________________
અહિંસા
૩૫
અહિંસા
દાદાશ્રી : હજુ છે બીજા. પછી માંસાહાર, ઇંડાં કોઈ દહાડો નહીં ખાવા. પછી બટાકા છે, ડુંગળી છે, લસણ છે, આ ચીજ ના લેશો. નાછૂટકે ય ના લેવાં. કારણ કે એ ડુંગળી-લસણ હિંસક છે, માણસને ક્રોધી બનાવે છે અને ક્રોધ થાય એટલે સામાને દુઃખ થાય. બીજા તમારે જે શાક ખાવા હોય તે ખાજો.
પહેલાં મોટા જીવો બચાવો ! હવે ભગવાન શું કહેવા માગે છે કે પહેલાં મનુષ્યોને સાચવો. હા, એ બાઉન્ડ્રી શીખો કે મનુષ્યોને તો મન-વચન-કાયાથી કિંચિત્માત્ર દુઃખ ના દેવું. પછી પંચેન્દ્રિય જીવો - ગાય, ભેંસ, મરઘા, બકરા એ બધાં જે છે, તેમની મનુષ્યો કરતાં થોડી ઘણી ઓછી પણ એમની કાળજી રાખવી. એમને દુઃખ ના થાય એવી કાળજી રાખવી. એટલે અહીં સુધી સાચવવાનું છે. મનુષ્ય સિવાયના પંચેન્દ્રિય જીવોને, પણ એ સેકન્ડરી સ્ટેજમાં. પછી ત્રીજા સ્ટેજમાં શું આવે ? બે ઇન્દ્રિયથી ઉપરનાં જીવોને સાચવવાનું.
આહારમાં ઊંચામાં ઊંચો આહાર કયો ? એકેન્દ્રિય જીવોનો ! બે ઇન્દ્રિયથી ઉપરના જીવોના આહારનો, જેને મોક્ષે જવું છે એને અધિકાર નથી. એટલે બે ઇન્દ્રિયથી વધારે ઇન્દ્રિયોવાળા જીવોની જવાબદારી આપણે ના કરવી જોઈએ. કારણ કે જેટલી એની ઇન્દ્રિય એટલા પ્રમાણમાં પુણ્યની જરૂર છે, એટલું માણસનું પુણ્ય વપરાઈ જાય ને !!
માણસને ખોરાક ખાધા વગર છૂટકો જ નથી અને એ જીવની ખોટ તો માણસને અવશ્ય જાય છે. આપણું જે ભોજન છે એ એકેન્દ્રિય જીવો જ છે. એમનું ભોજન આપણે કરીએ તો એ ભોજ્ય અને આપણે ભોક્તા છીએ ને ત્યાં સુધી જવાબદારી આવે છે. પણ ભગવાને આ છૂટ આપી છે. કારણ કે તમે મહાન સીલ્લકવાળા છો ને તમે એ જીવોનો નાશ કરો છો. પણ એ જીવ ખાઈએ છીએ, તેમાં એ જીવોને શું ફાયદો ? અને એ જીવોને ખાવાથી નાશ તો થાય છે જ. પણ એવું છે, આ ખોરાક ખાધો એટલે તમને દંડ પડે છે. પણ એ ખાઈને ય તમે નફો વધારે કમાવ છો. આખો દહાડો જીવ્યા અને ધર્મ કર્યો તો તમે સો કમાવ છો. એમાંથી દશનો દંડ એમને તમારે ચૂકવવો પડે છે. એટલે તેવું તમારી પાસે રહે
છે અને તમારી કમાણીમાંથી દશ એમને મળવાથી એમની ઊર્ધ્વગતિ થાય છે. માટે આ તો કુદરતના નિયમના આધારે જ ઊર્ધ્વગતિ થઈ રહી છે. એ એકેન્દ્રિયમાંથી બે ઇન્દ્રિયમાં આવી રહ્યા છે. એટલે આવી રીતે આ ક્રમે ક્રમે વધતું જ ચાલી રહ્યું છે. આ મનુષ્યોના લાભમાંથી એ જીવો લાભ ઊઠાવે છે. એમ હિસાબ બધો ચૂકતે થયા કરે છે. આ બધું સાયન્સ લોકોને સમજાય નહીં ને !
એટલે એકેન્દ્રિયમાં હાથ ના ઘાલશો. એકેન્દ્રિય જીવોમાં તમે હાથ ઘાલશો તો તમે ઈગોઈઝમવાળા છો, અહંકારી છો. એકેન્દ્રિય ત્રસ જીવો નથી. માટે એકેન્દ્રિય માટે તમે કશો વિકલ્પ કરશો નહીં. કારણ કે આ તો વ્યવહાર જ છે. ખાવું-પીવું પડશે, બધું કરવું પડશે.
બાકી, જગત બધું જીવડું જ છે. એકેન્દ્રિય જીવનું તો બધું આ જીવન જ છે. જીવ વગર તો આ દુનિયામાં કોઈ વસ્તુ જ નથી અને નિર્જીવ વસ્તુ ખવાય એવી નથી. એટલે જીવવાળી વસ્તુ જ ખાવી પડે, તેનાથી જ શરીરનું પોષણ રહે છે. અને એકેન્દ્રિય જીવ છે એટલે લોહી, પરુ, માંસ નથી એટલે એકેન્દ્રિય જીવો તમને ખાવાની છૂટ આપી છે. આમાં તો એટલી બધી ચિંતાઓ કરવા જાય, તે ક્યારે પાર આવે ? એ જીવની ચિંતા કરવાની જ નથી. ચિંતા કરવાની હતી તે રહી ગઈ અને ના કરવાની ચિંતા ઝાલી પડ્યા છે. આ ઝીણી હિંસાની તો ચિંતા કરવાની જરૂર જ નથી.
કયો આહાર ઉત્તમ ? પ્રશ્નકર્તા : ક્રમિક માર્ગમાં અમુક ખોરાક ખાવાના કેમ બંધ રાખ્યા ?
દાદાશ્રી : એવું છે, ખોરાકના પ્રકાર છે. તેમાં મનુષ્યને અત્યંત અહિતકારી ખોરાક, કે જેનાથી આગળ બીજું વધારે અહિતકારી ના હોય એવું છેલ્લામાં છેલ્લી પ્રકારનું અહિતકારી તે મનુષ્યનું માંસ ખાવું તે છે. હવે એનાથી સારું ક્યું ? જે જાનવરની ઔલાદ વધતી હોય તે જાનવરનું માંસ ખાવું તે સારું. એટલે આ મરઘા-બતકાં, એમની ઓલાદ બહુ વધે. આ ગાયો-ભેંસોની ઔલાદ ઓછી વધે. આ માછલાની ઔલાદ બહુ વધે. તો આ માંસ ખાવું સારું. એના કરતાં કોઈ કહેશે, ‘અમારે પ્રગતિ માંડવી છે.” તો આ માંસ ખાવું ય નુકસાનકારક છે. એની બદલે તું ઇડાં ખા.