________________
મનનું ઓપરેશન કરી કાઢી નાખવું છે ? મન કાઢી લે પછી રહ્યું શું ? એબ્સન્ટ માઈન્ડેડ થઈ જવાય પછી તો ? માટે મનનું ઓપરેશન ના કરાય. વિચારો બંધ થઈ જાય. એટલે મન ભાંગી પડ્યું કહેવાય. ગાંડાનેય ગાંડુ મન હોય. પણ મનને મારેલાનું તો ‘એબ્લેટ માઈન્ડ'વાળું જીવન. બીજા શબ્દોમાં તડબૂચા જેવો, એક્સપ્રેશનલેસ ચહેરો.
મનનો નાશ નથી કરવાનો, મનને જુદું રાખવાનું છે. મનમાં તન્મયાકારપણું એ સંસાર. મન ‘જોવું ને જાણવું એ મુક્તિ.
મનના વિકારોનો નાશ કરવો છે? એ નાશ કરનારો કોણ ? અહંકાર. પાછો અહંકાર ઊભો કરવો છે ? વિકારોને નાશ કરવાની જરૂર નથી. વિકારોથી ‘તમે” જુદા રહો તો જ તે નાશ થાય. જ્ઞાન ના હોય તોય વિકારોથી જુદા રહે તો તેનો નાશ થાય.
લોકો અધર્મને વિકાર ને ધર્મને નિર્વિકાર કહે છે. જ્ઞાની ધર્મઅધર્મ બન્નેને વિકારો કહે છે. અહંકારથી જે જે થાય છે તે વિકારો જ છે બધા. અહંકાર છે ત્યાં સુધી હું શરીર, હું મન’ કહેશે.
(૨.૫) વિચરે તો વિચાર ! મનની મહીં જે સૂક્ષ્મ સ્થાન છે, એમાંથી પરમાણુઓ ઊડે છે, એક્ઝોસ્ટ થયા કરે છે, જેમ કોડવર્ડ હોય તેમ. એને એનો જાણકાર જ વાંચી શકે. તેમ આને બુદ્ધિ વાંચી શકે ખરી, પણ અહંકાર એ પરમાણુઓમાં વિચરે તો એને વિચાર કહેવાય. આત્મજ્ઞાનીમાં અહંકાર ના હોય. તેથી તે વિચરે નહીં. એટલે એ વિચાર ના હોય, એટલે નિર્વિચાર દશા એમને કહેવાય. વિચરે એટલે તન્મયાકાર થાય તે. જ્ઞાતા-દ્રષ્ટા રહે તો વિચરાય નહીં. ને મનના પરમાણુઓ જે ઊડે છે, જેને અધ્યવસાન કહેવાય છે, તે એક્ઝોસ્ટ થઈ ખલાસ થાય છે ને કર્મ બંધાતું નથી.
મોક્ષે જતાં નથી નડતું મન કે કશું. નડે છે માત્ર સ્વરૂપની અજ્ઞાનતા. સ્વરૂપનું ભાન થાય ત્યારે જ મન જુદું વર્તાય.
મહીં જાત જાતનાં ‘ક’, કરાવનારા છે. લોભક, હિંસક, ભાવક,
ક્રોધક... જ્ઞાનીમાં ‘ક’ ના હોય, એક્ઝોસ્ટ થઈ ગયા હોય.
મનની અંદર તન્મયાકાર થાય કોણ ? મૂળ આત્મા તન્મયાકાર થાય જ નહીં. તન્મયાકાર થાય છે તે અહંકાર. અહંકાર મૂળ આત્માનો પ્રતિનિધિ છે, એ તન્મયાકાર થાય છે. અહંકાર મનનાં પરમાણુઓમાં ફૂટે છે, તેમાં વિચરે ત્યારે યોનિમાં બીજ પડે ને બંધાય આવતા ભવનું કર્મ !
કંઈ પણ વિચાર કરવો, એ છે પુદ્ગલ અવસ્થા, ‘કર વિચાર તો પામ’ એમ કૃપાળુદેવે કહ્યું. આત્મા પામવા માત્ર આત્માસંબંધી જ વિચાર, કરવાનો. વિચારેલો આત્મા એ આવરણવાળો અને નિર્વિચાર આત્મા એ જ શુદ્ધાત્મા. અક્રમ જ્ઞાની પાસે મહાત્માઓનો નિરાવરણી, નિર્વિચાર આત્મા પ્રાપ્ત થાય ! પછી ‘કર વિચાર તો પામ’ રહેતું નથી.
ક્રમિક માર્ગમાં અહંકાર વિચર વિચર કરે, મનના પરમાણુઓ છે તેમાં. એટલે મહીં કંઇ સમજાય, પણ અહંકાર છે માટે કર્મ બંધાય. ક્રમિક માર્ગમાં કર્મબંધ તો ઠેઠ સુધી પડવાના, સમકિત થયા પછી પણ. તેથી ક્રમિક માર્ગમાં ઠેઠ સુધી અહંકારની જરૂર રહે.
ધીમે ધીમે અહંકાર શુદ્ધ થતાં, સંપૂર્ણ નિર્મળ અહંકાર થતાં, એક પણ પરમાણુ સંસારનું ન રહે, ત્યારે શુદ્ધ અહંકાર, શુદ્ધાત્મામાં એકાકાર થાય ને ‘હું ‘હું'માં સ્થિત થઈ જાય !
વિચાર કરીને કેવળજ્ઞાન પમાય ? વિચાર છે જડ પ્રવૃતિ. એનાથી કેવળજ્ઞાન તો શું પણ સમકિતય આ રીતે ના થાય. સ્વચ્છંદી વિચારોથી સમકિત ના થાય. જ્ઞાની પાસેથી વિચાર પામીને જ થાય.
દાદાશ્રી કહે છે, “આ જગતમાં એવી કોઈ વસ્તુ નથી, આ જગતમાં કોઈ એવું પરમાણુ નથી કે મેં એનો વિચાર ના કર્યો હોય ! તે વિચારથી ઊડાડી મેલ્યું બધું.
હિતાહિતનો વિચાર કરતાં કરતાં, વિચાર દશા એકદમ વધી જાય પછી જ્ઞાનાક્ષેપકવંત થાય, એટલે કે વિચારદશામાં વિક્ષેપ જ ન પડે ને સંસાર છૂટતો જાય, હેજે.