________________
ગ્રંથિભેદન થકી નિગ્રંથદશા !
૧૬૭
૧૬૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : બહારનો એવિડન્સ મળવો જોઈએ.
પ્રશ્નકર્તા : સંયોગિક પુરાવાના આધારે જ, એના સંસ્કાર, એના ભાઈબંધ, બધું સાથે જ મળે ને ?
દાદાશ્રી : હા, એના આધારે જ એ ગાંઠ ફૂટે. નહીં તો ત્યાં સુધી ફૂટે નહીં.
પ્રશ્નકર્તા : એ વિચારોને ઝીલવા માટે દોરનાર કોણ ? દાદાશ્રી : એ તો બધું કુદરતી જ છે.
પ્રશ્નકર્તા : તો આ વિચારોની ગડમથલ કન્ટીન્યુઅસ (સતત) થયા કરે છે, તો એને અટકાવવું કેમ ?
દાદાશ્રી : ના, એને અટકાવવાનું ના હોય. એ તો એવું છે ને, આ વિચારો એ ગાંઠોના આધીન છે. હવે ખેતરમાં વાડો હોય છે ત્યાં આગળ કડવી ગીલોડીઓ હોય ને ? તે ઉનાળામાં ના દેખાય. જેઠ મહિનામાં ના દેખાય, ત્યારે આપણે કહીએ કે ‘તારી વાડ ચોખ્ખી છે, કંઈ વેલા-બેલા નથી.’ ત્યારે કહે, ‘ના બા, મારી વાડ બિલકુલ ચોખ્ખી. વેલાય નથી ને વેલી ય નથી.” ત્યારે આપણે કહીએ, પંદરમી જૂને વરસાદ પડે ને, પછી પંદર દહાડા પછી જોઈ આવજે. તે ગાંઠ હશે ત્યાંથી ફૂટીને નીકળી જશે. અને તે પછી આવડો છોડવો થઈને ઊભો રહે. અલ્યા, અહીં કેમ ઊગી ? ને અહીં કેમ ના ઊગી ? ત્યારે કહે, મહીં ગાંઠ છે અને જેની ગાંઠ છે તેનો વેલો ઊગે. હા, કડવી ગીલોડીનો હશે તો એને એ જ અને મીઠી હશે તો મીઠીનો. ત્યારે કહે, એ સાબિત શી રીતે કરવું કડવી કે મીઠી ? એની વેલ બેઠા પછી સાબિત કરજે. પણ આ ગાંઠ છે એ વાત નક્કી.
અને તે આ બધી ગાંઠો, એવી મહીં ગાંઠો હોય છે. તે મહીં ગાંઠો અને આને જેમ જમીન તો છે, બીજા બધા સંયોગો પુરાવા તૈયાર છે, વરસાદનો સંયોગ આવ્યો કે તરત ગાંઠમાંથી વેલ ફૂટી નીકળે. સંયોગ મળ્યો કે ફૂટે મહીંથી !
એ બધી મનની ગાંઠો ફૂટે છે. એ ગાંઠો તે કો'કને વિષયની ગાંઠો ફૂટતી હોય. વિષયની આવડી મોટી ગાંઠો હોય તો આખો દહાડો વિષયના વિચાર આવે. કોઈને માંસાહાર ખાવાની ગાંઠ બહુ મોટી હોય, તો એ જ વિચાર આવ્યા કરે. અને કો'કને છે તે લોભની ગાંઠો હોય ત્યારે છે તે ધંધાના વિચાર આવ્યા કરે, પૈસાના જ વિચાર આવે. અને જેવી જેવી ગાંઠ છે ને, તેના તેના વિચાર આવે.
એટલે હવે તમે એક મહિના સુધી નોંધ કરો ગ્રાફ પેપર લઈને, કે વધારેમાં વધારે શેના વિચાર આવે છે, ને એક મહિના સુધી નોંધ કરતા જાવ. તો મહિના ઉપર સરવૈયું કાઢી શકાય કે વધારેમાં વધારે આખો દિવસ શેના વિચાર આવે છે. પછી એનાથી સેકન્ડ નંબરે શેના વિચાર આવે છે અને ત્રીજે નંબરે શેના વિચાર આવે છે; ચોથે નંબરે શેના વિચાર આવે છે. આવું ચાર-પાંચ મોટા મોટા વિચારવાળી ગાંઠો છે. બીજી બધી બિલકુલ નાની છે. હવે તમે એ એક મહિના સુધી કાઢો તો તમને પોતાને ખબર પડશે કે આ ચાર-પાંચ મોટી ગાંઠો છે. એ ગાંઠો પછી તમે મને કહો કે દાદા, મારે શું કરવું ? તેનો હું તમને રસ્તો દેખાડું, ઉપાય બતાવું.
જેમ ગાંઠો મોટી થવાના ઉપાય છે તેમ ગાંઠો નાની થવાના પણ ઉપાય છે. એટલે ગાંઠ ઉપરથી સમજી ગયા ને, મનનો સ્વભાવ આ. બસ તમારું મનનું આખું સ્વરૂપ આવી ગયું ! આ મનની ઓળખાણ આપું છું. આ તો ટૂંકામાં આપું છું. આજ સુધી મનનું સાયન્સ બહાર નથી પડ્યું.
હવે પછી એમાં આખા દિવસનો ગ્રાફ કાઢવો કે વધારેમાં વધારે શેની પર ભમ્યા કરે છે. શેની ગાંઠ ઉપર ? પૈસાના, લોભ સંબંધની ગાંઠ ઉપર કે વિષયની ગાંઠ ઉપર કે માનની ગાંઠ ઉપર ? તો તપાસ કરવી. તે બે-ચાર મોટી ગાંઠો દેખાશે. એ ગાંઠો પરથી છેદવાનો ઉપાય હું તમને બતાવીશ. છેવટે ગ્રંથિઓ છૂટવા માટે આ બધા રસ્તા છે. અને જો ગ્રંથિઓ કોઈ પણ હિસાબે જ્ઞાની પાસેથી છૂટતી હોય તો પછી બધું આવી ગયું.