તારે જોયા કરવાનું છે, મનમાં શું વિચાર આવે છે ને સારા આવે કે ખરાબ આવે એ જોયા કરવાના.
પ્રશ્નકર્તા : એટલે આત્માના પોતાના ગુણો ચંદુભાઈની અંદર, પ્રતિષ્ઠિત આત્મામાં પૂરવાની કોશીશ કરવાની ને ?
દાદાશ્રી : ના, પ્રતિષ્ઠિત આત્મા નાદારી કાઢતો હોય તોય આપણે શું લેવાદેવા ? અને સાદારી કાઢતો હોય, મોટો થતો હોય તોય વાંધો નહીં. આપણે તો એ પ્રતિષ્ઠિત આત્મા શું કરે છે એ જોયા કરવાનું. બીજું કંઈ આપણું કામ જ નથી. આપણી ડ્યુટી (ફરજ) હોય એટલી જ કરીએ. નહીં તો વધારે પડતી કરવા જઈએ તો માર પડે, છ મહિનાની જેલ ઘાલે. સમજ પડીને ? હવે કાચો ના પડીશ.
પ્રશ્નકર્તા : ધ્યેય પ્રમાણે મન જાય છે ને, એ બધું હવે દેખાય છે. આટલું મન ધ્યેય પ્રમાણે ગયું, આટલું મન ધ્યેય વિરુદ્ધ ગયું એ એને દેખાય છે.
દાદાશ્રી : ધ્યેય પ્રમાણે જ ચલાવવો.
પ્રશ્નકર્તા : આપણું ચિત્ત હોય ને, એ ધ્યેય પ્રમાણે જતું હોય
તો ?
દાદાશ્રી : ચિત્તને ને મનને કંઈ લેવાદેવા નહીં.
પ્રશ્નકર્તા : પણ ચિત્ત બહાર જાય ને ?
મન કા ચલતા તન ચલે...
દાદાશ્રી : એ છોને જાય બહાર, તે આપણે ક્યાં ક્યાં જાય છે તે જાણવું, બસ.
૪૩૩
પ્રશ્નકર્તા : અને આપણા ધ્યેય પ્રમાણે ના જતું હોય તો ?
દાદાશ્રી : ના. તે ના જતું હોય તો વાંધો નહીં. એને જોયા કરવાનું. ચિત્તને વાળવાનું નથી કહેતો. ચિત્તને જોયા કરવાનું છે કે ક્યાં ભટકે છે. છોકરો દારૂ પીતો હોય, માંસાહાર કરતો હોય, તે એનો બાપ છે તે જોયા કરે, ક્યાં ક્યાં જાય છે, બસ. એના જેવું એની પર ધ્યાન રાખવાનું. એને વાળવાનું તો તું શુદ્ધાત્મા રહું એટલે એની મેળે વળી જાય. તું ઉપયોગમાં રહું એટલે એ બંધ થઈ જાય. એને વાળવાનું એટલે પોતાની જાતને ઉપયોગમાં લેવાની કે એ વળી જાય. અને પેલું મન તો પુદ્ગલને આધીન છે. અને આ તો તું બધાનામાં શુદ્ધાત્મા જુએ, ઉપયોગમાં પડ્યો એટલે પછી ચિત્ત ક્યાં જાય ? બંધ થઈ જાય. ચિત્ત પોતાનો સ્વભાવ જ, એનું નામ જ જ્ઞાન-દર્શન !
પ્રશ્નકર્તા : બુદ્ધિને ધ્યેય પ્રમાણે રાખવાની ?
દાદાશ્રી : બુદ્ધિ તો એની મેળે જે બાજુ રહે તે બાજુ, બુદ્ધિને કંઈ તમારે ખસેડવાની જરૂર નથી.
પ્રશ્નકર્તા ઃ ડીસીઝન (નિર્ણય) ધ્યેય પ્રમાણે હોવું જોઈએ ને ?
દાદાશ્રી : એ તો ધ્યેય પ્રમાણે હોય જ. એ તો હંમેશા સંસારના પ્રોફિટ ને લોસમાં, (નફો ને ખોટમાં) તે પ્રોફિટ જ જોયા કરતી હોય. મનને એકલાને જોવાનું. મન છે તે બીજી બાજુ લઈ જાય. પ્રશ્નકર્તા : મનને એકલાને જ સાચવવાનું છે ?
દાદાશ્રી : મન આપણા ધાર્યા પ્રમાણે જતું હોય ત્યાં સુધી જાય અને આપણા ધાર્યાથી ફેરફાર થાય તો ફેરવી નાખવું.
પ્રશ્નકર્તા ઃ અહંકારનું શું ? અહંકારને ધ્યેય પ્રમાણે રાખવાનો ? આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને ધ્યેય પ્રમાણે રાખવાનાં ?