________________
પારા ૮૩૧ થી ૮૩૫
વિજય દેવસૂરિ, વિજયસિંહસૂરિ, શાંતિદાસ
૩૭૩
એ અતિ શ્રીમંત સાહસિક વેપારી હતા. તેની શરાફી પેઢીઓ સુરતાદિ અનેક સ્થળે ચાલતી. તેઓ ઓસવાળ જૈન અને સાગર પક્ષમાં હતા. રાજમાં ઘણી લાગવગ હતી. તેમણે જહાંગીરના રાજ્યમાં સં. ૧૬૭૮માં બીબીપુર (પ્રાયઃ અસારવા ને સરસપુર વચ્ચે) ચિંતામણિ-પાર્શ્વનાથનું સુંદર ભવ્ય મંદિર બંધાવવા માંડ્યું અને તેમાં મુક્તિસાગરને હાથે સં. ૧૬૮૨માં પ્રતિષ્ઠા થઈ.૫૦૪ તે સ્થાપત્યના ઉંચા પ્રકારના નમુના રૂપ હતું. શાહજહાંના અમલમાં તેના ધર્માધ પુત્ર ઔરંગજેબને અમદાવાદની સૂબાગિર અપાતાં તેણે મંદિ૨માં મહેરાબ કરી (વટાળ કરી) એની મસ્જીદ કરી હતી (સં. ૧૭૦૦). વોરા લોકો એનો સામાન લઈ ગયા હતા. આથી આખા ગુજરાતમાં હિંદુ અને મુસલમાનનું બંડ થયું હતું. શાંતિદાસે શાહજહાંને અરજ કરતાં શાહજાદા દારાશિકોહના હાથનું એક ફરમાન મેળવ્યું (હીઝરી ૧૦૫૮ સં. ૧૭૦૧). તેમાં જણાવ્યું હતું કે ‘મહેરાબો કાઢી નાંખી તે મંદિર શાંતિદાસને હવાલે કરવું, તે તેને બક્ષવું અને તેનો તે કબજો રાખે ને પોતાના ધર્મ પ્રમાણે ભજન કરે તેમાં કોઈ આડે ન આવે, તેમાં રહેલા ફકીરોને કાઢી મૂકવા ને વોરા લોકો પાસેથી સામાન લઈ પાછો આપવો યા સામાનનો ખર્ચ લઈ પહોંચાડવો.’
૮૩૪. આ શાંતિદાસે સાગરપક્ષથી થયેલા ઝઘડામાં આગેવાની ભર્યો ભાગ લીધો હતો. ઉક્ત મુક્તિસાગરને સૂરિપદ સં. ૧૬૮૬માં અમદાવાદમાં અપાવ્યું, ને તેમનું નામ રાજસાગરસૂરિ સ્થાપ્યું. શેઠનો સ્વર્ગવાસ સં. ૧૭૧૫માં થયો. આજે એમના વંશજોના હાથમાં અમદાવાદની નગ૨શેઠાઈ ચાલી આવે છે. ઐતિહાસિક કુટુંબ તરીકે હિંદના ઇતિહાસમાં અને ખાસ કરી ગુજરાતના ઇતિહાસમાં શાંતિદાસના કુટુંબનું સ્થાન ઉંચું છે.
૮૩૫. હીરવિજયસૂરિ એ એ જબરા જૈન પ્રભાવક થયા. આખા યુગ ને શતક પર તેમનો અને તેમના શિષ્યોનો જબરો પ્રભાવ છે. તેમના માટે તેમના જ સમયમાં અનેક સંસ્કૃત અને ગૂજરાતી કાવ્યો રચાયાં છે. વળી સંસ્કૃત અને ગુજરાતી સાહિત્યમાં તેમના શિષ્યોએ મોટો ફાળો આપ્યો છે. તેમનો શિષ્ય પરિવાર-એક આચાર્ય નામે વિજયસેનસૂરિ, ૭ ઉપાધ્યાયો, ૧૫૧ પંડિતો-પંન્યાસ (પ્રજ્ઞાંશ) પદધારી, ૨૦૦૦ સાધુઓ અને ૩૦૦ સાધ્વીઓ-એ પ્રમાણે હતો. તેમણે, તેમના પટ્ટધર વિજયસેનસૂરિ અને તેમના પટ્ટધર વિજયદેવસૂરિએ થઇને લાખો જિનબિંબોની હજારો મંદિરોમાં પ્રતિષ્ઠા કરી હતી અને અકબર, જહાંગીર અને શાહજહાં એ ત્રણે બાદશાહો (સં. ૧૬૧૩ થી સં. ૧૭૧૩) ની ભારતની શાંતિની શતવર્ષીમાં રાજ્યનો પૂર્ણ આદર મેળવી સર્વત્ર વિહાર કરી જૈનધર્મની મહાન ઉન્નતિનો કળશ ચઢાવ્યો હતો. અત્યાર સુધી જે તપાગચ્છના જૈન સાધુઓ ગૂજરાતમાં વિચરે છે તે હીરવિજયસૂરિની પરંપરા છે.
૫૦૪. આ મંદિરની પ્રશસ્તિની નકલ શ્રી જિનવિજય પાસે છે કે જે સં. ૧૬૯૭ માં લખાઈ છે અને એક અશુદ્ધ નકલ મુંબઈની રો. એ. સોસાયટીમાં છે. વે. નં. ૧૭૫૬. આ પ્રતિષ્ઠા સાથે બીજાં જિનબિંબોની પ્રતિષ્ઠા થઇ તેના લેખો બુ. ૧ નં. ૩૬ અને ૧૨૮ માં પ્રકટ થયા છે તે સારો પ્રકાશ પાડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org