________________
૯૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મનની અવસ્થાઓ, મોક્ષમાર્ગમાં....
૧૯૭ દાદાશ્રી : પણ ધ્યાન રાખનારો કોણ ? એ જ અહંકાર.
પ્રશ્નકર્તા : એ બહારનાને કહી દઈએ, કે “તું શુદ્ધાત્મા છે.” અને શુદ્ધાત્માને કહીએ, કે ‘હવે તું કાર્ય કર.'
દાદાશ્રી : ના, એવું ના કહેવાય. ‘હું શુદ્ધાત્મા છું” એ કહેવાય. ‘તું શુદ્ધાત્મા’ કહે તો અહંકાર ઊભો રહ્યો. એટલે આપણે જ્ઞાન આપીએ છીએ ને ‘હું શુદ્ધાત્મા છું” ભાન થાય છે.
પ્રશ્નકર્તા : હવે એ શુદ્ધાત્મા બોલે ને ગાય તો શું વાંધો ?
દાદાશ્રી : હા, શુદ્ધાત્મા ભાવે જે જે બોલે તેનો વાંધો નથી. શુદ્ધાત્મા ભાવે તમે બોલો તેનો વાંધો નથી. પછી ગમે તે ગાવ તો ય વાંધો નથી. કારણ એ બધું નિકાલી બાબત છે.
પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા જ ગાય તો ?
દાદાશ્રી : શુદ્ધાત્મા તો ગાતો જ નથી. આ ટેપરેકર્ડ ગાય છે. શુદ્ધાત્મા ગરબા ગાય તો આ દુનિયા ઊંધી થઈ જાય. જગત મનની મસ્તીમાં છે. હેય મસ્તીમાં ! ‘હું શુદ્ધાત્મા છું' કહ્યું ત્યારથી આત્મામાં. હવે જે જે બોલે એ નિકાલી બાબત.
હવે જયાં સુધી આત્માનું સુખ ના હોય, તો માણસ શા આધારે જીવી શકે ? એટલે મનની મસ્તીની જરૂર છે. પણ મનની મસ્તી ચાખ્યા પછી મને બહુ જ ઝાવાદાવા કરે. એ મસ્તી ચાખ્યા પછી મન પાછું પજવે પણ ખરું. એટલે આપણે એ મનની જોડે, ક્યાં સુધી તાબેદાર રહેવું ? એ આપણને સુખ કરાવે અને આપણે એને અવલંબન તરીકે રાખીએ, એવું ક્યાં સુધી રહેવું ? એટલે આપણે સ્વતંત્ર થઈએ તો કામ ચાલે. પરવશતાથી સુખ હોય જ નહીં ને !
ધૂતી એટલે તાદુરસ્ત મત ! ધૂનીનું મન સ્ટેબીલાઈઝડ (સ્થિર) હોય નહીં. ધૂની માણસનું તો ઠેકાણું જ ના હોય. એકમાં ને એકમાં જ, એક બાજુ જ ધૂન હોય.
ધૂનીને જ્યાં સુધી માર્ગ મળે નહીં ત્યાં સુધી એની શક્તિ વેડફાઈ જાય. ધૂની એટલે શું ? નાદુરસ્ત મન. જગત આખાનું નાદુરસ્ત છે. પણ નાદુરસ્ત કહેવાય નહીં. જ્યારે ધૂનીનું તો મન જ બગડેલું છે, એટલે નાદુરસ્ત મન. અહીં સત્સંગમાં આવતા થયા એટલે કંઈક સુધયું, દુરસ્ત ભણી જઈ રહ્યું છે અને પછી તંદુરસ્ત થાય મન. હવે એનું મન તંદુરસ્ત થશે. અને પછી જ્ઞાન લે તો તો ઓર જ પ્રકારનું મન થાય, એની વાત જ શું પછી !
મનોરંજન કે આત્મરંજન ? બે પ્રકારનાં રંજન : એક મનોરંજન અને એક આત્મરંજન. જગતે આત્મરંજન ચાખ્યું જ નથી. બધું મનોરંજન ચાખ ચાખ કર્યુ છે. જ્યાં જુઓ ત્યાં મનોરંજન, મનોરંજન ! મનોરંજન બે પ્રકારનાં. એક અધોગતિમાં લઈ જાય એવાં, આ સીનેમા અને એ બધા કુસંસ્કારો. અને સારા સંસ્કારવાળાં મનોરંજન હોય, તે ધર્મની વાતો થતી હોય કે ધ્યાનની વાતો થતી હોય, એ જરા ઊંચી ગતિમાં લઈ જનારાં, સારા સંસ્કારવાળાં, પણ એ મનોરંજન કહેવાય. મનોરંજનથી મન ખુશ થાય પણ અંતરશાંતિ કોઈ દહાડો થાય નહીં, આત્મરંજન ક્યારેય પણ થાય નહીં. આત્મરંજન જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી આકુળતા-વ્યાકુળતા જાય નહીં. મનોરંજનથી આકુળતા-વ્યાકુળતા કંઈ જાય નહીં. એ તો જરાક આકુળ ને વ્યાકુળ રહ્યા કરે. માછલાને પાણી બહાર નાખેલું હોય ને, તો તરફડ્યા કરે, એવો તરફડાટ તરફડાટ જીવમાત્રને મહીં થઈ રહ્યો હોય, આખો દહાડો. નાનું બાળક હોય તેય તરફડ્યા કરે.
અહીં આગળ રિયલની વસ્તુ છે એટલે આત્મરંજન થાય. બીજે બધે મનોરંજન થાય, પછી જયાં જાય ત્યાં મનોરંજન થાય. મનોરંજન એટલે શું, ત્યાં આગળ ખુશ ખુશ ખુશ થાય. આમ કૂદાકૂદ કરે, જેમ પાણી ઉકળતું હોય તેમ, અને પાછો નીચે ઉતરે ત્યારે હતો તેવો ને તેવો જ. અહીં તો બધું ચેન્જ મારી દે. આખો પલટો જ ખાઈ જાય ! માણસનો પલટો જ ખાઈ જાય.