________________
સ્વતંત્રતાની ભાવના | દરેક સ્વતંત્ર દેશના નવજુવાનો પોતાના દેશની રક્ષા ખાતર કે પોતાના દેશનું સામ્રાજ્ય રચવાની ખાતર તનતોડ મહેનત કરી રહ્યા છે – પ્રાણ આપી રહ્યા છે.
એમનો આપણે દાખલો લેવો જોઈએ કે સ્વતંત્રતા માટે એ લોકો કેટલું કરી રહ્યા છે. પણ કેટલાક ગુલામોને ઘણા વખતની ગુલામી પછી ગુલામી જ પ્રિય થઈ પડે છે.
પોતાના વતન અને આઝાદી માટે ખપી જવાની તમન્ના લોકોના દિલમાં જાગ્રત થવી જોઈએ.
જ્યાં સુધી આ લાગણી હિન્દી પ્રજાના દિલમાં જાગ્રત થઈ નથી ત્યાં સુધી અખબારોમાં ને રેડિયો પર ભલે જોઈએ તેટલો પ્રચાર ચલાવો, બધો પ્રચાર નિરર્થક છે.
૩૮ |
દેશસેવા | હિન્દુસ્તાનમાં ઉજ્જવળ ઇતિહાસ આજે રચાઈ રહ્યો છે. તેમાં કંઈ તમારે હિસ્સો આપવો હોય, એવી ભાવના હોય, તો તેનો વિચાર કરજો. બાકી ધાન ખાઈને સાંજે સૂઈ જાય; એવું તો જાનવર પણ કરે છે. પણ ભારતની સ્વતંત્રતાનો આ યુગ ચાલી રહ્યો છે ને ઇતિહાસ રચાઈ રહ્યો છે, એમાં જે જન્મ્યા છે. તેઓ ભાગ્યશાળી છે.
તમે એમાં હિસ્સો આપશો તો તમારું પણ નામ લખાશે. ઈશ્વર તમને એટલું કરવાની બુદ્ધિ ને તાકાત આપે. ઈશ્વર તમારું સૌનું કલ્યાણ કરે.
એવો વખત આવશે કે જેમ દુનિયાની આબાદ પ્રજાઓ માથું ઊંચું રાખીને ફરે છે, તેમ આપણે પણ ફરી શકીશું.
આપણે જો સમજીએ તો આપણી પાસે જે શક્તિ છે એ દુનિયામાં કોઈની પાસે નથી.
૩૯