________________
આપ્તવાણી-૮
૧૫૧
૧૫૨
આપ્તવાણી-૮
આપણી જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી આ ડખો રહે. બુદ્ધિ ખલાસ થાય કે પછી અભેદતા લાગે. બુદ્ધિ શું કરે ? ભેદ પાડે. એટલે બુદ્ધિ ગયા પછી આ વાત સમજી જાય એવું છે.
આપ કહો છો એવું ઉપર એકીકરણ થઇ જવાનું હોત તો કોઈ મોક્ષે જાય જ નહીં ને ! જો એમ જ થવાનું હોય, એક દીવો જ થઈ જવાનો હોય, તો આપણને ત્યાં શું ફાયદો ? એનાં કરતાં અહીં વાઇફ ટૈડકાવશે, પણ ભજિયાં તો કરી આપશે. એ શું ખોટું ? એટલે ત્યાં એક થઇ જવાનું છે નહીં. ત્યાં કોઇ જાતનું દુ:ખ નથી. ત્યાં નિરંતર પરમાનંદમાં રહેવાનું છે. અને દરેક આત્મા સ્વતંત્ર છે પાછો. એક સ્વભાવનાં છે, પણ એ બધાં જુદાં. એટલે ત્યાં એક થઈ જતું હોય તો તો પછી અહીંના આત્માનું શું થાય ?
પ્રશ્નકર્તા : પણ ચેતન એક પ્રકારનું હોય તો એનું અસ્તિત્વ અલગ અલગ કેવી રીતે રહી શકે ?
દાદાશ્રી : અલગ જ રહે છે, એટલે એ એક કેવી રીતે થઇ શકે ? એક બની શકે જ નહીં ને !!! આ સોનાની લગડીઓ હોય તે બધી જુદી જુદી હોય, પણ કહેવાય બધું સોનું. એવું આ કહેવાય કે આત્મા એક છે. પણ આમ આ લગડીની જેમ બધા જુદા જુદા છે. એ બધામાં બીજો કોઇ ફેર નથી. આ તો આપણને બુદ્ધિથી ઊંધાં પાસાં દેખાય છે. બાકી ત્યાં સિદ્ધ સ્થિતિમાં બધા ય પોતપોતાનાં સુખમાં જ રહે છે !
ભેદબુદ્ધિવાળાને આ વાત સમજવામાં બહુ ભાંજગડ પડી જાય છે ! અનેક હોવા છતાં એક છે, એ વાત બહુ સમજવા જેવી છે ને બહુ ઝીણી વાત છે ! નહીં તો ત્યાં જો ભેગું થઈ જતું હોય, તો એમાં આપણને શું મળ્યું ? અને એવું મેં પણ નાનપણમાં સાંભળેલું કે દીવા જોડે દીવો એક થઈ જાય. ત્યારે એમાં મારું શું વળ્યું ? આપણને જે મોક્ષનું સુખ જોઇતું હોય, તે જો ભેગા થઇ જાય તો એમાં આપણને શું સુખ મળ્યું ? ભગવાન જોડે અભેદ થઈ ગયા તો એમાં આપણું શું રહ્યું ? અને બધા ભગવાન જ છે ને !! આ રામચંદ્રજી મોક્ષે ગયા તે મોક્ષનું સુખ અત્યારે એ પોતે ભોગવે છે. અને આપણે અહીં છીએ, તો આપણને અહીંની ઉપાધિ હોય, તે ભોગવવી પડે !
અને સંસારમાં ય બ્રહ્માંડમાં ય આત્મા એક નથી, અનંતા જીવો છે પણ છે બધા એક સ્વભાવના. એના જે ગુણધર્મો છે એમાં કોઈ દહાડો ય ફેર નથી.
વાત તો વૈજ્ઞાતિક જોઈશે તે ?! પ્રશ્નકર્તા : પણ મારું એવું માનવું છે કે પરમાત્મા તત્ત્વ સિવાય બીજું કંઈ જ નથી અને આપણે જેને આત્મા કહીએ છીએ તે બીજું કશું ય નહીં, પણ એ પરમાત્માનો આવિર્ભાવ છે.
દાદાશ્રી : તે માનવું, પણ જોડે જોડે દુઃખનું વેદન છે કે નહીં ? જો આત્મા એ પરમાત્માનો આવિર્ભાવ છે, તો પછી તમને દુ:ખનો અનુભવ છે ખરો ?
પ્રશ્નકર્તા : હા, દુઃખનો અનુભવ છે !
દાદાશ્રી : દુઃખનો અનુભવ થાય છે, તો પછી એકથી સો સુધીનાં બધા આંક માનવા પડશે. અને દુ:ખનો અનુભવ ના હોય તો પછી નહીં માનો તો ચાલશે. નહીં તો એકથી સો સુધીનાં બધાં આંક માનવા પડશે, પીસ્તાળીસ પછી છેતાળીસ આવવા જોઇએ અને છેતાળીસ પછી સુડતાળીસ આવવા જોઇએ. બધું પદ્ધતિસરનું જોઇશે. એમ ગપ્પા ઠોકાઠોક ચાલે નહીં. બીજા બધામાં ચાલે, પણ વિજ્ઞાનમાં સહેજ પણ ગમ્યું ના ચાલે !
પ્રશ્નકર્તા : તો એનો અર્થ એ થયો કે આત્મા એ પરમાત્માથી વિભક્ત થઈ અલગ એક તત્ત્વ છે ?
દાદાશ્રી : વિભક્ત નહીં, આત્મા એ જ પરમાત્મા છે અને જીવાત્મા એ જ પરમાત્મા છે. ફક્ત સમજણનો ફેર છે. એ જ્યારે ઘેર હોય ત્યારે લોક કહેશે કે “આ બાઈના આ તો ધણી છે.’ અને દુકાને જાય ત્યારે કહે, ‘આ શેઠ છે.” કોર્ટમાં જાય ત્યારે કહે, ‘આ વકીલ છે.” પણ પોતે એનો એ જ છે. એટલે એનો એ જ જીવાત્મા, એનો એ જ અંતરાત્મા અને એનો એ જ પરમાત્મા છે ! અને એ જે કામ કરી રહ્યા છે એ કામના આધારે એને વિશેષણો છે !