________________
ગ્રંથિભેદન થકી નિગ્રંથદશા !
૧૫૫
૧૫૬
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
એમની ગાંઠોના વિચાર આવે. આમને આમની ગાંઠોના વિચાર આવે. દરેક ગ્રંથિ જુદી જુદી હોય. એ ગ્રંથિ અમારામાં ખલાસ થઈ ગયેલી હોય. અમને કોઈ ગ્રંથિ ના હોય. એટલે અમે નિગ્રંથ કહેવાઈએ.
વધારે વિચાર, તેની ગાંઠ મોટી !
હવે તમારા મનમાં માંસાહારની ગ્રંથિ જ નથી, ગાંઠ જ નથી. અને પેલાંના મનમાં માંસાહારની ગાંઠ છે. જયારે તમારા મનમાં બીજી ગાંઠો પડેલી હોય. સમજમાં આવે છે ને ?
જેની જે ગાંઠ હોય તે ગાંઠ, હંમેશાં એના સંયોગી પુરાવા, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ (વૈજ્ઞાનિક સંયોગી પુરાવાઓ) ભેગાં થાય ત્યારે એ ગાંઠ ફૂટે. રાતે બે વાગ્યે પણ ફુટે. જો સંયોગ ભેગો થાય તો એ ફૂટે. એટલે તમને દેખાય કે તમે ગભરાઓ કે આ મને મહીં વિચાર કેમ આવ્યા ? અલ્યા, મહીં ગાંઠ છે તે ફૂટે છે. ગાંઠ જ ના હોય તો ફૂટે જ કેવી રીતે ? તમને માંસાહારનો વિચાર જ નથી આવતો, એનું શું કારણ ? ગાંઠ છે નહીં. તમારું ડેવલપમેન્ટ થતું ગયું, તેમ તેમ તમે એ ગાંઠો છેદતાં છેદતાં આવ્યા છો. એને બિચારાને આ માંસાહારની ગાંઠ છે, ત્યારે તમારામાં બીજી લોભની ગાંઠો હોય. આમ લઉં ને તેમ લઉં. ત્યારે એનામાં એ લોભની ગાંઠો ના હોય. એટલે મન ગાંઠોનું બનેલું છે.
પ્રશ્નકર્તા : તો પછી અહીંયા ગ્રંથિનો અર્થ શું ?
દાદાશ્રી : ગ્રંથિ એટલે કોઈ માણસ બીડી પીતો હોય, તે એને બીડીનાં વિચાર આવે કે ના આવે ? એ ગ્રંથિ કહેવાય. અને ના પીતો હોય, તેને એ ગ્રંથિ ના હોય. તેને વિચાર ના આવે. જેને જે જાતના વિચાર હોય ને, તેને તે જાતની ગ્રંથિઓ હોય. તમને બીડી ના મળે તો કેટલો વખત એમાં મન ભમ્યા કરે ?
પ્રશ્નકર્તા : જ્યાં સુધી બીડી ના મળે ત્યાં સુધી. દાદાશ્રી : તો એ એવડી મોટી ગાંઠ. એટલે ગ્રંથિઓ એને આ
આત્મા પ્રાપ્ત થયો હોય તો ય આત્માનું ના કરવા દે, ગ્રંથિઓમાં જ રાખે.
પ્રશ્નકર્તા : પૂર્વગ્રંથ બંધાય છે તે અને ગ્રંથ એટલે પુસ્તકને પણ ગ્રંથ કહે છે. આ બે અર્થ થાય છે.
દાદાશ્રી : એવું છે ને, પૂર્વગ્રંથ ના હોય, પૂર્વગ્રહ હોય. આ ગ્રંથિ એ તો એક ગાંઠ છે. તે જેનાં વિચાર તમે કર્યા હોય ને, તેની ગાંઠ જામ્યા કરે. અત્યારે તમે જેના વિચાર કર્યા કરો તેની ગાંઠ થયા કરે અને એ ગાંઠ આવતે ભવ ફૂટે પાછી. એવા સંજોગ ભેગાં થાય, બીડી દેખે કે ફૂટે પછી. દારૂ દેખે કે ફૂટે. સ્ત્રી દેખે કે ફૂટે, એ ગાંઠો હોય. તે ગાંઠો ના હોય આ જ્ઞાની પુરુષને, એટલે એમને એવું કશું ભેગું થાય તોય કશો વિચાર ના આવે. નિર્વિચાર પદમાં રહે, તેથી નિગ્રંથ કહેવાય.
એટલે ‘ગ્રંથિઓ’ શબ્દ સાંભળેલો ને તમે ? એ ગ્રંથિઓ આ વિચાર મહીં પડી જાય છે. ગયા અવતારમાં સત્સંગમાં બેઠા હોય ત્યારે સત્સંગની ગ્રંથિ પડી જાય. કુસંગમાં પડ્યા હોય તો કુસંગની પડી જાય. રમી રમવા જાય ત્યાં ગ્રંથિ પડી જાય. અને ગ્રંથિ પડે તે બીજા અવતારમાં ફુટે પાછી. અને એ ગ્રંથિઓનું મન બનેલું છે. અને એ ગ્રંથિઓમાંથી જ ફૂટે છે. એટલે જેના વધારે વિચાર આવે તે જાણવું કે આ સૂરણ જેવડી ગાંઠ છે, આ રતાળુ જેવડી ગાંઠ છે, આ છે તે બટાકા જેવડી ગાંઠ છે, આ આદુ જેવડી ગાંઠ છે. એમ કરતાં કરતાં ઝીણી રાઈના દાણા જેવડીય ગાંઠો ખરી ! તે રાઈના દાણા જેવી ગાંઠો હોયને તો એક ફેરો કે બે ફેરો વિચાર આવીને પછી એનો નિકાલ થઈ જાય. એટલે આ ગાંઠો કઈ વધારે છે એ જોઈ લેવી અને પછી છેદવી. વિષયની ગાંઠ હોય, અહંકારની ગાંઠ હોય, અરે, ચોરીની ગાંઠ હોય. કરોડો રૂપિયાનો આસામી થયો હોય તોય પાંચ ડૉલર ચોરી લાવે તો એને ગમે. કારણ કે ગાંઠ પડેલી છે. ગાંઠ શું ના કરાવે ? હવે એ ગ્રંથિ કહેવાય. અત્યાર સુધી આ લોકોએ, આગળના આ શાસ્ત્રકારોએ એને ગ્રંથિ કહી. સત્પુરુષોએ ગ્રંથિ કહી. પણ મારા જેવો કોઈ પાટીદાર પાક્યો નહીં, ગાંઠ કહેનારો ! એક જણ મને કહે, ‘ગાંઠ કહેવાય?”