Book Title: Parvadhiraj Paryushan 01
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Catalog link: https://jainqq.org/explore/249480/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પર્વાધિરાજ પર્યુષણ - ૧ અનેક માણસો જ્યારે પોતાના આનંદને સામુદાયિક રીતે વ્યક્ત કરે છે ત્યારે તેમાંથી ઉત્સવ કે પર્વનું નિર્માણ થાય છે. મનુષ્ય ઉત્સવપ્રિય પ્રાણી છે, માટે જ કહેવાય છે : ઉત્સવપ્રિયા: રવ મનુષ્કા: 1 માનવજાતે વ્યક્તિ અને કુટુંબ, રાષ્ટ્ર અને વિશ્વ, જન્મ અને મૃત્યુ, આરંભ અને પૂર્ણાહુતિ, ઋતુઓ અને તિથિઓ ઇત્યાદિ ઘણા વિષયોને અનુલક્ષીને ઉત્સવોનું નિર્માણ કર્યું છે. તેમાં ધર્મ, ધર્મપુરુષો, ધર્મપ્રસંગ ઇત્યાદિને અનુલક્ષીને સૌથી વધુ ઉત્સવોની યોજના થઈ છે. સંદર્ભો બદલાતાં કેટલાક વ્યક્તિલક્ષી, સામાજિક કે રાજકીય ઉત્સવો કાલગ્રસ્ત થાય છે. ધાર્મિક ઉત્સવો પ્રમાણમાં વધુ ચિરકાલીન હોય છે. જૈનો જે વિવિધ ધાર્મિક પર્વોની ઉજવણી કરે છે તેમાં સૌથી મોટું પર્વ તે પર્યુષણ છે. “પજુસણ” કે “પોષણ” એવા તભવ નામથી સામાન્ય લોકોમાં તે વિશેષ પ્રચલિત છે. સૌથી મોટું એ પર્વ હોવાથી પર્વશ્રેષ્ઠ, પર્વશિરોમણિ, પર્વાધિરાજ તરીકે, લોકોત્તર પર્વ તરીકે તે ઓળખાય છે. પર્વ એટલે આનંદ અને ઉલ્લાસ. જેવું પર્વ અને જેવો એનો મહિમા તેવી એની ઉજવણી. કેટલાંક પર્વોમાં સુંદર વસ્ત્રાલંકાર ધારણ કરવા દ્વારા, વિધવિધ વાનગીઓના ઉપભોગ વડે, પરસ્પર મિલન અને શોભાયાત્રા વડે આનંદોલ્લાસ વ્યક્ત થતો હોય છે, તો કેટલાંક પર્વોમાં ધાર્મિક અનુષ્ઠાનો, વિધિવિધાનો, એકટાણું, ઉપવાસ, ત્યાગ-તપશ્ચર્યા, ઘન અને દયા વગેરે દ્વારા સાદાઈપૂર્વક આનંદ વ્યક્ત થતો હોય છે. પર્વનો મહિમા લોકહૃદયમાં કેવો અને કેટલો છે તે એ દિવસની લોકોની પ્રવૃત્તિ પરથી જાણી શકાય છે. પર્યુષણ” શબ્દ સંસ્કૃત છે. સાચો શબ્દ છે “પર્યુષણા;' સંસ્કૃત પર + ૩સTI (૩૫) પરથી તે આવેલો છે. એનો અર્થ થાય છે સમસ્ત પ્રકારે વસવું અર્થાત્ એક સ્થળે સારી રીતે રહેવું. ચોમાસા દરમિયાન આ પર્વ આવે છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ ૯૬ જિનતત્ત્વ પરંતુ સાધુઓને માટે તો સમસ્ત ચાતુર્માસને લક્ષમાં રાખીને આ શબ્દ પ્રયોજાયો હશે, કારણ કે