________________
પંચમદ્વાર
૪૯૯
સાતનો ઉદીરક થાય એ બીજો ભૂયસ્કાર. ત્યારપછી પરભવે આઠનો ઉદીરક થાય એ ત્રીજો ભૂયસ્કાર. બેનો ઉદીરક ક્ષીણમોહ અને સયોગી કેવળી ગુણસ્થાનકે હોય છે. આ બેમાંથી એક પણ પડતો નથી. માટે તેની અપેક્ષાએ ભૂયસ્કાર ઘટતો નથી. માટે ત્રણ જ ભૂયસ્કાર ઘટે છે.
અલ્પતર ચાર થાય છે. તે આ આઠનો ઉદીરક સાતના, સાતનો ઉદીરક છના, છનો ઉદીરક પાંચના અને પાંચનો ઉદીરક બેના ઉદીરણા સ્થાને જાય છે માટે અલ્પતર ચાર ઘટે છે.
તથા અવસ્થિત પાંચે સંભવે છે. તેમાં તેત્રીસ સાગરોપમના આયુવાળા દેવો કે નારકીઓ પોતાના આયુની શેષ એક આવલિકા ન રહે ત્યાં સુધી આઠે કર્મના ઉદીરક હોય છે. માટે આઠ કર્મની ઉદીરણાનો ઉત્કૃષ્ટ કાળ આવલિકા ન્યૂન તેત્રીસ સાગરોપમ છે. આયુની જ્યારે એક આવલિકા શેષ રહે ત્યારે તે આવલિકમાં સાત કર્મની ઉદીરણા હોય છે. માટે સાતકર્મની ઉદીરણાનો કાળ અંતર્મુહૂર્ત છે. ક્ષપકશ્રેણિમાં દશમા ગુણસ્થાનકની પર્યતાવલિકામાં અને અગિયારમા ગુણઠાણે મોહનીય વિના પાંચ કર્મની ઉદીરણા હોય છે માટે પાંચની ઉદીરણા અંતર્મુહૂર્ત માત્ર હોય છે. તથા સયોગી ગુણસ્થાનકનો દેશોને પૂર્વ કોટિ કાળ હોવાથી અને ત્યાં બે કર્મની ઉદીરણા થતી હોવાથી બેની ઉદીરણાનો કાળ દેશોન પૂર્વકોટી છે, માટે અવસ્થિત પાંચ ઘટે છે.
તથા અવક્તવ્ય અહીં પણ ઘટતો નથી. કારણ કે મૂળકર્મનો સર્વથા અનુદીરક થઈને ફરી ઉદીરક થતો નથી. કેમ કે સર્વ કર્મના અનુદીરક ભગવાન અયોગીકેવળી હોય છે ત્યાંથી પ્રતિપાત થતો નથી માટે અવક્તવ્ય નથી.
સત્તાસ્થાનકો ત્રણ છે. તે આ પ્રમાણે–આઠ, સાત, ચાર. તેમાં અગિયારમા ગુણસ્થાનક પર્યત આઠે કર્મની સત્તા હોય છે, મોહ વિના સાતની ક્ષીણમોહે, અને છેલ્લા બે ગુણસ્થાનકે ચાર અઘાતિ કર્મની સત્તા હોય છે.
તેની અંદર એક પણ ભૂયસ્કાર ઘટતો નથી, કારણ કે સાતની સત્તાવાળો થઈ આઠની સત્તાવાળો કે ચારની સત્તાવાળો થઈ સાતની સત્તાવાળો થતો જ નથી. સાત આદિની સત્તાવાળો ક્ષીણમોહાદિ હોય છે તેનો પ્રતિપાત થતો નથી માટે.
અલ્પતર બે ઘટે છે. કેમ કે આઠના સત્તાસ્થાનેથી સાતના, અને સાતના સત્તાસ્થાનેથી ચારના સત્તાસ્થાને જાય છે માટે.
તથા અવસ્થિત આઠ, સાત અને ચાર એ ત્રણે હોય છે. તેમાં આઠની સત્તાનો કાળ અભવ્યને અનાદિ અનંત અને ભવ્યને અનાદિ સાંત છે. સાતની સત્તા ક્ષીણમોલ ગુણસ્થાનકે હોવાથી અને તેનો કાળ અંતર્મુહૂર્ત હોવાથી તેની સત્તાનો કાળ અંતર્મુહૂર્ત છે. તથા ચારની સત્તા છેલ્લા બે ગુણસ્થાનકે હોવાથી અને સયોગી ગુણઠાણાનો કાળ દેશોને પૂર્વકોટી હોવાથી ચારની સત્તાનો ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી કાળ છે. ' ૧. આયુની પર્યતાવલિકામાં આયુ વિના સાતનો ઉદીરક આત્મા અપ્રમત્તે જાય તેને વેદનીય વિના છે કર્મના ઉદીરણા ઘટી શકે છે.