________________
મારા માટે એમણે મનમાં ગેરસમજ બાંધી રાખી છે. એમનું બધું જ વર્તન આ ગેરસમજ ને સાથે રાખીને ચાલે છે. મારા દરેક વહેવારને આ ગેરસમજની નજરે જ જોવાય છે. બીજાનો ટેકો લઈને એમણે પોતાની ગેરસમજને મજબૂત બનાવી છે. મને લાગે છે કે હવે આનો ખુલાસો થઈ જવો જોઈએ. આનો જવાબ આપવો જ પડશે, બહુ થયું.
તો અહીં જ ભૂલ થાય છે. એમણે ગેરસમજ બાંધી છે તે એમનાં મનમાં બાંધી છે. એનાથી હું બંધાયો નથી. એમની ગેરસમજ જો ખરેખર ખોટી હોય તો એ એમને મુબારક. મારે ખુલાસા કરવાની જરૂર નથી. એમની ગેરસમજ સાચી હોય તો મારે સુધરી જવું રહ્યું. સાચો જવાબ આ જ છે.
પછી એમને તક જ નહીં મળે. તો મારા મનમાં એમના વિશે ગેરસમજ હોય તે મારે દૂર કરી લેવી જોઈશે. આનાથી હિસાબ ચોખ્ખો થશે.
મારી ભૂલ એમણે કયારેય ન બતાવી. જ્યારે વાંધો પડ્યો ત્યારે મારો અવાજ દાબી દેવા માટે એમણે મારી ભૂલો ઉખેળી. મને ચૂપ કરવા માટે મારી જ ભૂલોનું પાનું સામે ધર્યું. મારી ભૂલો બતાવી તે સારું થયું. વાંધો એ છે કે એમણે મારું કલ્યાણ થાય તે માટે ભૂલ નથી બતાવી. એમણે તો ફકત મને હરાવી દેવા માટે જ, એ ભૂલો મારી સામે ઉગામી હતી. આવી ચાલબાજી મને ક્યારેય નથી ગમી.
અને એટલે જ હું નક્કી કરું છું કે એમને અથવા બીજા કોઈને આવી ચાલબાજી કરીને હું સકંજામાં નહીં લઉં. બીજાને દોષિત ગણાવીને પોતાને સારા પૂરવાર કરવાનું રાજકારણ હું નહીં ખેલું. મારી ભૂલ હું સાંભળી લઈશ. પણ એમને સંભળાવી દેવા માટે એમની ભૂલોના હથિયાર નહીં સજાવું. કહેવું હશે તો શાંતિથી વાત કરીશ. મારાં મનને સાચવવા કાજે એમને ઉતારી પાડવા નહી બેસું. એમની ભૂલથી એમને દબાવવાનો અત્યાચાર હું ક્યારેય નહીં કરું.
~ ૨૭
એ મને સાચવી લે તો સારું છે. મારી ઉપેક્ષા કરે તે ન ચાલે. મને કાંઈ જણાવે નહીં, મને કાંઈ પૂછે નહીં તે યોગ્ય નથી. મને મહત્ત્વ ન મળે તો હું ઘવાઈ જઈશ. મારા હાથે ગમે ત્યારે વિરોધ થઈ જશે. પછી કોઈ સંભાળી નહી શકે. મારો આવો અનાદર નહીં ચલાવી લઉં.
આ તો નાના છોકરા જેવી વાત થઈ ગઈ. એને ન સાચવો તો નારાજ થાય. એને ભાવ ન આપો તો આડો ચાલે. આ એક અલગ પરાધીનતા બની જશે. એ સાચવે તો હું રાજી રહું. એ બોલાવે તો મારી લાગણી સચવાય. ન સાચવે કે ન બોલાવે તો મારે નારાજ થઈ જવાનું, રડવાનું, લડવાનું. મારી સૃષ્ટિ પર તેમના જ વહેવારનો પડછાયો રહે. હું જાતે જ રાજી રહું એ મારું સુખ અને સ્વત્વ છે. એમના આદર-અનાદર સાથે મારે કોઈ લેવાદેવા નથી.
ન
જો કે સવાલ તો હજી ઊભો જ છે. મે એમને સાચવવાના પ્રયાસો સાચા દિલથી કર્યા જ નથી. એમની લાગણીનો ખ્યાલ મેં જ નથી રાખ્યો.
મારે સૌથી પહેલાં આ મુદ્દે જાગૃત બનવું પડશે. તો જ સમસ્યા ઉકેલાશે.
એમણે મને ક્યારે અને કયાં અને કેટલી તકલીફ આપી છે તે મને બરોબર યાદ છે. મારા ચોપડામાં બધી નોંધ છે. એમણે મને સંભળાવી દીધું તેમ હું એમને સંભળાવવા બેસું તો દસ કલાક નીકળી જાય. મેં ઓછું સહન નથી કર્યું. હું બોલવાનું ચાલુ કરીશ તો એમની હાર જ થશે.
છતાં એમ લાગે છે કે એમની સામે જીતવાનો મતલબ શો ? એમની હાર એ તો મારી પોતાની જ હાર છે. એમને લપડાક મારું તો એના ઘા મારાં જ અંતરમાં ઉઠે. એ મારી લાગણીનો હિસ્સો છે. મારી જિંદગીની એ ખૂબ નજીકમાં છે. એમને ઉતારી પાડવાની ક્રૂરતા મને ન શોભે.
~ ૨૮