________________
% Cી ગઈ નમ: ઉપોદ્યાત
આસ્તિક ગણાતા દરેક દર્શનો આત્માને માને છે. આત્મા માનવો એ એક વાત છે અને તે કેવો છે? એ જાણવું એ બીજી વાત છે. આત્માનો સ્વીકાર કર્યા છતાં તેનું યથાર્થ સ્વરૂપ સમજવામાં ભલભલા થાપ ખાઈ ગયા છે. ને તે કારણે આત્માને માનવા છતાં ખરેખર ન માનવા જેવી સ્થિતિમાં મુકાઈ ગયા છે. જૈનદર્શન આત્માનું જ સ્વરૂપ સમજાવે છે, તે શ્રદ્ધા અને આગમગમ્ય છે. છતાં આત્મા અંગે ઉત્પન્ન થતા તે તે અનેક પ્રશ્નોનું સુંદર સમાધાન તેમાં મળે છે.
જૈનદર્શન અનુસાર આત્મા છે, આત્મા અનંત છે. આત્માના પ્રદેશો અસંખ્યાત છે. દરેક આત્માનું સ્વરૂપ સમાન છે. નિગોદ એ આત્માની અનાદિકાલીન સ્થિતિ છે. ભવિતવ્યતાના બળે આત્મા નિગોદમાંથી નીકળે છે અને ઉત્તરોત્તર આગળ વધે છે. ભવ્ય હોય તો છેવટે મોક્ષ પામે છે. અભવ્ય આત્મા નવ રૈવેયકની ઉપરની દેવગતિ પણ પામી શકતો નથી. અભવ્ય આત્માનો સંસાર અનાદિ અનંત છે. ભવ્ય આત્મા જે વ્યવહારમાં આવેલો છે તેનો સંસાર અનાદિ સાન્ત છે. સંસારનો અંત થયા પછી ફરી સંસારમાં આવવાપણું રહેતું નથી. આત્મપ્રદેશો પ્રકાશની જેમ થોડા ક્ષેત્રમાં રહી શકે છે અને પ્રસરી પણ શકે છે. અંગુલના અસંખ્યાતમા ભાગથી લઈને સાધિક હજાર યોજનના મૂળભૂત શરીરમાં તે રહે છે. ઉત્તર વૈક્રિય શરીરની અપેક્ષાએ સાધિક લાખ યોજનના શરીરમાં તે રહે છે. સમુદ્ધાતની વિચારણાએ ચૌદરાજ-લોકક્ષેત્રવ્યાપી પણ બને છે. સામાન્ય રીતે સંસારી આત્મા સ્વશરીરવ્યાપી છે અને સિદ્ધ આત્મા છેવટે જે શરીર છોડે છે તેના : ભાગ ઘનસ્વરૂપે સદાકાળ રહે છે. આત્માના દરેક પ્રદેશો વિશુદ્ધ છતાં અનાદિસિદ્ધ વિભાવસ્વભાવને કારણે આઠ પ્રદેશ સિવાય પ્રત્યેક પ્રદેશ અવરાયેલા રહે છે. જયાં સુધી જીવ સંસારમાં છે, ત્યાં સુધી એ આવરણ રહ્યા જ કરે છે. જીવ ઉપર આવરણ કરનાર જે દ્રવ્ય છે તે કર્મ છે. કર્મ એ અજીવ છે, પુદ્ગલસ્વરૂપ છે, સૂક્ષ્મ છે. ઉપયોગમાં આવતા પુદ્ગલસ્કંધોમાં સર્વથી સૂક્ષ્મ આ કર્મ છે. કર્મને સ્વીકાર્યા વગર વિશ્વતંત્રની વ્યવસ્થા કોઈ રીતે સંગત થઈ શકતી નથી.
દરેક દર્શનમાં કર્મ અથવા કર્મને અનુરૂપ કોઈપણ તત્ત્વ સ્વીકારાયું છે. તે તે તત્ત્વને માન્યા પછી પણ તેની વિચારણામાં થોડે જઈને દરેક દર્શનો અટકી પડ્યાં છે. જ્યારે જૈનદર્શન આ વિષયમાં આજે પણ ખૂબ આગળ છે. કર્મવિષયક અધ્યયન કરનારને જૈનદર્શનનું કર્મસાહિત્ય સાંગોપાંગ વાંચવું હોય તો પણ વર્ષો જોઈએ.