________________ જિનતત્ત્વ પુણ્યની પોષણા, પર્વ પર્યુષણ આવિયાં ઇણિ પરે જાણિયે એ; હિયડલે હર્ષ ધરી, છઠ્ઠ અઠ્ઠમ કરી, ઓચ્છ કલ્પ ઘર આણિયે એ. જૈન માન્યતા પ્રમાણે માણસનો આયુષ્યબંધ કેટલીક વાર પર્વના દિવસે પડતો હોય છે. એક જન્મ પૂરો થતાં અન્ય જન્મમાં માણસ શું થવાનો છે (મનુષ્ય, દેવ, તિર્યંચ કે નારક) તે જે ક્ષણે નક્કી થાય છે તેને આયુષ્યનો બંધ કહેવામાં આવે છે. આથી પર્વના દિવસે, મન, વચન અને કાયાની શુદ્ધિથી કરેલી આધ્યાત્મિક આરાધના માણસને ભવાન્તરમાં ઉત્તમ ગતિ અપાવે છે, ત્વરિત મુક્તિ અપાવે છે, જ્યારે પર્વના દિવસે કરેલી પાપપ્રવૃત્તિ માણસને જન્માંતરમાં ભયંકર દુર્ગતિમાં ઘસડી જાય છે. પર્યુષણ એ મૈત્રી અને ક્ષમાનું પર્વ છે. પર્યુષણનો છેલ્લો દિવસ સંવત્સરી તરીકે જાણીતો છે. એ દિવસે તમામ જૈનો એકબીજાને “મિચ્છા મિ દુક્કડ” (મિથ્યા ને સુકૃતમ્) કહી ક્ષમા માગે છે, અને ક્ષમા આપે છે, ક્ષમાથી વૈરવૃત્તિ શમે છે. ક્રોધ અને અહંકારને સ્થાને મૈત્રી અને નમ્રતા વિકસે છે. એથી જગતમાં પ્રેમ અને શાંતિ પથરાય છે. જૈનોનો એક વર્ગ જે દિગમ્બરના નામે ઓળખાય છે તે પોતાનાં પર્યુષણ જુદાં ઊજવે છે. સંવત્સરીના આ દિવસ પછી બીજા દિવસથી તેઓ આ પર્વ દસ દિવસ ઊજવે છે. માટે તેને “દસ લક્ષણી' કહેવામાં આવે છે. ક્ષમા, માર્દવ, આર્જવ, ત્યાગ, સંયમ, તપ, સત્ય, શૌચ, અકિંચનતા અને બ્રહ્મચર્ય - એ દસ પ્રકારના યતિધર્મને લક્ષમાં રાખી આ પર્વ ઊજવાતું હોવાથી તેને “દસ લક્ષણી' કહેવામાં આવે છે. પર્વોની ઉજવણી સાથે એની ફલશ્રુતિ સંકળાયેલી હોય છે. પર્યુષણ પર્વ સાથે કોઈ ભૌતિક સુખ, આકાંક્ષા, અભિલાષાની નહિ પણ આધ્યાત્મિક સિદ્ધિની ફલશ્રુતિ રહેલી છે. એથી જ પર્યુષણ પર્વ એ ત્યાગ અને સંયમ, દાન અને દયા, પ્રાયશ્ચિત્ત અને પ્રતિક્રમણ, મૈત્રી અને ક્ષમા, તપ અને સમતા, ભક્તિ અને ભાવના દ્વારા, આત્મનિરીક્ષણ અને આત્મસંશોધન દ્વારા આત્માનો પ્રકાશ પ્રાપ્ત કરી મુક્તિના પંથે વિચરવાનું અમોઘ પર્વ છે - પર્વાધિરાજ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org