________________
૧૫૭
૧૫૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
ગ્રંથિભેદન થકી નિગ્રંથદશા ! મેં કહ્યું, ‘હા, ગાંઠ. આ ફર્નિચર ગાંઠવાળું ચાલે ?” ત્યારે એ કહે, ‘ના ચાલે.' ત્યારે મેં કહ્યું, ‘આ ગંઠાળ લાકડાથી તો તમારું ફર્નિચરેય ના થાય.' ત્યારે એ પાંસરો થાય ! ગ્રંથિ, ગ્રંથિ કહે એટલે પેલાને સમજાય નહિ. એ ગાંઠો છે બધી. પછી ફૂટે પાછી. પાણી પીવે તે વધતી જાય મહીં, ભોંયમાં ને ભોંયમાં ! એને ગ્રંથિ કહે છે આ લોકો. આપણે ગાંઠ શાથી કહીએ છીએ કે ગાંઠ કહેશો તો સમજશે. નહીં તો ગ્રંથિ તો સમજવાનાં જ નથી. સો વર્ષ સુધીય ગ્રંથિ ના સમજે.
પ્રશ્નકર્તા: આ ‘ગ્રંથિ’ એ જૈનનો શબ્દ છે ?
દાદાશ્રી : એ તો વેદાંતનો શબ્દ છે અને જૈનનોય શબ્દ છે. ગ્રંથિ એ સંસ્કૃત શબ્દ છે. પણ આપણે એને ગાંઠ કહીએને, ત્યારે આ લોકો જાડી ભાષામાં સમજે, વાણિયા હઉ, નહીં તો વાણિયા ય ગ્રંથિ સમજતા નથી. ગ્રંથિ કોઈ ચીજ હશે, કહેશે. અને આ નિગ્રંથ થઈ ગયા એટલે એમનામાંથી એ ગ્રંથિ બધી જતી રહી, કહે.
પ્રશ્નકર્તા : ગ્રંથિ છેદી કહે છે ને ?
દાદાશ્રી : ગ્રંથિ છેદી. હવે એટલે એ જાણે કે આ શું હશે ? છેદવાનું કશું હશે ? એના માટે આ બ્લેડો લઈ જતાં હશે, રેઝરની બ્લેડો ! ગ્રંથિ છેદી, કહેશે. એટલે મેં ગાંઠ કહ્યું તો સમજો હવે. આખું મન ગાંઠોથી બનેલું છે. અને એ ગાંઠો જો છેદાઈ જાય, બધી ઊડી જાય તો મન ખલાસ થઈ જાય, બસ ! હવે એ ખલાસ ક્યારે થાય ? નવી ગાંઠો પડે નહીં ત્યારે.
ગ્રંથિઓને આપણે ગુજરાતીમાં ગાંઠો કહીએ છીએ. એવી ગ્રંથિઓ મહીં પડેલી છે, તે એ ગ્રંથિ છૂટી જાય અને સંવર રહે તો ફરી બીજી અંદર નવી ગ્રંથિ પડે નહીં અને તો જ નિગ્રંથ થાય. આ સાધુઓ નિગ્રંથ ના કહેવાય. એમને ગાંઠો બધી હોય, આંતરિક ગ્રંથિઓ અને બાહ્ય ગ્રંથિઓ. એમાં આ સાધુ-આચાર્યોને બાહ્ય ગ્રંથિ ઓછી હોય ને આંતરિક ગ્રંથિ બહુ હોય ! ક્રોધ, માન, માયા, લોભ હોય ત્યારે બહુ ગ્રંથિઓ હોય.
એ તો આપણે બધા ત્યાં જઈએ. આપણે પહેલું એમનું સ્વીકાર કરીએ ત્યાર પછી આપણું ઘૂસાડાય. આમને તો ઓગાળવા બહુ મુશ્કેલ છે. એવી ગાંઠો, તે જ અજાયબી ગાંઠો, કહેવાય પાછા નિગ્રંથ ને ગાંઠ ઓગળે નહીં એવી ! લોકો લૌકિકમાં તો નિગ્રંથ જ કહે એમને ! એ હઉ કહે, અમે નિગ્રંથ છીએ. ઓહોહો, જાણે બાહ્ય ગ્રંથિઓ નહીં, આંતર ગ્રંથિઓ. આ બહાર કેટલી બધી ગાંઠો અને અંદર કેટલી બધી ગાંઠો ! સંસારીઓ કરતાં વધારે ગાંઠો. સંસારીઓને તો કેટલી ગાંઠો રહે ? આ ખાંડ મળે નહીં, તેલ મળે નહીં, તે ગાંઠો હતી, તે આ આમ હવે દોડધામમાં જતી રહી. ગાંઠો હતી તે ય ઓગળી ગઈ દોડધામમાં. ઇન્કમટેક્ષવાળો હોય તે ગાંઠ ઓગાળી નાખે, સેલ્સટેક્ષવાળો ગાંઠો ઓગાળી નાખે અને સાધુ મહારાજને તો કોઈ ઓગાળે જ નહીંને ! આ સાધુ મહારાજની ગાંઠો ઓગાળનાર કોઈ નથી. ઉપરથી ભગવાન પણ પૂછનાર નથી એમને !
આ મન તો હજુ બહુ મોટી સમજવા જેવી વસ્તુ છે. આખું વર્લ્ડ મનથી ગૂંચાયેલું છે. આ ઉપરથી તમને સમજાયું ને કે તમને સિનેમાની ગાંઠ હોય તો જ એ વિચાર આવશે, નહીં તો તમને સો રૂપિયા આપશે તો ય તમે નહીં જાઓ ને બીજા તો ક્યુમાં ઊભા રહીને ટિકિટ ખરીદીને સિનેમામાં જશે. કારણ કે મહીં ગાંઠ છે એને. એટલે ગાંઠ એણે નાશ કરી નથી. ગાંઠ નાશ કરવા માટે ઉપાય જાણતો નથી. મહીં કેટલાક ફેરા ખરાબ વિચાર પણ આવે છે ને ? એ ગાંઠ છે. જે ગાંઠ છે એના વિચાર આવે છે. ગાંઠ ના હોય તો વિચાર આવે નહીં. આના પરથી તમે મન સારી રીતે સમજી ગયાં ને ?
જેમ ગોળની પાસે માખીઓ ! પા-પા કલાક, અરધોઅરધો કલાક ભમ્યા કરે એ ગાંઠ કહેવાય, ગ્રંથિ કહેવાય.
પ્રશ્નકર્તા: તો પછી એનો અર્થ એવો થયો કે ધર્મને અર્થે ભમ્યા કરતું હોય એ ગ્રંથિ ના કહેવાય. એવું થયું ને ?