SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ જે બ્રહ. ગુજરાત સોપારા, ખંભાત, દ્વારકા, રાયપુર (માંડવી બંદર), સોમનાથ, સૂરત વગેરે સાગરસાહસો અને પરદેશી સમૃદ્ધિથી છલકાતાં બંદરો હતાં. સોળમી સદીમાં રાણી એલિઝાબેથે અકબર બાદશાહને પત્ર લખ્યો તેમાં અકબરને ખંભાતનો શહેનશાહ કહ્યો હતો. સમગ્ર હિંદનો સમ્રાટ ગુજરાતના એક બંદરને લીધે વિદેશમાં ઓળખાય તે બંદરની જાહોજલાલી સૂચવે છે. કચ્છના નાખવાઓ પોતાની કાબેલિયતથી દૂરદેશાવરમાં ડંકો વગાડતા. આજે આપણે દરિયા તરફ પીઠ કરીને બેસી ગયા છીએ. ઇંગ્લેન્ડની કલ્પનાને જેમ દરિયો ઘડે છે તેવું ગુજરાતને માટે હવે નથી રહ્યું! “લંકાની લાડી ને ઘોઘાનો વર'એ વાત એક ઉક્તિરૂપે જ સચવાઈ રહી છે. આમ વાણિજ્ય તરફનો ઝોક ને ઠરીઠામ થવાની વૃત્તિને કારણે વીરત્વનો ઉદ્રક ઓછો થયો હોવાનો સંભવ ખરો. આથી જ કવિ નર્મદે ગુજરાતીઓની સ્થિતિમાં જોસ્સો અને શરીરબળ વધારી ‘‘ઠંડા લોહી”નું સુખ છોડી ‘‘ગરમ લોહીના સુખ'ને ભોગવવાની વાત કરી છે ! સાહસિક ગુજરાતીઓ જે દેશમાં જાય ત્યાંની પ્રજામાં તે બરોબર હળીમળીભળી જાય છે. જ્યાં જાય ત્યાં એમનું પોતીકું ગુજરાત ખડું કરી દેવાનીયે તેમની નોખી ખૂબી-ખાસિયત છે. જ્યાં જ્યાં ગુજરાતી પહોંચ્યો ત્યાં ત્યાં એની પાછળ ગુજરાત પણ જાણે પહોંચ્યું છે. કવિ ખબરદારે સાભિપ્રાય જ કહેલું : “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.” ગુજરાતી જયાં જયાં જાય ત્યાં ત્યાંનો થઈનેય પોતાની અસલિયત કેમ સાચવવી તે જાણે છે. ભલે તે પરદેશી ભાષા શીખે અને પરદેશમાં ખંત, ઉદ્યમ અને આપસૂઝર્થી આગળ વધે; પણ તે બરોબર જાણે છે કે પોતાની ભાષા તે પોતાની ભાષા. માનું દૂધ તે માનું દૂધ. પોતાની માતૃભાષા દ્વારા જ ગુજરાતી પોતાની અસલિયતને - એના પોતાપણાને - એની અસ્મિતાને પ્રગટ કરી શકે. દરેક પ્રજાની સાચી ઓળખ એની માતૃભાષા દ્વારા - વતનની ધૂળમાંથી ફણગી ઊઠેલા શબ્દો દ્વારા - થાય છે. ગુજરાતીની સાચી ઓળખ તો હું ગુર્જર ભારતવાસી’, ‘હું ગુર્જર વિશ્વપ્રવાસી” અથવા “હું ગુર્જર વિશ્વનિવાસી’ - એ રીતની એની અનુભવોક્તિમાંથી થઈ શકે. ઉમાશંકરે માર્મિક રીતે પ્રશ્નોક્તિ કરેલી : ‘એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી?” | ગુજરાતની સંસ્કૃતિ જૂના-નવાનો સુભગ સમન્વય કરતી વિકસી છે. પરંપરાને જાળવીને તે નિત્યનૂતન પરિબળોને ઝીલતીજીરવતી રહી છે. ગુજરાતી પ્રજાની જીવનરીતિમાંયે પરંપરાના સાતત્ય સાથે નવીનતાના સમુદાર સ્વીકારનો ભાવ સતત જળવાયેલો રહ્યો ગુજરાત એવી તીર્થભૂમિ છે, જેનું દ્વારિકાનાથ ને સોમનાથ બંનેયે વરણ કર્યું છે. જગદંબોનો ચાચર ચોક ગુજરાતણના દિલમાં દૃષ્ટિગોચર થાય છે. આ ગરબા-રાસની ભૂમિ છે તો આ સંઘવીઓ ને સત્યાગ્રહીઓની કૂચભૂમિ છે. દ્વારિકા ને સોમનાથ જો તેનાં પ્રાચીન તીર્થો છે તો સાબરમતી આશ્રમ ને દાંડી તેનાં અર્વાચીન તીર્થો છે. ગુજરાત કૃષ્ણચંદ્રની કૌમુદીએ ઊજળો પ્રદેશ છે. તેને ગાંધીજીની જન્મભૂમિ તેમ જ કર્મભૂમિ બનવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે. ગાંધીજીની સ્વાતંત્ર્યયાત્રાનો શિવસંકલ્પ થયો ગુજરાતમાં અને વિદેશી શાસન સામે અહિંસક યુદ્ધનો પાંચજન્ય ફૂંકાયો તેય ગુજરાતમાં જ. સત્યાગ્રહમાંના અવયંભાવી એવા વિજયનું દર્શન કરાવનાર અને રાષ્ટ્રીય એકતાનો ઇલમ અજમાવનાર લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ખમીર અને ખુમારીનાં ધાવણ પાયાં ગુજરાતે. સંસ્કૃતિ - ધર્મ, સમાજ, કેળવણી, સાહિત્ય, કલા, વાણિજ્ય, ઉદ્યોગ, અર્થકારણ અને રાજકારણ–આવાં આવાં અનેક ક્ષેત્રોમાં ગુજરાતનું પ્રદાન રચનાત્મક અને તેથી સત્ત્વોwવલ રહ્યું છે. યુદ્ધવ્યગ્ર વિશ્વને શાંતિનો સુધાસંદેશ આપનાર અવાજને ગુજરાત તરફથી સતત પ્રેરણા ને પુષ્ટિબળ મળતાં રહ્યાં છે. - સાગરપેટાળી ગુર્જરભૂમિ બહુરત્ના છે. અનેક બૌદ્ધિકો, વિજ્ઞાનીઓ, કલાકારો, સાહિત્યકારો, રમતવીરો, દાનવીરો, સંસ્કારસેવકો ને શ્રેષ્ઠીઓથી, સાહસિકો ને સેનાનીઓથી, સંતો અને ભક્તોથી આ ધરતી સમૃદ્ધ છે. એની આ સમૃદ્ધિનો લાભ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેકોને સાંપડતો રહ્યો છે. ગુજરાત એ રીતે ઊજળું રહ્યું છે એનાં સપૂતો ને સન્નારીઓથી.' એવા સપૂતો અને સન્નારીઓનાં જીવનકાર્યની યશોજ્જવલ ગાથા આલેખતા આ માહિતીપૂર્ણ ગ્રંથને આવકારતાં આનંદ અનુભવું છું. . = કુમારપાળ દેસાઈ અમદાવાદ, તા. ૨૪-૨-૨૦૦૩ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy