________________
અંતે ખોળ્યાં, મનનાં ફાધર-મધર !
ડ્રામા કેમનો કરે ?
તમે કયા નામનો ડ્રામા કરો છો ? ચંદુભાઈના. અને તમે આ બેબીના ડ્રામા (નાટક)ના ફાધરને કે સાચા ફાધર ?
પ્રશ્નકર્તા ઃ ડ્રામાના.
૨૩૫
દાદાશ્રી : હા, ડ્રામાના ફાધર ! જો તું કહી ના દઈશ કોઈને, હંઅ ! નહીં તો લોક મારી પર દાવો માંડશે. હવે એને શી રીતે સમજાય આ ? મેળ પડે નહીં ને !
અભિપ્રાયતી જ ભાંજગડ ને !
જેને કોઈ પણ જાતનો અભિપ્રાય નથી, એને મન ના હોય. આ સારું ને આ ખોટું, આ આમ ને આ તેમ, ફલાણાભાઈ સારા, ને મારતોફાન, એ અભિપ્રાયોથી મન બંધાયેલું છે. એ અભિપ્રાય જાય નહીંને પાછા ! હવે એ અભિપ્રાય અત્યારે નવેસરથી પાછા કરીએ તો પાછો નવો ગૂંચારો ઊભો થયા કરે.
ખાવ ખરા પણ અભિપ્રાય ના કરો. અભિપ્રાય એવા કરો કે આ ના ખાવું જોઈએ. બાકી, અભિપ્રાય ઊભા ના કરવા જોઈએ કે આ સારું છે ને આ કડવું છે. આ અભિપ્રાય ઊભા થયા કે થયું
મન.
આ અભિપ્રાયને લઈને તો વહુ લાવે છે ખરો ને પછી ગમતી નથી, એનું શું કારણ ? ત્યારે કહે, એનો અભિપ્રાય. કહેશે, ‘બરોબર નથી, આ બહુ જાડી છે.’ આ લાવ્યા ત્યારે પાતળી હતી, પછી જાડી ના થઈ જાય ? પણ પછી કંટાળ્યા કરે, તે અભિપ્રાયને લીધે જ. અભિપ્રાયોનું દુ:ખ છે ને, નહીં તો અભિપ્રાય એમ બાંધ્યો હોય કે આ પાતળી માંયકાંગલી કરતાં તો જાડી હોય તે સારી. તો પછી ભાંજગડ
નહીં ને ! કેટલાક લોકોને માંયકાંગલું માણસ ગમતું જ નથી. તે આ અભિપ્રાય બાંધ્યા છે તેની ભાંજગડ ને !
૨૩૬
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
અભિપ્રાયનું મૂળ કારણ ?
પ્રશ્નકર્તા : એટલે આ વ્યક્તિ સારી છે, આ વ્યક્તિ ખરાબ છે, એવાં અભિપ્રાય ઊભા થાય છે એનું કારણ શું છે ?
દાદાશ્રી : બુદ્ધિ ને અહંકાર. જેની બુદ્ધિ ડેવલપ (વિકાસ) થઈ નથી, એ ગાયો-ભેંસો કોઈ અભિપ્રાય આપતી નથી. આ બુદ્ધિને લઈને અભિપ્રાય અપાય. જેને ઓછી બુદ્ધિ એટલા ઓછા અભિપ્રાય આપે. વધુ બુદ્ધિ હોય તો તરત અભિપ્રાય આપે. અભિપ્રાયની પોસ્ટઓફિસ જ હોય ! અભિપ્રાય આપ્યા કરે આખો દહાડો. હવે અભિપ્રાય એટલે પોતાને એમ ખાતરી થઈ ગઈ કે આ આવો જ છે, એટલે એ અભિપ્રાય આપે. ભગવાન કહે છે, એ તેવો નથી. અભિપ્રાય કોને કહેવાય કે આજે કોઈ પણ માણસ આપણે ત્યાં ચોરી ગયો. એ બીજે દહાડે આપણા ઘેર આવે તો એને ચોર માનવો એ અભિપ્રાય કહેવાય. અભિપ્રાય બાંધેલો છે. ભગવાન કહે છે, તું ગુનેગાર છે. શા આધારે તું માને છે આ ? આજે કર્મના ઉદય જુદી જાતના હોય. અત્યારે આવે તે ઘડીએ એના કર્મના ઉદય જુદા છે, કાલે કર્મના ઉદય જુદી જાતના
હોય. તને સમજાય છે આમાં ?
પ્રશ્નકર્તા : કોઈના માટે આપણે ઓપિનિયન બાંધીએ તો એનું રિઝલ્ટ (પરિણામ) શું આવે ?
દાદાશ્રી : ફસામણ ! બીજું શું ? આપણે શું લેવા ઓપિનિયન બાંધવાના ? આપણને અધિકાર શું ? એનું ફળ ફસામણ આવે. ખરાબ ઓપિનિયન બાંધીએ તોયે ફસામણ અને સારો બાંધીએ તોય ફસામણ. પ્રશ્નકર્તા : ઓપિનિયન તો ઓટોમેટિક (આપમેળે) અપાઈ જાય છે કે ?
દાદાશ્રી : એ જાગૃતિ રાખે ત્યારે ને ?
પ્રશ્નકર્તા : કોઈ માણસને જોયો, એનું વર્તન જોયું, એટલે મનમાં ને મનમાં એના માટે અમુક જાતનો અભિપ્રાય બંધાય. એ તો મનમાં