________________
ગરવી ગુજરાત
ગુજરાત પાસે પૈસો છે, વ્યવસ્થાશક્તિ છે, વિવેક છે; પણ ગુજરાતને કામદારોની એટલે કે સ્વયંસેવકોની ખોટ છે. જેને દેશદાઝ હોય તે તમામ ગુજરાતીઓએ પોતાનો એક એક છોકરો દેશસેવાના કામમાં આપી દેવો જોઈએ.
દયાધર્મ ગુજરાતી પ્રજાનો વિશેષ ગુણ મનાયો છે. તેઓ આ ઘરમાં સંકટકાળે, પ્રજાના સંકટનિવારણ અર્થે તાત્કાલિક મદદ કરવામાં પાછા નહીં પડે એવી મને પૂરી આશા છે.
પરાઈ મદદ ઉપર ઝાઝો વખત લોકોને નભાવી ગુજરાતને પાંગળું બનાવવું નથી. ભિક્ષાવૃત્તિને ઉત્તેજન આપવું એમાં પુણ્ય નથી પણ પાપ છે.
ભાંગેલ અને ખંડિયેર થયેલ ગુજરાતને ફરી એક વાર હસતી અને રળિયામણી બનાવવાને એકેએક કાર્યવાહકે ઘણા લાંબા વખત સુધી ગુજરાતની તનતોડ સેવા કરવી જોઈશે.
99
લોહીની સગાઈ
સ્વરાજ આવીને પડ્યું છે. વધારે તો ગાંધીજીની મહેનતથી અને કાંઈક ભાંગીતૂટી કૉંગ્રેસની મહેનતથી અને સૌથી વધારે તો
ઈશ્વરની કૃપાએ આ મળ્યું છે.
લાંબો ગાળો પથારીવશ રહ્યા પછી જ્યારે રોગ જાય છે ને પછી ભૂખ છૂટે છે ત્યારે પરેજી પાળવી જોઈએ; તે ન પાળે તો ભારે બીમારી લાગુ પડે. તેમ સ્વતંત્રતાની સાથે આપણે પરેજી, સંયમ પાળવાં જોઈશે.
આપણા દેશની પ્રાચીન પરંપરાઓ જેનો આપણને વારસો મળ્યો છે તે માટે આપણે મગરૂર થવા જેવું છે. આપણા દેશની ઉચ્ચ પરંપરાઓ અને સંસ્કૃતિના આપણે બધા સરખા ભાગીદાર છીએ. આપણા બધાના હિતસંબંધો અલગ અલગ નથી એટલું જ નહીં, પણ આપણે બધા એક લોહીની અને એક ભાવનાની ગાંઠથી બંધાયેલા છીએ.
૩૭