Book Title: Kshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Author(s): Hemchandravijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________ 335 સયોગીકેવળી ગુણસ્થાનક જે ક્રિયાવિશેષમાં વેદનીય વગેરે કર્મોની સ્થિતિનો પ્રચૂર નાશ થાય છે તે સમુદ્યાત. સમુદ્યાતવિધિ આવશ્યકચૂર્ણિમાં આ પ્રમાણે કહ્યો છે - પ્રથમ સમયે સ્વશરીરમાંથી આત્મપ્રદેશો બહાર કાઢી આત્માના આઠ મધ્યપ્રદેશોને ચકપ્રદેશો ઉપર સ્થાપી શેષ પ્રદેશોને ઉપર-નીચે લંબાવી ચૌદ રાજલોક જેટલો ઊંચો, સ્વશરીરપ્રમાણ પહોળાઇવાળો તથા જાડાઇવાળો દંડ કરે છે. બીજા સમયે દંડને પૂર્વ-પશ્ચિમ (અથવા ઉત્તર-દક્ષિણ) લોકાંત સુધી લંબાવી કપાટ કરે છે. ત્રીજા સમયે આત્મપ્રદેશોને ઉત્તર-દક્ષિણ (અથવા પૂર્વ-પશ્ચિમ) લોકાંત સુધી લંબાવી પ્રતર કરે છે. ચોથા સમયે નિષ્ફટમાં રહેલા આકાશપ્રદેશોને પૂરે છે. આમ ચોથા સમયે લોકવ્યાપી બની જાય છે. પાંચમા સમયથી પાછા ફરવા માંડે છે. પાંચમા સમયે પ્રતરવ્યાપી થાય છે. છઠા સમયે કપાટવ્યાપી થાય છે. સાતમા સમયે દંડ થાય છે. આઠમા સમયે સ્વદેહસ્થ થાય છે. પ્રથમ સમયે દંડ કરતા પોતાના આત્માના સર્વ પ્રદેશોના અસંખ્યાતા બહુભાગ પ્રમાણ પ્રદેશોને શરીરમાંથી બહાર કાઢે છે અને શેષ એક અસંખ્યાતમા ભાગ જેટલા પ્રદેશો શરીરમાં જ રાખે છે. બીજા સમયે શરીરમાં શેષ રહેલ આત્મપ્રદેશોના અસંખ્યાતા બહુભાગ પ્રમાણ પ્રદેશોને બહાર કાઢે છે અને એક અસંખ્યાતમા ભાગ જેટલા પ્રદેશો શરીરમાં જ રાખે છે. આમ પ્રથમ સમય કરતા બીજા સમયે અસંખ્ય ગુણહીન પ્રદેશો શરીરમાંથી બહાર કાઢે છે. બીજા સમયે શરીરમાં શેષ રહેલ આત્મપ્રદેશોના અસંખ્યાતા બહુભાગ પ્રમાણ પ્રદેશો ત્રીજા સમયે બહાર કાઢે છે અને એક અસંખ્યાતમો ભાગ શરીરમાં બાકી રાખે છે. એટલે બીજા સમયે શરીરમાંથી બહાર કાઢેલ આત્મપ્રદેશો કરતા ત્રીજા સમયે બહાર કાઢેલા આત્મપ્રદેશો અસંખ્યગુણહીન છે. ત્રીજા સમયે શરીરમાં શેષ રહેલા આત્મપ્રદેશોમાંથી ચોથા સમયે અસંખ્યાતા બહુભાગ પ્રમાણ આત્મપ્રદેશોને બહાર કાઢે છે અને એક અસંખ્યાતમા ભાગ જેટલા આત્મપ્રદેશો શરીરમાં રાખે છે. એટલે અહીં પણ ત્રીજા સમયે બહાર કાઢેલ આત્મપ્રદેશો કરતા ચોથા સમયે બહાર કાઢેલ આત્મપ્રદેશો અસંખ્યગુણહીન છે. ચોથા સમયે બહાર કાઢ્યા પછી શેષ આત્મપ્રદેશો જે એક અસંખ્યાતમા ભાગ જેટલા રહ્યા છે તે સ્વશરીરની અવગાહના પ્રમાણ આત્મપ્રદેશો સમજવા. પ્રશ્ન - પ્રથમ સમયે કેવળી સમુદ્ધાતમાં રહેલ જીવનું જે દંડાત્મકક્ષેત્ર છે તેના કરતા બીજા સમયે કપાટાત્મક ક્ષેત્ર અસંખ્યગુણ છે, જ્યારે બીજા સમયે આત્મપ્રદેશો અસંખ્યગુણહીન જ બહાર કાઢે છે. તેવી જ રીતે બીજા સમયના કપાટાત્મક ક્ષેત્રથી ત્રીજા સમયનું પ્રતરાત્મક ક્ષેત્ર અસંખ્યગુણ છે, જ્યારે બીજા સમય કરતા ત્રીજા સમયે અસંખ્ય ગુણહીન આત્મપ્રદેશો બહાર કાઢે છે. તો પછી અસંખ્ય ગુણહીન પ્રદેશોથી અસંખ્યગુણક્ષેત્ર શી રીતે વ્યાપ્ત થાય ?