સાધુ-સંતોએ ચાતુર્માસ દરમિયાન એક જ સ્થળે સ્થિર વસવાટ કરી ધર્મની આરાધના કરવાની હોય છે. ‘પર્યુષણા’ શબ્દનો લાક્ષણિક અર્થ એ છે કે આ પર્વ દરમિયાન માણસે આત્માની સમીપ જઈને વસવાનું, એટલે કે આધ્યાત્મિક પ્રવૃત્તિ તરફ વળવાનું હોય છે. શ્રાવણ મહિનાના અંતના અને ભાદરવા મહિનાના આરંભના એમ મળી આઠ દિવસનું આ પર્વ છે. એટલા માટે જૈનોના શ્વેતામ્બર વર્ગમાં પર્યુષણને ‘અઠ્ઠાઈ મહોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પર્વ દરમિયાન ઇન્દ્ર વગેરે દેવતાઓ નંદીશ્વર દ્વીપમાં જઈને શાશ્વત જિનમંદિરોમાં અઠ્ઠાઈ મહોત્સવ ઊજવે છે, એમ શાસ્ત્રોમાં કહેવાયું છે. પર્યુષણ પર્વ એ ત્યાગ અને તપશ્ચર્યાનું પર્વ છે. દુનિયાના અન્ય કોઈ ધર્મમાં જોવા ન મળે એટલી કઠિન તપશ્ચર્યા જૈનોમાં આ પર્વ દરમિયાન જોવા મળે છે. ગામેગામ જ્યાં જ્યાં જૈનોની વસ્તી હોય છે ત્યાં કેટલાંયે માણસો એવાં મળશે કે પર્યુષણના આઠેય દિવસ ઉપવાસ કરતાં હોય. આઠ દિવસ સુધી અન્નનો દાણો પણ મોઢામાં નાખ્યા વગર તપશ્ચર્યા અને ધાર્મિક ક્રિયાઓ કરવી એ જેવુંતેવું વ્રત નથી. કેટલાંક શક્તિવાળાં સ્ત્રી-પુરુષો બાર, સોળ, એકવીસ, ત્રીસ, પિસ્તાલીસ દિવસના ઉપવાસ કરે છે. કોઈક વાર સાઠ-પાસંદ કે તેથી વધુ દિવસના પણ થાય છે. જેમનાથી વધુ ઉપવાસ ન થાય તે ચાર, ત્રણ, બે કે છેવટે પર્વના છેલ્લા દિવસનો – સંવત્સરીનો એક ઉપવાસ કરે છે, ઉપવાસ ન થાય તો એકાસણું - એકટાણું કરે છે. – પર્યુષણ એ દાન અને દયાનું પણ પર્વ છે. દુનિયાના અર્થશાસ્ત્રીઓ કહે છે કે જૈન સમાજ દાનમાં જેટલો પૈસો ખર્ચે છે, તેટલો વ્યક્તિદીઠ સરેરાશે ભાગ્યે જ બીજો કોઈ સમાજ ખર્ચતો હશે. એ દાનની સૌથી મોટી પ્રવૃત્તિ પર્યુષણ દરમિયાન થાય છે. અનુકંપાદાન, સુપાત્રદાન અને અભયદાન – એમ ત્રિવિધ પ્રકારે એ પ્રવૃત્તિ થાય છે. અભયદાન એ સૌથી શ્રેષ્ઠ દાન છે. દયા, વિશેષત: જીવદયા એ જૈનોના લોહીમાં છે. વ્યક્તિગત રીતે કેટલાંકનું વર્તન અપૂર્ણ, અણસમજવાળું કે વિપરીત હોય તેથી સમસ્ત સમાજને દોષ દઈ શકાતો નથી. પર્યુષણ પર્વ એ ઘણું પ્રાચીન પર્વ છે, શાસ્ત્રોમાં વર્ણન આવે છે તે પ્રમાણે ભગવાન મહાવીરસ્વામી જ્યારે રાજગૃહી નગરીમાં પધાર્યા હતા ત્યારે મગધના રાજા શ્રેણિકે ભગવાન મહાવીરને પર્યુષણ પર્વ વિશે પ્રશ્નો પૂછ્યા Page #3 -------------------------------------------------------------------------- ________________ પર્વાધિરાજ પર્યુષણ – ૧ હતા. પર્યુષણ પર્વની આરાધના સારામાં સારી રીતે કોણે કરેલી એવા પ્રશ્નના જવાબમાં ભગવાને કહેલું કે ભૂતકાળમાં ગજસિહ નામના રાજાએ એવી સરસ આરાધના કરેલી કે જેથી તેઓ પૂર્વમહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકરપદ પામ્યા અને મુક્તિપદ પ્રાપ્ત કરશે. પર્યુષણ પર્વ એ સંયમ અને સાધનાનું પર્વ છે. એ માટે શાસ્ત્રોમાં અગિયાર વારે આરાધના કરવાનું ફરમાવ્યું છે. જિનપૂજા, ચૈત્ય-પરિપાટી (આસપાસનાં જિનમંદિરોમાં જઈ જિનેશ્વર ભગવંતને દ્રવ્ય અને ભાવથી નમસ્કાર કરવા), સાધુસંતોની ભક્તિ, સંઘમાં પ્રભાવના, જ્ઞાનની આરાધના, સાધર્મિક વાત્સલ્ય, કલ્પસૂત્ર' સાંભળવું, તપશ્ચર્યા કરવી, જીવોને અભયદાન આપવું, સાંવત્સરિક પ્રતિક્રમણ કરવું, પરસ્પર ક્ષમાપના કરવી – એમ અગિયાર પ્રકારે આ આરાધના કરવાની હોય છે. એ આરાધના વધુ દીપી ઊઠે એ માટે બ્રહ્મચર્યનું પાલન કરવું, દાન દેવું, દયા પાળવી, પાપકર્મ થાય તેવાં કાર્યોનો ત્યાગ કરવો, અશુભ વચનો ન બોલવાં, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ વગેરે વ્રતક્રિયા કરવાં, ગુરુમહારાજની ઉપદેશવાણી સાંભળવી, ભગવાન મહાવીરનાં માતાએ સ્વપ્નમાં જોયેલી ચૌદ વસ્તુઓનો-ચૌદ સુપનનો -- મહોત્સવ કરવો વગેરે આવશ્યક મનાય છે. આ પર્વ દરમિયાન મસ્તકે લોચ કરવો (એટલે માથા અને મોઢા પરના વાળ હાથથી ખેંચીને કાઢી નાખવા), ઓછામાં ઓછું અઠ્ઠમ ત્રણ દિવસના ઉપવાસ)નું તપ કરવું, “કલ્પસૂત્ર' વાંચવું, સાંવત્સરિક પ્રતિક્રમણ કરવું અને માંહોમાંહે ક્ષમાપના કરવી એ સાધુઓનાં વિશેષ કર્તવ્ય મનાય છે. અન્ય દિવસ કરતાં પર્વના દિવસે કરેલી ધર્મારાધના વિશેષ ફલવતી માનવામાં આવે છે. બીજી બાજુ પર્વના દિવસે કરેલું પાપ પણ મોટું અને માણસને ભયંકર કર્મબંધનમાં મૂકી દેનારું મનાય છે. જેમ તીર્થને માટે તેમ પર્વને માટે (અને પર્વને પણ જંગમ તીર્થ જ કહેવામાં આવે છે) પણ સાચું છે કે : अन्य दिने कृतं पापं पर्वदिने विनश्यति। पर्वदिने कृतं पापं वज्रलेपो भविष्यति।। એટલા માટે પર્યુષણ પર્વ એ પુણ્યના પોષણનું અને પાપના