________________
પંચમહાર
૫૦૧
બંધમાંથી સત્તરના બંધે જતો નથી. કેમ કે બાવીસનો બંધ મિથ્યાદષ્ટિને હોય છે, એકવીસનો બંધ સાસ્વાદને હોય છે, અને સત્તરનો બંધ મિશ્ર અથવા અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે હોય છે. મિથ્યાર્દષ્ટિ સાસ્વાદને જતો નથી, તેમજ સાસ્વાદન ગુણસ્થાનકેથી મિશ્ર કે સમ્યક્ત્વને પ્રાપ્ત કરતો નથી, પરંતુ સાસ્વાદનેથી અવશ્ય મિથ્યાત્વે જ જાય છે માટે બાવીસના બંધથી એકવીસના બંધે અથવા એકવીસના બંધથી સત્તરના બંધે જતો નહિ હોવાથી અલ્પતર આઠ જ થાય છે.
અવસ્થિતબંધ સર્વત્ર બંધસ્થાનની સમાન જ હોવાથી દશ છે. તેમાં બાવીસનું બંધસ્થાન અભવ્યને અનાદિ અનંત, જે ભવ્યો હજી સુધી મિથ્યાત્વેથી આગળ વધ્યા નથી પરંતુ હવે વધવાના છે તે આશ્રયી અનાદિસાંત, અને ઉપરના ગુણસ્થાનકેથી પડી મિથ્યાત્વને પ્રાપ્ત થયેલા જીવો આશ્રયી સાદિસાંત છે. અને શેષ બંધસ્થાનકોનો કાળ તે તે બંધસ્થાનક જે ગુણસ્થાનકે હોય તે તે ગુણસ્થાનકનો જેટલો કાળ હોય તેટલો છે.
તથા એક અને સત્તરપ્રકૃતિના બંધરૂપ બે અવક્તવ્યબંધ છે. તે ઉપશાંતમોહ ગુણસ્થાનકેથી પડતાં જે રીતે સંભવે છે તે રીતે આગળ ઉપર વિચારશે.
નામકર્મનાં આઠ બંધસ્થાનકો છે. તે આ—ત્રેવીસ, પચીસ, છવ્વીસ, અઠ્યાવીસ, ઓગણત્રીસ, ત્રીસ, એકત્રીસ, અને એક. આ બંધસ્થાનકો નાના જીવો આશ્રયી અનેક પ્રકારે છે એટલે તેને સંક્ષેપમાં કહેવું બની શકે તેમ નથી. એટલે સૂત્રકાર પોતે જ આગળ સપ્તતિકાસંગ્રહમાં વિસ્તારથી કહેશે માટે ત્યાંથી તેમનું સ્વરૂપ જાણી લેવું.
આ આઠ બંધસ્થાનમાં ભૂયસ્કાર છ છે—ત્રેવીસના બંધસ્થાનકેથી પચીસના તેમ પચીસના બંધસ્થાનેથી છવ્વીસના, એમ એકત્રીસના બંધસ્થાનક પર્યંત જવાનો સંભવ હોવાથી છ થાય છે.
અલ્પતર સાત છે. તે આ—આહારકદ્ધિક અને તીર્થંકરનામકર્મ સહિત દેવ પ્રાયોગ્ય એકત્રીસ પ્રકૃતિ બાંધી કાળધર્મ પામી દેવમાં જઈ તીર્થંકરનામ સહિત મનુષ્યગતિ પ્રાયોગ્ય ત્રીસ બાંધતાં પહેલો અલ્પતર, દેવમાંથી ચ્યવી મનુષ્યગતિમાં આવી તીર્થંકરનામ સહિત દેવગતિ પ્રાયોગ્ય ઓગણત્રીસ બાંધતાં બીજો અલ્પતર, તથા ક્ષપકશ્રેણિ કે ઉપશમશ્રેણિ ઉપર ચઢતાં અઠ્યાવીસ આદિ ચાર બંધસ્થાનેથી એક બાંધતાં ત્રીજો અલ્પતર, તથા મનુષ્ય કે તિર્યંચગતિ પ્રાયોગ્ય ઓગણત્રીસ બાંધી દેવ કે નરકગતિ યોગ્ય અઠ્યાવીસ બાંધતાં ચોથો અલ્પતર. અઠ્યાવીસના બંધેથી એકેન્દ્રિય પ્રાયોગ્ય છવ્વીસના બંધે જતાં પાંચમો અલ્પતર, તથા છવ્વીસના બંધેથી અનુક્રમે પચીસ અને ત્રેવીસના બંધે જતાં છઠ્ઠો અને સાતમો અલ્પતર. આ પ્રમાણે અલ્પતર બંધ સાત છે.
અવસ્થિતબંધ બંધસ્થાનની જેટલા આઠ છે. તથા અવક્તવ્યબંધ ત્રણ છે તે આગળ ઉપર કહેશે. ૧૫
૧. નામકર્મનાં દરેક બંધસ્થાનકોનો કાળ પ્રાયઃ અંતર્મુહૂર્ત છે. પ્રાયઃ કહેવાનું કારણ યુગલિયા ત્રણ પલ્યોપમ પર્યંત દેવગતિયોગ્ય અઠ્યાવીસ બાંધે છે, તેમજ અનુત્તરવાસી દેવો મનુષ્યગતિયોગ્ય ઓગણત્રીસ કે ત્રીસનો બંધ તેત્રીસ સાગરોપમ પર્યંત કરે છે. સાતમી નરકના મિથ્યાત્વી નારકીઓ તિર્યંચગતિ યોગ્ય ઓગણત્રીસ કે ઉદ્યોત સહિત ત્રીસનો તેત્રીસ સાગરોપમ પર્યંન્ત બંધ કરે છે એ છે. બાકીનાં બંધસ્થાનકોનો કાળ અંતર્મુહૂર્ત છે.