________________
પંચસંગ્રહ-૧
દેવપ્રાયોગ્ય અઠ્ઠાવીસ પ્રકૃતિ બાંધે ત્યારે યશ વિના સત્તાવીસ પ્રકૃતિઓ વધતાં ત્રેપનના બંધે આઠમો, તે જ વખતે દેવપ્રાયોગ્ય અઠ્ઠાવીસના બદલે જિનનામ સહિત ઓગણત્રીસ, આહારકક્રિક સહિત ત્રીસ તેમજ જિનનામ તથા આહારકદ્વિક સહિત એકત્રીસ બાંધતા અનુક્રમે ચોપન, પંચાવન અને છપ્પનના બંધસ્વરૂપ નવમો, દશમો અને અગિયારમો ભૂયસ્કાર થાય. વળી આહારકદ્ધિક યુક્ત ત્રીસ પ્રકૃતિઓ સહિત પંચાવનનો બંધ કરનાર આઠમાના પહેલા ભાગે નિદ્રાદ્ધિક બાંધે ત્યારે સત્તાવનના બંધે અને પૂર્વોક્ત છપ્પનનો બંધ કરનાર નિદ્રાદ્વિક સહિત બાંધે ત્યારે અઠ્ઠાવનના બંધે અનુક્રમે બારમો અને તેરમો ભૂયસ્કાર થાય.
૭૩૬
પ્રમત્ત ગુણસ્થાને આહારકદ્ધિક વિના પૂર્વોક્ત છપ્પન અને દેવાયુ—એમ સત્તાવન બાંધતો અપ્રમત્તે આવી આહારકક્રિકનો બંધ કરે ત્યારે ઓગણસાઠ પ્રકૃતિ બાંધતાં ચૌદમો ભૂયસ્કાર થાય. ત્યાંથી પડતો દેશવિરતિએ આવી દેવાયુ તથા આહારકદ્વિક વિના પૂર્વોક્ત છપ્પન તથા પ્રત્યાખ્યાનાવરણીય ચાર કષાય—એમ સાઠ અને દેવાયુ સહિત તે એકસઠ પ્રકૃતિ બાંધે ત્યારે અનુક્રમે પંદરમો તથા સોળમો ભૂયસ્કાર, ત્યાંથી અવિરતિ ગુણસ્થાને આવી જિનનામ તથા દેવાયુ વિના ઓગણસાઠ અને અપ્રત્યાખ્યાનીય ચાર—એમ ત્રેસઠ તેમજ જિનનામ સહિત ચોસઠ બાંધે ત્યારે અનુક્રમે સત્તરમો તથા અઢારમો ભૂયસ્કાર થાય. તે જ આત્મા મનુષ્યમાંથી દેવ અથવા નરકમાં જઈ જિનનામ સહિત દેવપ્રાયોગ્ય ઓગણત્રીસના બદલે જિનનામયુક્ત મનુષ્યપ્રાયોગ્ય ત્રીસ સહિત પાંસઠ બાંધે ત્યારે ઓગણીસમો અને તે જ મનુષ્યાયુ સહિત છાસઠ બાંધે ત્યારે વીસમો ભૂયસ્કાર થાય.
મિથ્યાત્વ ગુણસ્થાનકે જ્ઞાના પ, દર્શના ૯, વેદનીય ૧, મોહ ૨૨, અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય નામકર્મની ૨૩, ગોત્ર ૧ અને અંત ૫ એમ છાસઠ બાંધતો તિર્યંચાયુ સહિત સડસઠ બાંધે ત્યારે પ્રથમ સમયે એકવીસમો, તિર્યંચાયુ વિના નામકર્મની ત્રેવીસને બદલે પચીસ તથા છવ્વીસ બાંધે ત્યારે અડસઠ અને અગણ્યોસિત્તેરના બંધે અનુક્રમે બાવીસમો તેમજ ત્રેવીસમો અને તિર્યંચાયુ સહિત સિત્તેર બાંધે ત્યારે ચોવીસમો ભૂયસ્કાર થાય.
તિર્યંચાયુ વિના એકેન્દ્રિય પ્રાયોગ્ય છવ્વીસના બદલે દેવ કે નરકપ્રાયોગ્ય નામકર્મની અઠ્ઠાવીસ પ્રકૃતિઓ સહિત ઇકોતેર બાંધતાં પચીસમો ભૂયસ્કાર થાય અને અઠ્ઠાવીસના બદલે તિર્યંચ પ્રાયોગ્ય નામકર્મની ઓગણત્રીસ સહિત બોત્તેરનો બંધ કરે ત્યારે છવ્વીસમો, ઉદ્યોત સહિત તોત્તેર તેમજ તિર્યંચાયુ સહિત ચુંમોત્તેર પ્રકૃતિના બંધે પ્રથમ સમયે અનુક્રમે સત્તાવીસમો તથા અઠ્ઠાવીસમો ભૂયસ્કાર થાય.
એ જ પ્રમાણે ઊલટા ક્રમે ચુંમોતેરના બંધથી એકના બંધ સુધીમાં તોત્તેરથી એક સુધીના બંધસ્વરૂપ અઠ્ઠાવીસ અલ્પતર થાય તે યથાસંભવ સ્વયં ઘટાવી લેવા.
આમાંના કેટલાક ભૂયસ્કારો તથા અલ્પતરો એક અથવા અનેક જીવ આશ્રયી અનેક પ્રકારે થાય છે, સ્વયં વિચારવા.
જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મનું પાંચ-પાંચ પ્રકૃતિરૂપ તેમજ વેદનીય, આયુ તથા ગોત્રકર્મનું એક એક પ્રકૃતિ સ્વરૂપ એક એક ઉદયસ્થાન છે. તેથી અવસ્થિતોદય પણ એક એક