પ્રતિક્રમણનું પર્વ છે; દેવી સંપત્તિના સર્જનનું અને આસુરી સંપત્તિના વિસર્જનનું પર્વ છે. કવિ શ્રી જ્ઞાનવિમલસૂરિએ “પર્યુષણમહાપર્વ-મહાભ્યની સઝાય'માં કહ્યું છે ? Page #4 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ પુણ્યની પોષણા, પર્વ પર્યુષણ આવિયાં ઇણિ પરે જાણિયે એ; હિયડલે હર્ષ ધરી, છઠ્ઠ અઠ્ઠમ કરી, ઓચ્છ કલ્પ ઘર આણિયે એ. જૈન માન્યતા પ્રમાણે માણસનો આયુષ્યબંધ કેટલીક વાર પર્વના દિવસે પડતો હોય છે. એક જન્મ પૂરો થતાં અન્ય જન્મમાં માણસ શું થવાનો છે (મનુષ્ય, દેવ, તિર્યંચ કે નારક) તે જે ક્ષણે નક્કી થાય છે તેને આયુષ્યનો બંધ કહેવામાં આવે છે. આથી પર્વના દિવસે, મન, વચન અને કાયાની શુદ્ધિથી કરેલી આધ્યાત્મિક આરાધના માણસને ભવાન્તરમાં ઉત્તમ ગતિ અપાવે છે, ત્વરિત મુક્તિ અપાવે છે, જ્યારે પર્વના દિવસે કરેલી પાપપ્રવૃત્તિ માણસને જન્માંતરમાં ભયંકર દુર્ગતિમાં ઘસડી જાય છે. પર્યુષણ એ મૈત્રી અને ક્ષમાનું પર્વ છે. પર્યુષણનો છેલ્લો દિવસ સંવત્સરી તરીકે જાણીતો છે. એ દિવસે તમામ જૈનો એકબીજાને “મિચ્છા મિ દુક્કડ” (મિથ્યા ને સુકૃતમ્) કહી ક્ષમા માગે છે, અને ક્ષમા આપે છે, ક્ષમાથી વૈરવૃત્તિ શમે છે. ક્રોધ અને અહંકારને સ્થાને મૈત્રી અને નમ્રતા વિકસે છે. એથી જગતમાં પ્રેમ અને શાંતિ પથરાય છે. જૈનોનો એક વર્ગ જે દિગમ્બરના નામે ઓળખાય છે તે પોતાનાં પર્યુષણ જુદાં ઊજવે છે. સંવત્સરીના આ દિવસ પછી બીજા દિવસથી તેઓ આ પર્વ દસ દિવસ ઊજવે છે. માટે તેને “દસ લક્ષણી' કહેવામાં આવે છે. ક્ષમા, માર્દવ, આર્જવ, ત્યાગ, સંયમ, તપ, સત્ય, શૌચ, અકિંચનતા અને બ્રહ્મચર્ય - એ દસ પ્રકારના યતિધર્મને લક્ષમાં રાખી આ પર્વ ઊજવાતું હોવાથી તેને “દસ લક્ષણી' કહેવામાં આવે છે. પર્વોની ઉજવણી સાથે એની ફલશ્રુતિ સંકળાયેલી હોય છે. પર્યુષણ પર્વ સાથે કોઈ ભૌતિક સુખ, આકાંક્ષા, અભિલાષાની નહિ પણ આધ્યાત્મિક સિદ્ધિની ફલશ્રુતિ રહેલી છે. એથી જ પર્યુષણ પર્વ એ ત્યાગ અને સંયમ, દાન અને દયા, પ્રાયશ્ચિત્ત અને પ્રતિક્રમણ, મૈત્રી અને ક્ષમા, તપ અને સમતા, ભક્તિ અને ભાવના દ્વારા, આત્મનિરીક્ષણ અને આત્મસંશોધન દ્વારા આત્માનો પ્રકાશ પ્રાપ્ત કરી મુક્તિના પંથે વિચરવાનું અમોઘ પર્વ છે - પર્વાધિરાજ છે.