________________
આપ્તવાણી-૮
૧૨૭
૧૨૮
આપ્તવાણી-૮
દાદાશ્રી : સ્ફોટ થઈ ગયેલો છે. શબ્દનો સ્ફોટ એને થઇ ગયેલો જ હોય. જો સાચું હોય, જો અનુભવ કરાવનારો હોય તો શબ્દનો સ્ફોટ થયેલો જ હોય. બાકી, જે શબ્દ અનુભવ ના કરાવે એ શબ્દ બધા ખોટાં. અને શબ્દ ય ના હોય એ છેલ્લી વાત, નિરાલંબ ! નિરાલંબ, ત્યાં શબ્દ પણ ના હોય. પણ શબ્દ સ્વરૂપ પ્રાપ્ત થયા પછી માણસ નિરાલંબ થાય !
અહો ! અહો !! તે દ્રષ્ટિએ !!! પ્રશ્નકર્તા : બ્રહ્મમય સ્થિતિ થઈ જાય એટલે બધાં એક દેખાય. સ્ત્રી એ સ્ત્રી ન દેખાય, પુરુષ એ પુરુષ ન દેખાય, બધાં બ્રહ્મ સ્વરુપ દેખાય.
દાદાશ્રી : બધું શુદ્ધ જ દેખાય. અમને કેવું દેખાય છે, એ તમને કહું. અમારી જાગૃતિ કેવી હોય ? સંપૂર્ણ જાગૃતિ ! આ લોકોની જાગૃતિ કેવી છે ? એ તો બેભાનપણામાં આવું બધું કર્યા કરે છે કે, ‘હું આ બાઈનો ધણી છું, હું આનો સસરો થઉં, હું આનો મામો થાઉં, હું આ શેઠનો નોકર છું. એવું નથી બોલતાં ? આ બધું ભ્રમિતનાં લક્ષણ છે. પોતાની સત્તા અને પોતાનું ભાન નથી !
અમને તો બધું બ્રહ્મમય દેખાય. અમારી જાગૃતિ કેવી હોય કે અમને આ સ્ત્રી-પુરુષો પહેલાં ‘વિઝને' શું દેખાય ? કપડું પહેરેલું ના દેખાય, બધાં નાગા દેખાય. પછી બીજા ‘વિઝને’ આ ચામડી ઉતારી નાખેલી હોય, એવું દેખાય. પછી ત્રીજું ‘વિઝને’ અમને શું દેખાય ? અંદર આંતરડાને એ બધું. એકઝેક્ટ,’ એટલે આમ ‘એક્સરે’ જેવું દેખાય. એટલે અમને આમાં રાગ-દ્વેષ કશું થાય નહિ, અને છેલ્લે બ્રહ્મસ્વરૂપ બધામાં દેખાયા કરે !
પ્રશ્નકર્તા અહંકાર અને અહમ્ બ્રહ્માસ્મિ એ બેનો ફરક શું ?
દાદાશ્રી : અહમ્ બ્રહ્માસ્મિ, એ પોતાની જાતનો અહમ્ કરે છે. અને અહંકાર, એ જયાં પોતે નથી ત્યાં આરોપણ કરે છે તે.
સ્વ-સ્વરૂપ સધાય જ્ઞાતી સાન્નિધ્યે ! પ્રશ્નકર્તા : સ્વ સ્વરૂપમાં અંતરવૃત્તિ થાય, એવું કંઈક જોઈએ છે.
દાદાશ્રી : સ્વરૂપને જાણો છો, શેને કહેવાય ? પ્રશ્નકર્તા : સાક્ષીભાવને. દાદાશ્રી: સાક્ષીભાવ, પણ તે કેવો છે ? પ્રશ્નકર્તા : એના પ્રકાશમાં બધું થયા કરે.
દાદાશ્રી : પણ એને ઓળખવો પડે. આત્મજ્ઞાન થાય તો બ્રહ્મ ઓળખાય. નહિ તો બ્રહ્મ કેવી રીતે ઓળખાય ? આત્મજ્ઞાન થયું છે ?
પ્રશ્નકર્તા : એ મારી બુદ્ધિ બહારની વાત છે.
દાદાશ્રી : એટલે તમે સાક્ષીભાવની વાત કરો છો, પણ તે ‘જ્ઞાની પુરુષ’ની પાસે આવવાથી અહીં તમને સ્વ-સ્વરૂપ પ્રાપ્ત થઇ જાય.
દ્રષ્ટિફેરથી દશાફેર વર્તે ! પ્રશ્નકર્તા : આ આત્મા-પરમાત્મા, બ્રહ્મ-પરબ્રહ્મ એ બધાં એક જ શબ્દ છે કે પર્યાયવાચક શબ્દ છે ?
દાદાશ્રી : એ બધા પર્યાયવાચક શબ્દો છે. પર્યાય એટલે અવસ્થા. આત્મા અમુક અવસ્થામાં આત્મા ગણાય છે અને અમુક અવસ્થામાં એનો એ જ આત્મા પરમાત્મા ગણાય છે, અને એનો એ જ આત્મા અમુક અવસ્થામાં મૂઢાત્મા કહેવાય છે. મૂઢાત્મા એટલે બહિર્મુખી આત્મા, તે ય એનો એ જ આત્મા. અંતરાત્મા કહે છે, તે ય તેનો તે જ આત્મા. અને પરમાત્મા કહે છે, તે ય તેનો તે જ આત્મા ! એટલે આત્માની દશાફેર છે ફક્ત !
જેમ એક વકીલ હોય તે પહેલાં પૈસા કમાતો ના હોય, દશા વાંકી હોય ત્યારે લોક કહેશે કે, ‘વકીલ કશું કમાતો નથી, લુખ્ખો છે.” અને હવે એનો એ જ વકીલ પછી એકદમ કમાયો, કંઈક સારો યોગ જામ્યો ત્યારે પછી કહેશે, ‘વકીલ બહુ બુદ્ધિશાળી, શ્રીમંત માણસ છે.’ એ વકીલના પછી રૂપિયા ખલાસ થાય તો કહેશે કે ‘એ તો નાદાર છે.’ પણ વસ્તુસ્થિતિમાં ‘પોતે' તેનો તે જ છે !