________________
૫૦૦
પંચસંગ્રહ-૧
તથા અવક્તવ્ય અહીં પણ ઘટતો નથી. કારણ કે સર્વથા સઘળા કર્મની સત્તાનો નાશ થયા પછી ફરી તેઓ સત્તામાં આવતાં જ નથી.
આ પ્રમાણે મૂળ કર્મના બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાસ્થાનકોમાં ભૂયસ્કારાદિ કહ્યા.
હવે ઉત્તરપ્રવૃતિઓમાં ભૂયસ્કારાદિને કહેવા ઇચ્છતા પહેલા દરેક કર્મનાં બંધસ્થાનકો કહે છે –
बंधट्ठाणा ति दसटु दंसणावरणमोहनामाणं । सेसाणेगमवट्ठियबंधो सव्वत्थ ठाणसमो ॥१५॥ बन्धस्थानानि त्रीणि दशाष्टौ दर्शनावरणमोहनाम्नाम् ।
शेषाणामेकमवस्थितबन्धः सर्वत्र स्थानसमः ॥१५॥
અર્થ–દર્શનાવરણીય, મોહનીય અને નામકર્મના અનુક્રમે ત્રણ, દશ અને આઠ બંધસ્થાનકો છે અને શેષ કર્મમાં એક એક બંધસ્થાનક હોય છે. તથા અવસ્થિતબંધ સર્વત્ર બંધસ્થાનકોની સમાન હોય છે.
ટીકાનુ–દર્શનાવરણ, મોહનીય અને નામકર્મના અનુક્રમે ત્રણ, દશ અને આઠ બંધસ્થાનકો છે. તથા શેષ જ્ઞાનાવરણીય, અંતરાય, વેદનીય, આયુ અને ગોત્ર એ દરેક કર્મનું એક એક બંધસ્થાન હોય છે.
તથા જે કર્મનાં જેટલાં બંધસ્થાનકો હોય તે કર્મના તેટલા અવસ્થિત બંધ હોય છે. તેથી જ એમ કહેવામાં આવ્યું છે કે અવસ્થિતબંધ સઘળાં કર્મમાં બંધસ્થાનની સમાન હોય છે.
આ વિષયમાં વિશેષ વિચાર આ પ્રમાણે છે–દર્શનાવરણીય કર્મના ત્રણ બંધસ્થાનક છે. તે આ–નવ, છ, અને ચાર. તેમાં સઘળી પ્રકૃતિનો સમૂહ તે નવ, થીણદ્વિત્રિક રહિત છે, અને નિદ્રાદ્ધિકહીને ચાર એમ ત્રણ બંધસ્થાનક થાય છે. તેમાં બે ભૂયસ્કાર, બે અલ્પતર અને ત્રણ અવસ્થિતબંધ ઘટે છે. તે સઘળા સુગમ હોવાથી તેનું વ્યાખ્યાન કર્યું નથી. ચાર અને છના બંધરૂપ બે અવક્તવ્ય બંધ ઘટે છે તે આગળ કહેશે.
મોહનીયકર્મનાં દશ બંધસ્થાનકો છે. તે આ પ્રમાણે—બાવીસ, એકવીસ, સત્તર, તેર, નવ, પાંચ, ચાર, ત્રણ, બે અને એક. તેમાં બાવીસનું બંધસ્થાન મિથ્યાદષ્ટિને, એકવીસનું સાસ્વાદનીને, સત્તરનું મિશ્ર અને અવિરતિ સમ્યગ્દષ્ટિને, તેરનું દેશવિરતને, નવનું પ્રમત્ત, અપ્રમત્ત અને અપૂર્વકરણ, અને પાંચથી એક સુધીનાં પાંચે બંધસ્થાનકો અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકે હોય છે.
અહીં ભૂયસ્કાર નવ છે અને તે ઉપશમશ્રેણિથી પડતા સંજવલન લોભરૂપ એક પ્રકૃતિના બંધથી આરંભી અનુક્રમે જાણવા.
જેમ ઉપરના ગુણસ્થાનકેથી પડતાં ભૂયસ્કાર થાય છે તેમ પહેલે ગુણસ્થાનકેથી ઉપરના ગુણસ્થાનકે ચડતાં અલ્પ અલ્પ બંધ કરતા અલ્પતર થાય છે. પરંતુ તે આઠ જ થાય છે, કારણ કે બાવીસના બંધસ્થાનકેથી કોઈ પણ જીવ એકવીસના બંધસ્થાનકે જતો નથી, તેમજ એકવીસના