________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૮
www.kobatirth.org
ગ્રંથ પશ્ચિય
શ્રી પ્રદ્યુમ્નસૂરિ વિરચિત મૂલશુદ્ધિપ્રકરણ વિવેચન સહિત
પ્રેરક : આચાર્ય શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા વિવેચનકાર : મુનિશ્રી રત્નબોધિવિજય
પ્રકાશક : જિનશાસન આરાધના ટ્રસ્ટ
પ્રકાશન વર્ષ : વીર સંવત ૨૫૩૭, વિ. સં. ૨૦૬૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
એપ્રિલ ૨૦૧૨
ૐ કનુભાઈ શાહ
મનુષ્યભવ ભોગો ભોગવવા માટે નથી. આ મનુષ્ય ભવમાં તો ચારિત્ર્યની આરાધના દ્વારા જ જીવનની ઉત્તમોત્તમ ગતિને પત્ની શકાય. ચારિત્ર્યની સાધના અન્ય ભવોમાં શક્ય નથી. સૌના માટે ચારિત્ર્ય જીવન પાળવાનું સત્ત્વ ન હોય તેમના માટે મનુષ્ય ભવમાં સારામાં સારું અને ઊંચામાં ઊંચું શ્રાવક જીવન જીવી બતાવવું જોઇએ, પણ ભોગો પાછળ આ જીવનને વેડફી નાખવું ન જોઇએ.
તો તરત જ પ્રશ્ન થાય છે કે ઊંચામાં ઊંચું જીવન જીવવું કેવી રીતે? એનો નિર્દેશ કરનારું શાસ્ત્ર એટલે મુલશુદ્ધિ પ્રકરણ. આ ગ્રંથ શ્રાવક-જીવનની મૂળથી શુદ્ધિ કરે છે. માટે એનું નામ ‘મૂલશુદ્ધિ પ્રકરણ’ અપાયું છે. આ મૂળ ગ્રંથની રચના શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજાની છે. કોઇ શ્રાવકને શ્રાવકની અગિયાર પ્રતિમાઓનું સ્વરૂપ જાણવાની ભાવના થઇ, એમણે સૂરિજી સમક્ષ પોતાની ભાવના વ્યક્ત કરી. પરોપકારી સૂરિજીએ તેની ભાવનાનુસાર આ ગ્રંથની રચના કરી. આ મૂળ ગ્રંથ ઉપર મૂળકાર શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજાના પ્રશિષ્યરત્ન પૂર્ણતલગચ્છના શ્રીદેવચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ટીકા રચી છે. શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની ભાવના હતી કે આ ગ્રંથ શ્રાવક જીવન માટે અતિ ઉપયોગી હોઇ એના પર ગુજરાતી ભાષામાં સરસ વિવેચન લખાય તો સમજવામાં સરળતા રહે. ગુરુદેવશ્રી આચાર્ય શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પ. પૂ. મુનિશ્રી રત્નબોધિ મ. સાહેબે સરળ અને અર્થવાહી ભાષામાં ગુજરાતીમાં વિવેચન લખ્યું છે.
આ ‘મૂલશુદ્ધિ પ્રકરણ’ ગ્રંથમાં કુલ ૨૧૨ ગાથાઓ છે. આ ગ્રંથમાં શ્રાવકની અગિયાર પ્રતિમાઓમાંથી પહેલી દર્શન પ્રતિમાનું વિશદ નિરૂપણ થયું છે જ્યારે અન્ય દેશ પ્રતિમાઓનું સંક્ષેપમાં વર્ણન કરાયું છે. પહેલી દર્શન પ્રતિમાના વર્ણનમાં સમ્યક્ત્વ સ્વીકારનો ક્રમ બતાવાયો છે. પછી સમ્યક્ત્વના પાંચ ભૂષણો, પાંચ દૂષણો, પાંચ લિંગો, છ અપવાદો, છ સ્થાનો, છ ભાવનાઓનું સદૃષ્ટાન્ત વર્ણન કરાયું છે. ત્યારબાદ જિન પ્રતિમા, જિન ચૈત્ય, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આ સાત સ્થાનકોનું વિસ્તારથી નિરૂપણ કરાયું છે.
પહેલા સ્થાનકમાં જિનપ્રતિમા કેવી હોવી જોઈએ? જિનપૂજાના અષ્ટ પ્રકાર, જિનપૂજા કરવાથી થતા લાભ, ન કરવાથી થતાં નુક્શાન વગેરે બાબતોની સ્પષ્ટતા કરવામાં આવી છે. બીજા સ્થાનકમાં જિનાલય સંબંધી બધી હકીકતો અને જિનાલયનાં ઉચિત કૃત્યો બતાવ્યાં છે. ત્રીજા સ્થાનકમાં જિનાગમનું મહાત્મ્ય તેમની આજ્ઞાનું ફળ વગેરે દર્શાવાયાં છે. ચોથા સ્થાનકના વર્ણનમાં સાધુ ભગવંતોનાં ઉચિત કૃત્યો, તેમનાં ગુણો, દાનનું ફળ વિ. બતાવ્યા છે. પાંચમાં સ્થાનકમાં સાધ્વીજી ભગવંતોની ભક્તિ, તેમનાં ઉચિત કૃત્યો, તેમનાં ગુણો વગેરે બાબતો પર વિચારણા થયેલી છે. છઠ્ઠા સ્થાનકમાં સાધર્મિક વાત્સલ્ય, સાધર્મિકોની દ્રવ્યભક્તિ-ભાવભક્તિ, સાધર્મિકોને ઉચિત કૃત્યો, પ્રમાદના આઠ પ્રકારો, પ્રમાદની ભયંકરતા, મળેલી દુર્લભ સામગ્રી વગેરેનું સ્વરૂપ સ્પષ્ટ કરાવ્યું છે, સાતમાં સ્થાનકમાં શ્રાવિકાઓને ઉચિત કૃત્યાં, ઉત્તમ શ્રાવિકાઓનાં દૃષ્ટાંતો, સતી શીલનું મહાત્મ્ય, વગેરેનું દર્શન કરાવ્યું છે. ત્યારપછી શેષ દશ પ્રતિમાઓ, વિનયના પાંચ પ્રકારો વગેરે દર્શાવાયા છે. દ્રવ્યોનો પરિચય આપતાં તેમને અનુરૂપ દૃષ્ટાંતો આપવાથી પદાર્થોને સમજવામાં સુગમતા રહે છે.
અનાદિ કાળથી અનંત દોષો અને અનંત કુસંસ્કારોથી અશુદ્ધ થયેલા આત્માની મૂળથી શુદ્ધિ કરનારું શાસ્ત્ર એટલે ‘શ્રી મૂલશુદ્ધિ પ્રકરણ.’