________________
[ વૈરાગ્યવર્ધા
[ પ ]
શરીરમાં ખખડાટ થાય તેના ઉપર લક્ષ ન કરતાં જ્ઞાનાનંદ સ્વરૂપનું લક્ષ કરવું...ભિન્નતાની ભાવના રાખવી...સ્વસત્તાવલંબી ઉપયોગ તે આત્માનું સ્વરૂપ છે તેના વિચાર કરવા.
-પૂજય ગુરુદેવ
(પાંચમું સપ્તાહ, તા. ૨૮-૧૦-૬૩ થી ૪-૧૧-૬૩)
શરીરમાં નબળાઈ થઈ જાય, ઇન્દ્રિયો મોળી પડે-તેથી કાંઈ આત્માને વિચારદશામાં વાંધો આવતો નથી. આત્મા કાંઈ ઇન્દ્રિયથી નથી જાણતો; તેમ જ ઇન્દ્રિયો વડે તે જણાતો નથી. આત્મા તો જ્ઞાનમૂર્તિ છે, તે જ્ઞાનથી જ (-ઇન્દ્રિયજ્ઞાન નહિ પણ અતીન્દ્રિયજ્ઞાનથી) જણાય છે. “શુદ્ધબુદ્ધચૈતન્યઘન...એ ગાથા કાલે કહી હતી તે યાદ રાખીને તેના વિચાર કરવા. દેહની સ્થિતિ પોતાના અધિકારની વાત નથી પણ અંદરના વિચાર તે પોતાના અધિકારની વાત છે. પોતાનું સ્વરૂપ કેમ પમાય-એના જ વિચારનું રટણ રાખવું.
અરે, અત્યારે તો જુઓને! ભણેલાં પણ “જીવીત શરીરથી ધર્મ થાય’ એમ માનીને આ મૃતક કલેવરમાં મૂર્ણાઈ પડ્યા છે. અમૃતસ્વરૂપ ભગવાન આત્મા પોતે પોતાને ભૂલીને જડ-કલેવરમાં મોહિત થયો છે, તેની ક્રિયાને તે પોતાની માને છે.-શું થાય!
શરીરની હાલત શરીર સંભાળશે, પોતે પોતાના વિચારમાં રહેવું. આત્મા સહજ ચિદાનંદસ્વરૂપ સર્વજ્ઞસ્વભાવી છે, તે પરમ
વૈરાગ્યવર્ષા ] વસ્તુ છે, શ્રીમદ્ રાજચંદ્રમાં “સહજાત્મસ્વરૂપ પરમગુરુ, અને સર્વજ્ઞદેવ પરમગુરુ” ઇત્યાદિ આવે છે, એવો પોતાનો સર્વજ્ઞસ્વભાવી આત્મા તે જ પરમદેવ ને પરમગુરુ છે. આત્મા પોતાના સર્વજ્ઞસ્વભાવનો જ સ્વામી છે. જડ શરીરનો સ્વામી આત્મા નથી. જડનો સ્વામી તો જડ હોય; ચેતન ચેતનનો સ્વામી હોય. સર્વજ્ઞસ્વભાવી આત્મા ઇન્દ્રિયોથી કે એકલા અનુમાનથી જણાઈ જતો નથી, સ્વસમ્મુખતાથી જ તે જણાય તેવો છે. અંદર પોતામાં આખી વસ્તુ પડી છે, તેમાં ‘કરણ' નામનો સ્વભાવ છે તેથી તે પોતે જ સાધન થઈને પરિણમે છે; બીજું સાધન ક્યાં હતું?
એક વસ્તુની બીજી વસ્તુ જરા પણ નથી. દરેક દ્રવ્ય પોતપોતાના સ્વરૂપમાં (પોતપોતાના ગુણપર્યાયમાં) મગ્ન છે, ત્યાં કોણ કોનું કરે ?
આ શરીર તો ધર્મશાળા જેવું છે. આત્માને તેમાં રહેવાની મુદત છે. મુદત પૂરી થતાં અવિનાશી આત્મા બીજે ચાલ્યો જશે. અરે, અવિનાશી આત્માને વારંવાર આવા ઘર બદલવા પડે છે તે કાંઈ શોભે છે!
તા. ૩૧ ના રોજ ગુરુદેવ પધારતાં શ્રી માસ્તરસાહેબે કહ્યું : ગુરુદેવ! આપે તો નિર્વાણમાર્ગનો ડંકો વગાડ્યો છે! આપની વાણીનો સીધો લાભ મળે એવી ભાવના રહ્યા કરે છે. ગુરુદેવે કહ્યું આજે તો ભેદજ્ઞાનની વાત આવી હતી; આત્માના પવિત્રસ્વરૂપમાં રાગ નથી, ને રાગમાં આત્માનું પવિત્ર સ્વરૂપ નથી. બંને ચીજ જ જુદી. આવા ભેદજ્ઞાનના વિચાર તે આત્માનો ખોરાક છે, આત્માનો ખોરાક બહારમાં ક્યાં છે? માટે આત્માના જ વિચાર રાખવા.
શરીર તો ફટફટીયા જેવું છે, તેમાં તો ખખડાટ જ હોય ને?