________________
૨૬૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : આ પ્રશ્ન મુખ્ય વસ્તુ કહેવાય. એ તમને આવે છે કે બીજા કોઈને આવે છે, એ તમને ખબર નથી ને ? એટલે તમને એમ લાગે છે કે મને વિચાર આવે છે. આ ન ગમતા વિચાર તમને પોતાને આવે છે કે બીજા કોઈને આવે છે ? એવું છે, વિચારવું એ મનનો ધર્મ છે. સારા વિચાર કરવા કે ખોટા વિચાર કરવા એ ધર્મ કોનો છે ? મનનો ધર્મ છે. આત્માનો ધર્મ તેવો નથી. તું આત્મા છે કે મન છે ?
(૯) તા ગમતા વિચારો સામે...
પ્રશ્નકર્તા : આત્મા છું.
સહેજે વેગળો ખરાબ વિચાર થકી ! બીજી વાતચીત કરો. બધા ખુલાસા કરો. અત્યાર સુધી જે ગૂંચવાડા છે ને, એ બધા જ ખલાસ થાય એવું છે અહીં. બાકી, આ જગત આખું ગૂંચવાડામાં જ છે.
પ્રશ્નકર્તા : મુશ્કેલી તો મનની જ લાગે છે. બીજું કશું લાગતું નથી.
દાદાશ્રી : મનની ? મનનો શો ગુનો બિચારાનો ? મન તો કેવું છે ? બહાર આપણે કૂતરો બાંધ્યો હોય, તે ભસ ભસ કરતો હોય, તેમાં આપણને શેની મુશ્કેલી ?
પ્રશ્નકર્તા : મને એ સત્ય સમજાતું નથી એવું લાગે છે.
દાદાશ્રી : સમજે છે બધાય લોકો. મનને સારી રીતે સમજે છે. ને કૂતરો બાંધેલો હોય, એની પેઠે ગણે છે. પણ તે ના ગમતું હોય ત્યારે કૂતરાની પેઠે ગણે છે અને ગમતું હોય ત્યારે એ મન જોડે એકાકાર થઈ જાય છે. હવે હું શું કહેવા માંગું છું કે ગમતા અને ના ગમતા બેઉમાં મનને કૂતરાની પેઠે રાખો ને !
પ્રશ્નકર્તા : ઘણી વખત ના ગમતા વિચારો આવે છે, આપણે ઇચ્છતા ના હોઈએ તો પણ આવે છે.
દાદાશ્રી : તો પછી વિચારવું એ આત્માનો ધર્મ જ નથી. જે મનનો ધર્મ છે, તેને તું સ્વીકારી લે છે, આરોપ કરે છે, એ ખોટું છે. મનમાં વિચાર આવે તેમાં તને શું હરકત ? કારણ કે એનો ધર્મ જ એ છે કે વિચારવું. નિરંતર, આખો દહાડો વિચારવું. અને એને સારુંખોટું એ આપણે કહીએ છીએ. આ સારા વિચાર ને આ ખોટા વિચાર ! સારા વિચાર આવે તો તન્મયાકાર થઈ જાય, વાર જ ના લાગે એને અને ખોટા વિચાર આવે ત્યારે પોતે જુદો રહે ને બૂમાબૂમ કરે કે મને ખરાબ વિચાર આવે છે. ખરાબ વિચાર આવે છે એટલે એ સાબિત થાય છે કે પોતે મનથી જુદો છે. ખોટા વિચાર આવે એટલે સાબિત થાય કે ના થાય ?
પ્રશ્નકર્તા : પણ મન ચોવીસેય ક્લાક વિચારોથી ઘેરાયેલું રહે છે. દાદાશ્રી : છો ને વિચાર કરે. સ્વભાવ છે બિચારાનો. પ્રશ્નકર્તા: તો એમાંથી નીકળવા માટે કોઈ વિધિ છે ?
દાદાશ્રી : એમાંથી નીકળવાની જરૂર જ શું ? તે જોયા કરવાનું કે ઘડીમાં મન શું કરે છે, આ સાસુ માંદા પડ્યા તે હવે ચોક્કસ મરી જવાના. કાલે સવારે મરી ગયા પછી શું થશે ? અલ્યા, એ મનનું આપણે સાંભળીએ શું કરવા ? આપણે જોયા કરીએ કે આ મન શું કચકચ કર્યા કરે છે. એ એના સ્વભાવમાં છે.