________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
શ્રી કાયાપુર પાટણથી મોક્ષનગરમાં
સિદ્ધ પરમાત્માને પોતાની સ્થિતિ જણાવતો ચેતનજીએ “લખેલો પત્ર”
સ્વસ્તિશ્રી સિદ્ધશિલા મોક્ષનગરે મહાશુભ સ્થાને પરમપૂજ્ય અર્ચના યોગ્ય સર્વ શુભોપમા બિરાજમાન મહારાજાધિરાજ પતિતપાવન, ભક્તવત્સલ ત્રિહુલોકના પ્રતિપાલ, અનાથના નાથ, તરણતારણ, એવંવિધ અનેક ઉપમાએ બિરાજમાન પૂજ્ય શ્રી જ્યોતિસ્વરૂપની ચિરંજીવી ઘણી હજો.
એતાનશ્રી ચેતનાપુરથી અહીં તમારે પસાય કરી સુખશાતા વર્તે છે બીજું લખવાનું કારણ એ છે જે રાજશ્રીના હુકમે આ કાયાનગરમાં રાજ્ય કરવા આવ્યા હતા. પરંતુ કુસંગે કરીને રાજ્યની જમાવટ થઈ નથી. તેમાં કચેરીની વિગત ૧ કામોજી મહાસુભટ, ૨ ક્રોધોજી કામદાર, ૩ લોભોજી બક્ષી, ૪ મોહોજી જમાદાર, ૫ અહંકારજી વજીર. એ પાંચ જણ બળ કરી ગયા છે. તેથી અમારૂં કાંઈ જોર ચાલતું નથી.
આટલા દિવસ સુધી તો ચેતનનગર અનુપમ શોભાએ કરી વધતું હતું, ઉઠ ક્રોડ ઘર સુખી હતાં તેના ઉપરે રાજશ્રીના હુકમે જરાસિંધુનો ચોપદાર આવ્યો છે. તેણે આખા શહેરની સઘળી શોભાનો બગાડ કર્યો છે, સર્વલોકને પલટાવ્યા છે. સર્વેના પરિણામ ફરી ગયા છે. પ્રથમ તો નગરની શોભા વર્ણવી ન શકાય એવી હતી. ઘણી શોભાએ કરી નગર બિરાજમાન હતું. વળી શહેરની વિગત કાયાપુર-પાટણ તેમાં નવસરી બજાર, બોંતેર કોઠા, દશ દરવાજા, નવ વાડ, રૂપણી નવ ખાઈ છે.
દરવાજે બે ચોપદાર છે. નગરમાં ફરતાં બાર પરા છે. એવી અદ્ભુત શોભાએ નગર રળીયામણું હતું તેમાં જરાસંઘે આવીને ઘણો બીગાડ કર્યો છે. નગરની શોભા હીન કરી છે. પરાં સર્વે ઉજ્જડ કર્યાં છે, તે પરાની વિગત
૧ પ્રથમ મસ્તકપુરી ધ્રુજે છે.
૨ લોચનપુરીના લોકો નિસ્તેજ થયાં છે.
૩ કરણપુરી ઉજ્જડ પડી છે, તેના કામદાર વિચ્છેદ ગયા છે.