________________
આપ્તવાણી-૮
જ્ઞાનતંતુ ના હોય તો ખબર જ ના પડે.
દાદાશ્રી : હા, જ્ઞાનતંતુ ના હોય તો પાછું ના ખબર પડે. પણ ખબર જેને પડે છે એ જીવ છે. અને જ્ઞાનતંતુ વચ્ચે તારનાં દોરડાં છે, એ તારનાં દોરડાં તૈયાર ના હોય તો જીવને ખબર જ ના પડે. પણ જેને ખબર પડે છે એ જીવ છે. આપને સમજાયું ને ?
હાલે છે-ચાલે છે, એ તો ‘મશીનરી’ હાલે-ચાલે છે. એ ગુણધર્મ ચેતનમાં નથી. ચેતનના ગુણધર્મ કયા કયા છે ? એને અનંત જ્ઞાનપ્રકાશ છે, અનંત દર્શનપ્રકાશ છે, અનંત શક્તિ છે, અનંત સુખનું ધામ છે !! સુખતો ગમો, પણ જીવને જ !!
હવે સુખ કોણ ખોળે છે ? દુઃખ ગમતું નથી, એ કોણ છે ? શાથી દુઃખ નથી ગમતું ? જો આ જીવ વગરનું ખોખું હોત ને, તો દુઃખ ને સુખ સરખું લાગે. એનું શું કારણ ? કંઈ વિચાર્યું છે એવું ! શું વિચાર્યું છે ?
કોઈ જીવને દુ:ખ ગમતું નથી એ વાત ચોક્કસ છે ને ? કોઈ પણ જીવને દુઃખ ગમે ખરું ? આ કીડીઓને તમે અહીં આગળ સાકરનો ગાંગડો નાખો તો ખુશ ખુશ થઈને દોડધામ કરીને લઈ જાય અને ત્યાં આગળ આમ કાંકરા નાખો તો ? નાસી જાય. એનું શું કારણ છે ? ગમે છે શું ? સુખ. એટલે જેને દુઃખ નથી ગમતું અને જે સુખ ખોળે છે, એ જીવ છે. હાલે છે, ચાલે છે એ જીવ હોય.
જ્યાં લાગણી હોય, ત્યાં ચેતત !
પછી જેને લાગણીઓ થાય છે, લાગણીઓ હોય છે કે નહિ ? એ જીવ છે. અને જીવ એ જ આત્મા છે અને એ જ ચેતન છે અને તે પરમાત્મા થઈ શકે છે ! ‘ફૂલ’, ‘પરફેક્ટ’ થાય ત્યારે ‘એ’ ‘પરમાત્મા’ થાય છે !!
આપને સમજાયું ને ? કે જ્યાં કંઈ પણ લાગણી ધરાવે છે ત્યાં આગળ આત્મા છે, ચેતન છે એમ નક્કી થયું. એટલે લાગણીઓ ધરાવતું હોય ત્યાં આપણે જાણવું કે અહીં ચેતન છે અને લાગણી ધરાવે નહિ ત્યાં ચેતન નથી, ત્યાં અનાત્મા છે. આ ઝાડ-પાન પણ લાગણીઓ ધરાવે છે.
૧૦
આપ્તવાણી-૮
પ્રશ્નકર્તા : ઝાડ તો એકેન્દ્રિય છે.
દાદાશ્રી : એકેન્દ્રિય એટલે એને સ્પર્શની ઇન્દ્રિયની લાગણીઓ છે, એ સ્પર્શેન્દ્રિયની લાગણીઓ વ્યક્ત કરે છે. આ જીવમાત્ર લાગણીઓવાળા છે. જેને લાગણીઓ ઉત્પન્ન થાય છે ત્યાં આગળ આત્મા છે, એવું નક્કી થયું. જેને લાગણી ઉત્પન્ન થાય એ જ આત્મા છે એવું નહીં, પણ જ્યાં લાગણી ઉત્પન્ન થાય છે ત્યાં આત્મા છે ! અને જ્યાં લાગણી ઉત્પન્ન થતી નથી ત્યાં આત્મા નથી.
...પણ જેતે લાગણી થાય, તે પુદ્ગલ !
હવે આત્મા શું છે ? ત્યાં આગળ એને લાગણી કે કશું નથી. આત્મા તો ખાલી પ્રકાશસ્વરૂપ છે ! પણ જ્યાં લાગણીઓ છે તે ઉપરથી આપણે ખોળી કાઢીએ કે અહીં આત્મા છે.
પ્રશ્નકર્તા : એટલે જેના આધારે લાગણી ઉત્પન્ન થાય છે તે ચેતન છે કે લાગણી ઉત્પન્ન થવી એ જગ્યાએ ચેતન છે ?
દાદાશ્રી : જેના આધારે લાગણી ઉત્પન્ન થાય છે તે ચેતન છે, એવું એનો આધાર કહીએ તો પાછું નવો વાંક ઊભો થાય એટલે ચેતનની હાજરીથી આ લાગણી ઉત્પન્ન થાય છે ! એટલે લાગણી ઉત્પન્ન થાય છે ત્યાં ચેતન છે.
પ્રશ્નકર્તા : એ લાગણી ઉત્પન્ન થઈ અને જે અભિવ્યક્ત થયું, તે ચેતન અભિવ્યક્ત નથી થયું ને ?
દાદાશ્રી : એ અભિવ્યક્ત ય બધું પુદ્ગલ થાય છે, પણ લાગણી ઉત્પન્ન થાય છે ત્યાં ચેતન છે માટે આ લાગણી ઉત્પન્ન થાય છે, પીડા ઉત્પન્ન થાય છે. એટલે ચેતન અને જડનું વિભાજન કરવું હોય તો, આ ‘ટેપરેકર્ડ’માં લાગણી ઉત્પન્ન થતી નથી, માટે તેમાં ચેતન નથી.
તિરંતર ‘જાણવું', એ ચૈતન્ય સ્વભાવ !
પ્રશ્નકર્તા : એટલે ચેતન અને મેટરમાં ફરક ખરો ?